તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોચાસણમાં દિવ્ય માહોલમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

Tuesday 15th July 2025 10:54 EDT
 
 

બોચાસણઃ હાલ બોચાસણ નગરમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનું પર્વ દેશ–વિદેશના હજારો ભક્તો માટે ગુરુવંદનાનો અમૂલ્ય અવસર લઈને આવ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આદ્યસ્થાપક બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ મહામંદિરમાં પ્રતિ વર્ષ ઉજવાતા ગુરુપૂર્ણિમા ઉત્સવનો આ વર્ષે કેન્દ્રવર્તી વિચાર હતોઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
બોચાસણ સ્થિત વાસદ–વટામણને જોડતા ધોરીમાર્ગ ઉપર ‘શ્રી સ્વામિનારાયણ બાગ’ના વિશાળ સભાગૃહમાં ભવ્યતાથી ઉજવાયેલ ઉત્સવનો લાભ લેવા માટે વહેલી સવારથી હરિભક્તો – ભાવિકોની વિશાળ મેદની ઉમટી હતી. સભાગૃહમાં સવારે 8.15 કલાકે સંગીતજ્ઞ સંતો – યુવકો દ્વારા ધૂન –પ્રાર્થના – સ્તુતિગાન- ગુરુ મહિમાગાન દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ સભાનો પ્રારંભ થયો હતો.
વિદ્વાન સંતો અને સદગુરુ સંતોના મનન -ચિંતન સભર પ્રવચનો દ્વારા આજના ઉત્સવનો મર્મ તેમજ આધ્યાત્મિક સાધના માર્ગ સૌ માટે સુલભ થયો હતો. આધ્યાત્મિક માર્ગમાં અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુરુની પ્રાપ્તિ દુર્લભ છે, પરંતુ તે પ્રાપ્તિ થયા પછી આ માર્ગે આગળ વધવા જે સાધના કરવાની છે, તેનું ઉચિત માર્ગદર્શન ઉત્સવ સભાના પ્રત્યેક ચરણે પ્રાપ્ત થતું હતું. વિદ્વાન સંતો પૂ. બ્રહ્મવિહારી સ્વામી, પૂ. આદર્શજીવન સ્વામી, પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને સદગુરુ સંતો પૂ. કોઠારી સ્વામી (ભક્તિપ્રિય સ્વામી), પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. વિવેકસાગર સ્વામી વગેરે સંતોના ચિંતન સભર, અનુભવગમ્ય અને મનનીય પ્રવચનો આ પ્રસંગે પ્રસ્તુત થયા હતા.
આ પ્રસંગે નૂતન પ્રકાશનોના વિમોચન થયા હતા જે અંતર્ગત ‘BAPS સત્સંગ ગુજરાતી’ યૂટ્યૂબ ચેનલ અને ‘BAPS સ્વામિનારાયણ પ્રકાશ’ મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ગુરુહરિ પ.પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ‘ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી, ગુરુને રાજી કરવાનો ખપ રાખવો, અંતર્દૃષ્ટિ કરી, ઊંડા ઉતરી અંતરનો કચરો સાફ કરીએ તો પરિણામ આવે. સમર્થ ગુરુવર્યો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે પરંતુ આપણે અંર્તદૃષ્ટિ કરી, તૈયારી દાખવીએ તો કામ થઈ જાય.’
કાર્યક્રમના અંતે સૌ વતી સદગુરુ સંતો તેમજ વરિષ્ઠ સંતોએ સ્વામીને પુષ્પહારથી વધાવ્યા હતા. અંતમાં સૌ સંતો – હરિભક્તોએ ઠાકોરજી અને તમામ ગુણાતીત ગુરુવર્યોની સ્મૃતિ સાથે મંચ ઉપર બિરાજિત પ્રત્યક્ષ ગુણાતીત ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સમક્ષ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીને ગુરુવંદના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, સાંસદ મિતેશભાઈ, ધારાસભ્યો રમણભાઈ સોલંકી, કમલેશભાઈ, અર્જુનસિંહ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે 70 હજારથી વધારે હરિભક્તો – ભાવિકોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-બોચાસણના મહંત ત્યાગવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કોઠારી વેદજ્ઞ સ્વામી અને ગુરુપૂર્ણિમા ઉત્સવની વ્યવસ્થામાં સામેલ તમામ સંતો, ચરોતર ઝોનના કાર્યકરો અને 3500 ઉપરાંત સ્વયંસેવકોએ પ્રશંસનીય સેવા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter