નવી દિલ્હીઃ પાટનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન – ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’ ભવ્યતા અને ગૌરવ સાથે સંપન્ન થયું.
આ કવિ સંમેલન માટે દેશના વિવિધ પ્રાંતોના સર્જકો પાસેથી હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક કાવ્યો, મુક્તકો, ગઝલો વગેરે સાહિત્ય વિદ્યામાં રચનાઓ આમંત્રિત કરાઇ હતી. સંમેલનના મુખ્ય વિષયો ‘ગુરુ’, ‘ભગવાન’, ‘આત્મવિચાર’, ‘સાંખ્ય વિચાર’ અને ‘અક્ષય આનંદ’ વગેરે પર આધારિત હતા. દેશભરમાંથી પ્રાપ્ત થયેલી કૃતિઓમાંથી પસંદગી સમિતિએ શ્રેષ્ઠ રચનાઓનું ચયન કર્યું હતું અને તે પ્રતિભાશાળી સર્જકોને રવિવારે અક્ષરધામ પરિસરમાં પોતાની કૃતિઓનું કાવ્યપઠન કરવા માટે આમંત્રિત કરવામાં કરાયા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીજી (ભારતના પૂર્વ લોકપાલ સમિતિના ન્યાયિક સભ્ય તથા મણિપુર હાઇ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ), પ્રો. શિવ શંકર મિશ્ર (કુલપતિ, મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન), પ્રો. પ્રમોદ કુમાર શર્મા (કુલપતિ, સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી, મેરઠ), શ્રી ઉદય કુમાર (સંપાદક, અમર ઉજાલા), શ્રી આશિષ પાંડે (સંપાદક, નવભારત ટાઇમ્સ), ડો. નારાયણ દત્ત મિશ્ર (દૂરદર્શનના એન્કર, સંસ્કૃત વાર્તાવલીના મુખ્ય સંપાદક તથા ‘ક્રિએટિવ યંગ માઇન્ડ ઓફ ઇન્ડિયા’થી સન્માનિત), પ્રશાંત તિવારી (ચેરમેન, ધ ડેઇલી પાયોનિયર), સ્વદેશ કુમાર (મેટ્રો સીટી સંપાદક, દૈનિક જાગરણ), પ્રો. પ્રેમ શંકર શર્મા (પ્રયાગરાજના નિવૃત્ત એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા રાષ્ટ્રીય સંસ્કૃત કવિ એવોર્ડ વિજેતા), શુભમ સિંહ (ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદગી પામેલા ભાવિ અધિકારી તથા આઈઆઈટી કાનપુરમાંથી એન્જિનિયરિંગ સ્નાતક), સંજય ઉપાધ્યાય (મુખ્ય સંપાદક, મધરલેન્ડ વોઇસ) તથા હેમંત કેશવ શર્મા (ધ પાયોનિયરના નેતૃત્વ મંડળના સભ્ય) સહિત અનેક અતિથિઓએ ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવ આપ્યું.
કાર્યક્રમના પ્રથમ સત્રનો પ્રારંભ બપોરે એક વાગ્યે ડો. જ્ઞાનાનંદદાસ સ્વામી (સહ-નિર્દેશક, બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી)ના સ્વાગત પ્રવચનથી થયો. આ પ્રસંગે ભાષા, સાહિત્ય અને ઉપાસનાનો અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો. આમંત્રિત કવિઓએ પોતાની કલમના સુગંધિત શબ્દોને ભક્તિભાવ સાથે ગૂંથી એક પછી એક હૃદયસ્પર્શી કાવ્યપ્રસ્તુતિઓ આપી. તેમની રચનાઓમાં ગુરુ-મહિમા, ગુરુ-પ્રેમ, ઈશ્વરીય અનુગ્રહ, અક્ષરધામની દિવ્યતા અને ગુરુકૃપા જેવા વિષયો ભાવસભર અને ચિંતનપ્રેરક રીતે અભિવ્યક્ત થયા. કાર્યક્રમના બીજા સત્રમાં કવિઓની પ્રસ્તુતિની સાથે દિગ્ગજ સાહિત્યકારો સાથે ગોષ્ઠી, ચર્ચા અને પ્રશ્નોત્તરીનું આયોજન થયું હતું. જે સભાસદો માટે જ્ઞાન, આનંદ અને પ્રેરક ખૂબ પ્રેરક રહ્યું હતું.
પોતાના સંબોધનમાં મહાનુભાવોએ કાવ્યને ભક્તિની સહજ અને સુંદર અભિવ્યક્તિ ગણાવી અને આવા આયોજનોને સાહિત્ય અને અધ્યાત્મના સુમેળભર્યા સંગમ તરીકે બિરદાવ્યા. કાર્યક્રમના અંતે પુરસ્કૃત કવિ-પ્રતિભાગીઓને પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ પૂ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી કરવામાં આવ્યું હતું.


