ડચેસ ઓફ કોર્નવોલે કેમસન્સ ફાર્મસીની ઓફિસ અને વેરહાઉસનું ઉદઘાટન કર્યું

Tuesday 06th April 2021 14:34 EDT
 
 

ડચેસ ઓફ કોર્નવોલે ૩૦મી માર્ચે સમગ્ર કોરોના મહામારી દરમિયાન ફાર્મસીઓએ કરેલી કામગીરીને બીરદાવવા માટે ઈસ્ટ સસેક્સમાં અકફિલ્ડની મુલાકાત લીધી હતી. કોમ્યુનિટી ફાર્મસીના સ્ટાફ તેમજ ફાર્મસીસના કામકાજને જાળવી રાખવામાં મદદરૂપ થતાં ઓફિસ અને વેરહાઉસ સ્ટાફને પણ હર રોયલ હાઈનેસ (HRH) મળ્યા હતા. તેમણે કેમસન્સ ફાર્મસીના બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યા પછી તેની ઓફિસો અને વેરહાઉસનું સત્તાવાર ઉદઘાટન કર્યું હતું.

 ડચેસને જણાવવામાં આવ્યું હતું કે વધારાનું દબાણ હોવા છતાં સમગ્ર કોરોના મહામારી દરમિયાન કેમસન્સ ફાર્મસીની તમામ બ્રાંચ ખૂલ્લી રહી હતી. ગયા સમગ્ર વર્ષ દરમિયાન લોકલ કોમ્યુનિટીને સેવા પૂરી પાડવા માટે દરરોજ ઈન્ડિપેન્ડન્ટ કોમ્યુનિટી ફાર્મસીસમાં કામ કરનારા ફ્રન્ટલાઈન ફાર્માસિસ્ટ્સ અને તેમની ટીમોએ કરેલી કામગીરી વિશે જાણવામાં ડચેસને રસ પડ્યો હતો.

તેમને અકફિલ્ડમાં મીડ્સ મેડિકલ સેન્ટરની કેમસન્સ ફાર્મસીમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ્સ, સ્ટુડન્ટ ફાર્મસી ટેક્નિશિયન, મેડિસીન કાઉન્ટર આસિસ્ટન્ટ અને ડિલીવરી ડ્રાઈવરનો પરિચય કરાવાયો હતો. તે સૌએ પોતાની કામગીરી વિશે જણાવ્યું હતું.

તે પછી ડચેસ ઓફ કોર્નવોલ ડિરેક્ટર્સ બિપીન ચોટાઈ FRPharmS અને ભરત ચોટાઈ FRPharmS તથા કંપનીની માલિકી ધરાવતા ચોટાઈ પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યારબાદ તેઓ ફાર્માસિસ્ટ્સ, ઓફિસ અને વેરહાઉસ સ્ટાફને મળ્યા હતા.

કેમસન્સ ફાર્મસીના મેનેજિંગ ડિરેક્ટર બિપીન ચોટાઈએ જણાવ્યું કે ડચેસ ઓફ કોર્નવોલને આવકારતા તેઓ સન્માન પ્રાપ્ત થયાની લાગણી અનુભવે છે અને તેમણે અમારા સ્ટાફ તથા ફાર્મસીની કરેલી પ્રશંસા સાંભળીને અમને ખૂબ આનંદ થયો છે.

પ્લેકનું અનાવરણ કર્યા પછી ડચેસ ઓફ કોર્નવોલે જણાવ્યું હતું કે સમગ્ર મહામારી દરમિયાન આપ સૌએ જે કામગીરી કરી છે તે બદલ આપ સૌનૌ આભાર માનું છું. ઘણાં લોકોએ મને કહ્યું હતું કે તે ઘણું મુશ્કેલ હતું. પરંતુ, તમે સમગ્ર મહામારી દરમિયાન સંઘર્ષ કર્યો અને સૌને સુંદર સેવા પૂરી પાડી છે. ચોટાઈએ ઉમેર્યું હતું, ડચેસ ઓફ કોર્નવોલે અમારા સ્ટાફે સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ કપરા સંજોગોમાં સ્થાનિક લોકોની સેવા માટે સતત કરેલી કામગીરીમાં રસ દાખવ્યો હતો. અમે પણ અમારા સ્ટાફની નિષ્ઠા પ્રત્યે ગર્વ અનુભવીએ છીએ અને તેમના યોગદાનની ડચેસે પ્રશંસા કરી તેનો અમને ખૂબ આનંદ છે.

ત્યારબાદ ડચેસે નવા સ્ટેટ ઓફ આર્ટ વેરહાઉસનું નિરીક્ષણ કર્યું હતું અને આખા વેરહાઉસમાં મેડિસીન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા રોબોટ વીસલને નિહાળીને તેઓ આશ્ચર્યચકિત થયા હતા. કેમસન્સ ફાર્મસીનું વેરહાઉસ આ પ્રકારની ટેક્નોલોજી વિક્સાવવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે.વ્યક્તિ દ્વારા દવાઓની હેરફેરને બદલે આ ઓટોમેટેડ સિસ્ટમને લીધે ફાર્મસીસની દવાની ડિલીવરીમાં વધારો થયો છે.

વેરહાઉસના મેનેજર ગ્રેમ નોટે માહિતી આપી હતી કે કેમસન્સ ફાર્મસીના કાર્બન ન્યૂટ્રલ બનવાના અભિયાનના ભાગ રૂપે વેરહાઉસ પર ૯૨૫ સોલાર પેનલ લગાવાઈ છે જેનાથી ફાર્મસીસને અને દર્દીઓને સીધી જ દવા પહોંચાડતા કેટલાંક વાહનોને વીજળી પૂરી પાડવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter