દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો. ‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અક્ષરધામ પરિસરમાં વિશેષ ‘હેરિટેજ વોક’ યોજાઇ હતી અને દિલ્હીની સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વિરાસતની વિશેષતાઓથી પરિચિત કરાવાયા હતા. આ ચાર નવા સર્કિટમાં દિલ્હીનાં પ્રમુખ મંદિરો, અન્ય ધાર્મિક સ્થળો ઉપરાંત અત્યાર સુધી પર્યટનના નકશા પર ઓછાં ચર્ચાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને આવરી લેવાયા છે. એક જ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને દિલ્હીની સમૃદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ કરાવવાના ઉદ્દેશથી આ આયોજન થયું છે.


