દિવ્યાંગોનો સહારો બની નારાયણ સેવા સંસ્થાનની નવી હોસ્પિટલ ‘વર્લ્ડ ઓફ હ્યુમેનિટી’

Saturday 07th November 2026 05:28 EST
 
 

દિવ્યાંગ વ્યક્તિઓને સારવાર, સહાય અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનો માર્ગ પૂરો પાડવા માટે જાણીતી સંસ્થા ઉદયપુરસ્થિત નારાયણ સેવા સંસ્થાન દેશભરથી આવતી દિવ્યાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક મદદ કરે છે. સંસ્થા દ્વારા વિકલાંગ વ્યક્તિઓ ઉદયપુર રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પહોંચે ત્યારથી સેવાનો સિલસિલો શરૂ થાય છે અને તેમના નિદાન, સારવાર, શસ્ત્રક્રિયા, કેલિપર્સ અને કૃત્રિમ અંગો જેવી વ્યાપક સેવાઓ પૂરી પડાય છે. નોંધપાત્ર બાબત એ છે કે, સંસ્થામાં કોઈ ‘કેશ કાઉન્ટર’ જ નથી. સેવા અને કરુણા ગાથાને સાકાર કરતી આ સંસ્થા દ્વારા લોકો નવી આશા મેળવી રહ્યા છે. આ જ સંસ્થાન દ્વારા માલી કોલોનીમાં નવી હોસ્પિટલ ‘વર્લ્ડ ઓફ હ્યુમેનિટી’ કાર્યરત્ કરાઇ છે, જે સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
સંસ્થાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે, આર્થિક મર્યાદાઓ ક્યારેય કોઈ વ્યક્તિને સારું જીવન જીવવા માટે જરૂરી સારવાર મેળવવામાં અવરોધ ન બનવી જોઈએ. જન્મથી અથવા અકસ્માતે કોઈ અંગ ગુમાવનારી વ્યક્તિ વર્ષોવર્ષ પોતાના પગ પર ઊભા રહેવાનું સ્વપ્ન જુએ છે, તો કેટલાક લોકો તમામ આશા જ ખોઈ બેઠા હોય છે. પોતાની દિવ્યાંગતાથી નિરાશ આવા અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઉદયપુરનું નારાયણ સેવા સંસ્થાન આશાનું એક કિરણ બની ગયું છે. દેશના વિવિધ ખૂણેથી દિવ્યાંગ વ્યક્તિઓ અહીં સારવાર મેળવવા અને એક સારા જીવનની નવી શરૂઆત કરવા આવે છે. સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર તબીબી સારવાર પૂરતો સીમિત નથી, તેનો મુખ્ય હેતુ વ્યક્તિઓને પુનર્વસન અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાનો છે.
આ કેન્દ્રમાં આઉટ પેશન્ટ (OPD) સેવા, જરૂરી શસ્ત્રક્રિયા તેમજ કેલિપર્સ અને કૃત્રિમ અંગો પૂરાં પાડવાની સુવિધા છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશભરથી આવતી દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરૂરિયાત મુજબની તમામ સેવા અને સારવાર એક જ છત નીચે મળી રહે. દર્દીઓની તબીબી સારવાર ઉપરાંત તેમના જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ જગાડવો એ પણ આ સેવાનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે. જ્યારે કોઈ વ્યક્તિ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવેલાં કૃત્રિમ અંગોના સહારે ઊભી થાય છે; આગળ ડગલું માંડવાનો પ્રયત્ન કરે છે અને તેના ચહેરા પર ફરી સ્મિત આવી જાય છે, ત્યારે તે માત્ર તબીબી સારવારની સફળતા જ નહીં પણ નવા આત્મવિશ્વાસના ઉદયનું પણ પ્રતીક છે. સંસ્થાની સેવાઓ માત્ર તબીબી સારવાર પૂરતી સીમિત નથી, તેમાં દૈનિક ભોજન કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે, જેના દ્વારા લગભગ 4 હજાર લોકોને ભોજન પૂરું પડાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter