લંડનઃ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક લેન્ડમાર્ક શિખરબંધ દેરાસરની 20મી વર્ષગાંઠ નિમિત્તે ઓશવાલ એસોસિયેશન ઓફ ધ યુકે (OAUK) દ્વારા 28 જૂન 2025ના શનિવારે ઓશવાલ સેન્ટર ખાતે ધ ફેસ્ટિવલ ઓફ યુનિટી નામે આઉટડોર સંગીતમય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આસ્થા, કોમ્યુનિટી અને સંવાદિતાની આ ઊજવણીમાં 1000થી વધુ લોકો સામેલ થયા હતા. આ વિશેષ ઈવેન્ટમાં સ્થાનિક સરકાર, કોમ્યુનિટી અગ્રણીઓ, પેનલ સંગઠનોના પ્રતિનિધિઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
છ મહિનાના ચોકસાઈભર્યા પ્લાનિંગના પરિણામસ્વરૂપ આ ઈવેન્ટ માટે દેરાસરના મેદાનને પવિત્રતા અને નિર્મળતાનું પ્રદર્શન થાય તે રીતે સજાવાયું હતું. આ સીમાચિહ્નને સ્મરણીય બનાવવા સુંદર રીતે ડિઝાઈન કરેલી સોવિનિયર બૂકલેટ જારી કરવામાં આવી હતી, જેમાં દેરાસરની યાત્રાના સંસ્મરણો, સંદેશાઓ અને મનનીય અભિવ્યક્તિઓનો સમાવેશ કરાયો હતો. આધ્યાત્મિક ઉત્થાન અને ચમત્કારી સંગીત અનુભવના સર્જન માટે ઓશવાલ એસોસિયેશન ઓફ ધ યુકેના સહુ સભ્યો અને પ્રતિભાશાળી સંગીતકારોએ નિષ્ણાત સાઉન્ડ અને મીડિયા ટીમોના સપોર્ટ સાથે મહિનાઓ સુધી રિહર્સલ કર્યા હતા. આ દિવસે દેરાસરના સ્થળે અને અંદર મહા આરતી અને મંગળદીવો વિધિ યોજાયાં હતાં. સાચી ઓશવાલ પરંપરા અનુસાર 1200થી વધુ લોકો માટે સ્વાદિષ્ટ ભોજન પણ તૈયાર કરી પીરસાયું હતું.
સ્વયંસેવકોની ટીમ દ્વારા હેરિટેજ પ્રદર્શન તૈયાર કરાયું હતું જેમાં ખાતમૂર્હુત વિધિ, ભૂમિપૂજન, ઉદ્ઘાટન સમારોહ અને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સહિત દેરાસરના ઈતિહાસને આવરી લેતી પળોના સંગ્રહયોગ્ય દુર્લભ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા હતા. પ્રદર્શનમાં ગત બે દાયકા દરમિયાન દેરાસરની મુલાકાત લેનારા વિવિધ મહાનુભાવો અને આચાર્યોની તસવીરો પણ મૂકાઈ હતી.
OAUK ના ટ્રસ્ટીઓ અને વિવિધ સબ-કમિટીઓના ચાવીરૂપ સભ્યોની બનેલી સમર્પિત કોર ટીમની મહેનતે આ ઈવેન્ટને સફળ બનાવ્યો હતો. કોર ટીમના સભ્યોમાં રુમિત ડી શાહ (OAUKના માનદ પ્રેસિડેન્ટ), નિર્મલ સી શાહ (માનદ વાઈસ પ્રેસિડેન્ટ અને દેરાસરની 20મી વર્ષગાંઠ ઈવેન્ટ્સના અગ્રેસર), મીના એન શાહ (OAUKના માનદ ખજાનચી), અવની જે શાહ (OAUKના માનદ સેક્રેટરી), અરવિંદ ડી શાહ, બિજલ એચ શાહ, ખિલિત એમ શાહ, મિનેશ વી શાહ, સંદીપ એન શાહ, શિલ્પા સી શાહ અને સ્મિતા જે શાહ (OAUKના ટ્રસ્ટીઓ), કાયલાન વી શાહ, કેતન બી શાહ, નિરવ કે શાહ અને પ્રકાશ એસ શાહ (કોર ટીમના સભ્યો)નો સમાવેશ થયો હતો.
ધ ફેસ્ટિવલ ઓફ યુનિટી માત્ર ઈવેન્ટ ન હતો. તે સહભાગી મૂલ્યો, ઉત્સાહી સામુદાયિક ભાવના અને અચલ આસ્થાની ઊજવણી હતી. ભૂતકાળના ગૌરવ અને ભવિષ્યના રોમાંચ સાથે યાત્રાના આગામી પડાવ પર નજર નાખવામાં આવે છે. ઓશવાલ સેન્ટર પ્રણેતાઓ અને પૂર્વજોના વિઝનનું પરિણામ છે. ભવ્ય શિખરબંધ દેરાસર સહિત તમામ બાબતો શક્ય બનાવવામાં દાતાઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. જૈન ધર્મના મૂલ્યો, ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રદ્ધા તેમજ યુવા લોકો અહિંસા, સેવા, અનુકંપા અને સત્યના સિદ્ધાંતોને સંપૂર્ણપણે વળગી રહે તેમ દેરાસર આધ્યાત્મિક ઉત્થાનનું કેન્દ્ર બની રહે તેવું ઓશવાલ એસોસિયેશનનું મિશન છે.