ડેનહેમ: ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ભક્તિભાવપૂર્ણ પરંપરાને ઉજાગર કરતા દિવાળીના પવિત્ર પર્વોની અનુપમ મિશન ડેનહેમ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. શ્રી ઠાકોરજી મહારાજ, સંત પૂ. ભગવંત સાહેબદાદા તથા સંત પૂ. અશ્વિનદાદાના પાવન સાંનિધ્યમાં બે દિવસ દરમિયાન લક્ષ્મીપૂજન, શારદાપૂજન અને ભવ્ય અન્નકૂટ ઉત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
14 નવેમ્બરના રોજ સાંજે શ્રી લક્ષ્મીપૂજન અને શ્રી શારદાપૂજનનું આયોજન કરાયું હતું જેમાં 90 જેટલા યજમાન યુગલોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. બહેનોએ વિશેષ ભાવપૂર્વક શ્રી લક્ષ્મીજીનું પૂજન કર્યું હતું. પૂજ્ય હિંમત સ્વામીજી તથા પૂજ્ય ચેતનભાઈના આચાર્યપદે શ્રી ઠાકોરજી મહારાજ સમક્ષ શ્રી લક્ષ્મીજી તથા હિસાબની ચોપડીઓનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશીર્વચન આપતાં પૂ. અશ્વિનદાદાએ જણાવ્યું હતું કે, લક્ષ્મીજીની સાથે નારાયણનો મહિમા સમજવો અત્યંત આવશ્યક છે. લક્ષ્મીજીને પવિત્ર ભાવનાથી પ્રાપ્ત કરી ભગવાનનાં કાર્યોમાં અને સમાજસેવામાં ઉપયોગમાં લઈશું તો ભગવાન પ્રસન્ન થશે અને આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક સંપત્તિનો વધારો થશે. ધન પ્રત્યેનો આસક્તિભાવ પણ દૂર થશે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર આપણી આવકમાંથી દસ ટકા ભગવાનનાં કાર્યો અર્થે વાપરીશું તો આપણા જીવનના આધ્યાત્મિક હિસાબનું જમા પાસું સતત વધતું રહેશે. નિયમિત સાપ્તાહિક સત્સંગસભામાં જોડાવું અને દરરોજ એક કલાક સ્વભજન કરવું એ સુખી અને શાંતિમય જીવનનો માર્ગ છે.
450 વાનગીનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ
15 નવેમ્બરના રોજ અનુપમ મિશન ડેનહેમ ખાતે ભવ્ય શ્રી અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિ, ઉત્સાહ અને આનંદના રંગે રંગાયું હતું. ભક્તોના હૈયામાં શ્રદ્ધા અને ભાવનાનો જાણે મહાસાગર છલકાતો હતો. વેમ્બલી, કિંગ્સબરી, ઈસ્ટ લંડન, ઇકનહામ સહિતનાં વિવિધ મંડળોના હરિભક્તો, યુવાનો અને યુવતીઓએ અત્યંત ઉત્સાહ અને સમર્પણભાવથી મંદિરનું આકર્ષક સુશોભન કર્યું હતું. ભક્તો દ્વારા તૈયાર કરાયેલી અંદાજે 450 જેટલી વાનગીઓ, વ્યંજનો, બેકરીની વાનગીઓ અને ફળોનો ભવ્ય અન્નકૂટ શ્રી ઠાકોરજી મહારાજ સમક્ષ ધરાવવામાં આવ્યો હતો.
પૂજ્ય હિંમત સ્વામીજી, સાધુ પૂજ્ય મુકેશદાસજી તથા યુવાનોના સુરમય વૃંદે અદ્ભુત ભક્તિભાવ સાથે થાળગાન કર્યું હતું. થાળગાનની મધુર સ્વરલહરી અને અન્નકૂટની ભવ્ય સજાવટ વચ્ચે ઉપસ્થિત સૌ હરિભક્તોને જાણે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં પધારીને મહાથાળ આરોગી રહ્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે વિનુભાઈ નકરજાએ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત સૌ સંતો, મહાનુભાવો અને હરિભક્તોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સતીશભાઈએ સંત ભગવંત સાહેબદાદાની દિવ્ય દૂરંદેશી અને સમાજકલ્યાણની ભાવનાનું સ્મરણ કરાવીને યુકેમાં નિર્મિત થઈ રહેલા ઐતિહાસિક ૐ ક્રેમેટોરિયમ પ્રોજેક્ટની માહિતી આપી હતી. બંને દિવસના આ કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજ્ય ભવિષાબેને કર્યું હતું. આ પ્રસંગે હરિધામ સોખડાથી પરમ પૂ. ત્યાગવલ્લભ સ્વામીજી તથા સંતો અને શિકાગોથી પૂ. દિનકરદાદાએ ખાસ પધારીને સૌને આશીર્વાદ આપ્યા હતા.
ઉપરાંત અનેક મહાનુભાવો, સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર ઉત્સવને વિશેષ આધ્યાત્મિક ગરિમા બક્ષી હતી.
સંત ભગવંત સાહેબદાદાના આશીર્વાદથી પૂજ્ય હિંમત સ્વામીજી, પૂજ્ય સાધુ પંકજદાસજી અને સંતો હરિભક્તોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બંને દિવસના કાર્યક્રમોમાં સહુએ ભક્તિ, સત્સંગ, સેવા અને સમર્પણની દિવ્ય અનુભૂતિ કરી હતી. મંદિરનું વાતાવરણ જાણે પૃથ્વી પર સાક્ષાત્ અક્ષરધામની અનુભૂતિ કરાવતું હતું.
અંતમાં સૌ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. દિવાળીના આ પવિત્ર પર્વોએ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા, સામૂહિક ભક્તિ અને સંતોના આશીર્વાદનો સુંદર સમન્વય સર્જ્યો હતો.


