ધ ભવન દ્વારા ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

Tuesday 13th February 2024 11:55 EST
 
 

લંડનઃ ધ ભવન દ્વારા ગુરુવાર 8 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ એન નંદકુમારા MBE દ્વારા પરંપરાગત વેદિક પ્રાર્થનાગાન સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો.

ભવનના ચેરમેન સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. હેમરસ્મિથના સાંસદ એન્ડ્રયુ સ્લોટરે સંબોધનમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન અને તેના થકી લોકોને એકસંપ કરવામાં ભવનની કામગીરી મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

મુખ્ય મહેમાન ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્તમાન ભૌતિકવાદના યુગમાં કળા અને જ્ઞાનની શક્તિ આપણી સમજશક્તિને ખોલે છે અને તેના દ્વારા આપણે ઊંડા અને વ્યાપક અર્થબોધ પ્રાપ્ત કરીએ છીએ. કળાની સુંદરતા તો એ છે કે ધ ભવનમાં આવવા અને અહીં જેનો અભ્યાસ કરાવાય છે તે શીખવાનો આનંદ માણવા કોઈએ ભારતીય હોવું આવશ્યક નથી. તેમણે ઉમેર્યું હતું કે યુકેમાં અગાઉની સરખામણીએ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ, બિઝનેસીસ અને વસાહતીઓ છે. આથી, કોમ્યુનિટીઓ ભારતીય કળા અને સંસ્કૃતિ મારફત સંપર્કમાં રહેવા વધુ ઉત્સુક રહે છે.

ધ ભવનના વાઈસ ચેર ડો. સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે હાઈ કમિશનરના સતત સપોર્ટ પ્રતિ આભાર વ્યક્ત કરવા સાથે ભારત કેવી રીતે AIના ક્ષેત્રમાં નોંધપાત્ર હરણફાળ ભરી રહ્યું છે અને ‘AI ફોર એવરીવન’ના ઈનિશિયેટિવ મારફત સમાવેશિતા અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.

મહાનુભાવોના સંબોધનો પછી ભવનના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ પ્રસ્તુત કર્યાં હતાં. ભારતના રાષ્ટ્રગીતના ગાન સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter