ડાયાબિટીસ યુ.કે.ના લાભાર્થે ૧ મિલિયન સ્ટેપ કરી ૧૧૦૦ પાઉન્ડ એકત્ર કરતા આશાબેન મહેતા

-જ્યોત્સના શાહ Wednesday 27th October 2021 02:40 EDT
 
 

નવનાત વણિક ભગિની સમાજના આશાબેન મહેતાએ આ સમરમાં ડાયાબિટીસ યુ.કે.ને ટેકો આપવા ત્રણ મહિનામાં એક મિલિયન સ્ટેપ પૂર્ણ કર્યા છે. આ પગલાની શરૂઆત કેવી રીતે થઇ? ડાયાબિટીસ યુ.કે. તરફથી એમને જુન મહિનામાં એમને ઇમેઇલ આવ્યો કે વન મિલિયન સ્ટેપ ચેલેન્જમાં આપ જોડાવ. મનમાં થયું કે એ આસાન તો નથી પરંતુ અશક્ય પણ નથી!
જુલાઇથી સપ્ટેમ્બર સુધીમાં આ પડકાર પૂર્ણ કરવાની ગણત્રી માંડી. એ માટે એકપણ દિવસ ભૂલ્યા વિના દરરોજ ઓછામાં ઓછા ૧૨,૦૦૦ સ્ટેપ તો કરવા જ પડે. મન મક્કમ કરી ડગ ભરવાનું શરૂ કર્યું. એમનો ટાર્ગેટ ૧૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનો હતો. એક મહિનામાં સરેરાશ ૧૫,૦૦૦ સ્ટેપ ચાલ્યાં. સેઁટ લ્યુક્સ ચેરિટીમાં ય મીડ નાઇટ વોક કરી એથી ૫૦,૦૦૦ સ્ટેપ થયા. અડધો પડાવ વટાવ્યો.  ૧૮ સપ્ટેમ્બરના રોજ એમની બર્થ ડે હતી. હજી ટાર્ગેટ પૂર્ણ કરવા બે સપ્તાહ બાકી હતા. એમના જીવનની આ ભવ્ય બર્થ ડે ગીફટ એક આહ્લાદ્ક અનુભવ બની ગયો.
ત્રણ મહિનાના અંતે ૧.૧ મિલિયન સ્ટેપ કરી ધાર્યો ટાર્ગેટ પૂર્ણ થયો અને ૧૧૦૦ પાઉન્ડ એકત્ર કર્યા.
એમના માતુશ્રી ડાયાબિટીસનો ભોગ બન્યા હતા એથી આ કરવાની એમને પ્રેરણા થઇ. એમના આ કાર્યમાં દિકરી, પતિ અને કુટુંબીજનોનો સાથ સાંપડ્યો. અશક્ય લાગતું કામ પૂર્ણ કરવાથી ઉત્સાહ બેવડાયો.
૨૦૨૨માં એમના પિયરના કોઠારી ફેમીલી તરફથી ચેરિટી વીકનું આયોજન કરી પોતાની માતુશ્રીની સ્મૃતિમાં ભારત માટે એક લાખ રૂપિયા એકત્ર કરી દાન કરવાનો નિર્ણય કરી લીધો છે.
આશાબેન જણાવે છે કે, "સૌ વાચકો સમક્ષ મારી આ વાત પ્રસિધ્ધ કરવાનું એક જ ધ્યેય છે, અન્યોને પ્રેરણા મળે.  જીવનમાં તમારી પસંદની કોઇપણ ચેરિટી માટે તમે પ્રવૃત્ત થાવ અને દાનની સરવાણી વહાવો. આપનો એક એક પાઉન્ડ કોઇના જીવનમાં અજવાળું કરવામાં મદદરૂપ થશે. જાગ્યા ત્યારથી સવાર એમ માની સારા કામનો શુભારંભ આજથી જ કરો. ક્યારેય એમ ન વિચારતા કે હવે બહુ મોડું થઇ ગયું.” ધન્યવાદ આશાબેન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter