લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય કળા અને વિરાસતને ઉત્તેજનને સમર્પિત આદરપાત્ર સંસ્થા ભવન દ્વારા 16 નવેમ્બરે લંડન મેરિઓટ્ટ હોટેલ ખાતે આયોજિત ધ ભવન્સ દિવાળી ગાલા 2024 ઈવેન્ટ ભારતીય ક્લાસિકલ આર્ટ્સ અને સંસ્કૃતિની દૈદીપ્યમાન ઊજવણી બની રહ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમ કળાની પ્રતિભા, સખાવતી ભાવના અને બહુસાંસ્કૃતિક કદરનો સંગમ હતો.
યુકેસ્થિત ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તેમના પત્ની સંગીતા સાથે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહી બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિબિંબ દર્શાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં લાખો લોકો પર પ્રેરણાદાયી કાર્યોથી અમીટ છાપ છોડનારાં પ્રતિષ્ઠિત લેખિકા અને ફિલાન્થ્રોપિસ્ટ સુધા મૂર્તિ ગેસ્ટ ઓફ ઓનર હતાં. તેમની સાથે યુકેના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક તેમના પત્ની અક્ષતા મૂર્તિ હતાં જેમની ઉપસ્થિતિએ યુકે અને ભારત વચ્ચે સાસ્કૃતિક અને કળા વિનિમયને વિકસાવવાની તેમની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરી હતી.
આ ઈવેન્ટનું આયોજન માત્ર દિવાળીની ઊજવણી માટે ન હતું પરંતુ, ભારતીય ક્લાસિકલ આર્ટ્સને સપોર્ટ કરવા અને જાળવી રાખવાનો ગંભીર પ્રયાસ પણ હતો. ‘ઈલ્યુમિનેટિંગ હેરિટેજ’ થીમ સાથેના આ ઈવેન્ટમાં ભારતીય ક્લાસિકલ સંગીત અને નૃત્યના કલામર્મજ્ઞો દ્વારા શ્વાસ થંભાવી દેનારા પરફોર્મન્સીસે આર્ટ્સ, બિઝનેસ અને રાજકીય ક્ષેત્રોના પ્રભાવશાળી વ્યક્તિત્વો સાથેના ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવ્યું હતું.
અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયના પ્રતીકરૂપે દીપપ્રાગટ્ય વિધિ સાથે સાંજનો શુભારંભ કરાયો હતો. રજની મેહતાએ સૂત્રધારની કામગીરી બજાવી હતી. આત્માને હલબલાવી દેતાં કર્ણાટકી સંગીતની પ્રસ્તુતિ સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો તેમજ ધ ભવનના વિદ્યાર્થીઓએ કુચિપૂડી, ભરતનાટ્યમ અને કથક નૃત્યના પરફોર્મન્સીસ રજૂ કર્યા હતા.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તેમના ઉદ્ઘાટકીય સંબોધનમાં સાંસ્કૃતિક ડિપ્લોમસીના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે યુકેમાં ભારતીય કળાની સમૃદ્ધ પરંપરાઓને જાળવી રાખવા અને આગળ વધારવાની અવિરત પ્રતિબદ્ધતા માટે ભવનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ તમે ક્યાં પ્રવાસ, અભ્યાસ અથવા કામ કરો છો તેને ધ્યાનમાં લીધા વિના તમારે તમારા મૂળિયાં અને સંસ્કૃતિને પોષવા જોઈએ. ભવન્સ દિવાળી ગાલા આમ કરવાનો એક માર્ગ છે.’
આ પછી, સુધા મૂર્તિએ હૃદયસ્પર્શી સંબોધન કર્યું હતું જેમાં તેમણે ભારતીય ક્લાસિકલ કળાઓની સાર્વિત્રક અપીલ તથા તાદાત્મ્ય અને એકતા સાધવાની ક્ષમતા પર પ્રકાશ પાથર્યો હતો. શાણપણ અને વિનમ્રતાથી ભરપૂર તેમના શબ્દોએ ઓડિયન્સના દિલોદિમાગમાં પડઘા પાડ્યા હતા. સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે,‘ હું મજબૂતપણે માનું છું કે પેરન્ટ્સે તેમના બાળકોને બે વસ્તુઓ આપવી જોઈએ. પ્રથમ તો શિક્ષણ છે જે તમને ઊડવાની પાંખો આપે છે તેમજ બીજી અને સૌથી મહત્ત્વની વસ્તુ મહાન ભારતીય સંસ્કૃતિ છે. તમે સંગીત, નૃત્ય અને સાહિત્ય વિના પણ જીવન જીવી શકો છો પરંતુ, તે વાસ્તવમાં કોઈ જીંદગી નથી. ભારતીય વિદ્યા ભવન યુકેનો આભાર માનીએ કે આ સ્વભાવ, આ સંસ્કૃતિ ગુમાવાઈ નથી. સારા અને યોગ્ય જીવન જીવવા માટે આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનું મહત્ત્વપૂર્ણ છે.’
ધ ભવને તેના મિશનને સુસંગત આ ભવ્ય કાર્યક્રમનો ઉપયોગ ભારતીય ક્લાસિકલ આર્ટ્સના ક્ષેત્રમાં ઉભરતી કલાપ્રતિભાઓને સપોર્ટ કરવાના મંચ તરીકે કર્યો હતો. આ ઈવેન્ટમાંથી પ્રાપ્ત આવક યુવા આર્ટિસ્ટ્સને સ્કોલરશિપ્સ અને લંડનમાં ભવનની અત્યાધુનિક ફેસિલિટીઝની જાળવણી માટે સમર્પિત કરાઈ હતી.
ધ ભવન્સ દિવાળી ગાલા 2024 ઈવેન્ટને માત્ર તેની કળામય ભવ્યતાના કારણે જ નહિ પરંતુ, સાંસ્કૃતિક એકતા અને સખાવત-પરોપકારિતાના હૃદયસ્પર્શી સંદેશા માટે યાદ રાખવામાં આવશે. સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું કાર્ય અગાઉ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે તે સમયગાળામાં ધ ભવન આશા અને પ્રેરણાની દીવાદાંડી તરીકે પ્રકાશ પાથરી રહ્યું છે.
સાંજ સમાપ્તિ તરફ આગળ વધી રહી હતી ત્યારે મહેમાનોના હૃદય ભારતીય ક્લાસિકલ આર્ટ્સની સમયાતીત સુંદરતા અને કૃતજ્ઞતાથી પરિપૂર્ણ અને મન પ્રફુલ્લિતતાથી તૃપ્ત હતા. આ ભવ્ય કાર્યક્રમ યુનાઈટેડ કિંગ્ડમના સાંસ્કૃતિક પોતના અમીટ પ્રકરણ તરીકે એકતા, પ્રેરણા અને રુપાંતરની સાંસ્કૃતિક શક્તિનું દેખીતું સંસ્મરણ બની રહ્યો હતો.