લંડનઃ સુંદર વસ્ત્રોમાં સજ્જ ઉત્સાહી મહેમાનો, પેટ્રન્સ, સમર્થકો અને કળાકારોની ઉપસ્થિતિમાં ધ ભવનની ટીમ દ્વારા 22 નવેમ્બરે તેમના વાર્ષિક દિવાળી ભવ્ય કાર્યક્રમની રજૂઆત પાર્ક લેન ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલના બોલરૂમમા કરવામાં આવી ત્યારે ચોતરફ ઉત્તેજના વ્યાપી ગઈ હતી. દિવાળીની પાર્ટીની સીઝનના અંતસમાન આ એક ભવ્ય ઉજવણીની સાંજ હતી.
ઈવેન્ટમાં મુખ્ય મહેમાનપદે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પી. કુમારન હતા જ્યારે યુકેના AIમાટેના મિનિસ્ટર કનિષ્ક નારાયણ MP અતિથિવિશેષ અને અક્ષતા મૂર્તિ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચાવીરૂપ મહેમાનોમાં લોર્ડ લૂમ્બા, લોર્ડ અને લેડી ધોળકિયા, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, બેરોનેસ પ્રશાર, યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાન્ડે, રાકેશ ચૌહાણ BEM, ગિરિશ અને રીના સાંગેર સહિતનો સમાવેશ થયો હતો. રઘુ નંદકુમારાએ કાર્યક્રમના સૂત્રધારની સુંદર કામગીરી બજાવી હતી.
સાંજના આરંભે ભારતીય ક્લાસિકલ ઓરકેસ્ટ્રા સાથે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ પ્રસ્તુત કરાયું હતું, જેનું કમ્પોઝિશન અને સંચાલન નિવાસી હિન્દુસ્તાની કંઠ્યગુરુ વિદુષી ચંદ્રિમા મિશ્રાએ કર્યું હતું. આ પછી, ડો.નંદકુમારા દ્વારા હૃદયસ્પર્શી પ્રાર્થના રજૂ કરવામાં હતી. ધ ભવનના ચેરમેન સુભાનુ સક્સેનાએ સ્વાગત સંબોધનમાં ભવનના સમૃદ્ધ વારસાને તેમજ ભારતીય કળાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાના કાર્યને આગળ લઈ જવાની જવાબદારી વિશે જણાવ્યું હતું તેમણે કાર્યક્રમના આયોજન સંદર્ભે વાઈસ ચેરમેન ડો. સુરેખા મહેતા અને મેઘના સિંહની નિષ્ઠા અને સખત મહેનતની પ્રશંસા કરી હતી.
ચીફ ગેસ્ટ હાઈ કમિશનર પી. કુમારને પ્રેરણાદાયી વક્તવ્યમાં દિવાળીના ફીલોસોફીકલ મહત્ત્વ અને રોજિંદા જીવનમાં તેના મૂલ્યોને સમાવવાના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણે અંધકાર આપમેળે અદૃશ્ય થાય તેની રાહ જોવી ન જોઈએ. આપણી આસપાસના વિશ્વમાં થોડો પ્રકાશ પ્રસરાવવાની આપણા દરેકની જવાબદારી છે. ગેરમાહિતીના યુગમાં સમજનો પ્રકાશ, સમાજો વિભાજિત થઈ રહ્યા છે ત્યારે કરુણાનો પ્રકાશ અથવા મતભેદ જ્યારે મનભેદ બની રહેતા હોય ત્યારે સંવાદના પ્રકાશની જવાબદારી હોઈ શકે છે. દિવાળીની સાચી ભાવના માત્ર આશાની ઉજવણીની નથી, તે જવાબદારી લેવાની અને આશાને વાસ્તવિકતામાં ફેરવવા કશું કરવાની પણ છે.’ તેમણે ભારત અને યુકે વચ્ચે મજબૂત સંબંધો તેમજ દ્વિપક્ષી સંબંધને વધુ ગાઢ બનાવવામાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ભૂમિકા બાબતે પણ વાત કરી હતી. તેમણે ભારતીય કળા અને સંસ્કૃતિના જતન અને ઉત્તેજન માટે ધ ભવન દ્વારા કરાતા અથાક પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. હાઈ કમિશનરે હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસીસ, મેન્યુફેક્ચરિંગ અને જાહેર જીવનમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે, ‘દ્વિપક્ષી સંબંધો માત્ર કરારોથી મજબૂત બનતા નથી, તેનું નિર્માણ લોકો થકી થાય છે. યુકેમાં ભારતીય સમુદાય આ સંબંધોમાં સૌથી મજબૂત સ્થંભોમાં એક છે. ભારતીય મૂળના પ્રોફેશનલ્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ, એકેડેમિક્સ, કળાકારો અને કોમ્યુનિટી અગ્રણીઓ બ્રિટની સફળતાની કથાનો અવિભાજ્ય હિસ્સો બની ગયા છે.’
યુકેના AIમાટેના મિનિસ્ટર કનિષ્ક નારાયણ MPએ ઓડિયન્સને વેલ્સમાં ભારતીય ડાયસ્પોરાના ભાગરૂપે પોતાના બાળપણ તેમજ દિવાળી અને સાંસ્કૃતિક ઓળખનાં મહત્ત્વ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ભવિષ્ય અને આગામી વર્ષોમાં તેમની ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે આ દેશમાં બ્રિટિશ ભારતીય યોગદાનના વારસાનો ઈતિહાસ પણ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘણી બાબતો ઓટોમેટેડ થઈ શકે, પરંતુ સેંકડો વર્ષોનો ઈતિહાસ, માત્ર સાહિત્ય દ્વારા નહિ, પેઢી દર પેઢી ઉતરતી આવતી વાર્તાઓ, કથાનકો, સંગીત અને નૃત્યનું ઓટોમેશન થઈ શકે નહિ. ભવન જેવી સંસ્થાઓ સંસ્કૃતિના ભવિષ્યની પુનઃ વ્યાખ્યામાં મૂળભૂત ગતિશીલ પરિબળ બની રહેશે.
ધ ભવનના વાઈસ ચેરમેન ડો. સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાંજના કાર્યક્રમમાં કેટરિના રુટે અને તેમના શિષ્યો દ્વારા ઓડિસી નૃત્ય, ગુરુ પ્રકાશ યદાગુડ્ડેના શિષ્યો દ્વારા ભરતનાટ્યમ તેમજ અભિનવ શંકર મિશ્રા અને શ્રીતમા મુખરજીના શિષ્યો દ્વારા કથક સહિત શાસ્ત્રીય નૃત્ય પરફોરમન્સીસે ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવ્યું હતું. ધ ભવનના સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રોગ્રામ્સ અને અને પ્રવૃતિઓ પર પ્રકાશ પાથરતી ટુંકી ફિલ્મ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાપન કરાયું હતું.


