લંડનઃ ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL) દ્વારા વેમ્બલીના ઓકિંગ્ટન મેનોર સ્કૂલ ખાતે સભ્યોના વાર્ષિક મેળાવડા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છ ગામ, છ ગામ નાગરિક સમાજ અને હિન્દુ ફોરમ ગ્રેટ બ્રિટનના પ્રતિનિધિઓ, સભ્યો, દીકરીઓ અને મિત્રોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. ગોળમેજી બેઠક વ્યવસ્થામાં લાઈવ બેન્ડ મ્યુઝિક અને ગાયકોએ સહુને મનોરંજન પુરું પાડ્યું હતું. નવા ચૂંટાયેલા સેક્રેટરી વ્રજેશભાઈએ સહુને આવકાર આપવા સાથે DHASOLના ઉજ્જવળ ભાવિ વિશે પોતાની કાર્યદિશા જણાવી હતી. તેમણે મજબૂત સમાજના સર્વમાન્ય લક્ષ્ય અને પુરોગામીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા માર્ગ પર પ્રગતિ સાધવા સહુ સભ્યો એક રહે તેના પર ભાર મૂક્યો હતો.
સંસ્થાના પ્રમુખ મુકુંદભાઈએ સહુ મહેમાનોનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું તેમજ પૂર્વ પ્રેસિડેન્ટ અને પૂર્વ કમિટી મેમ્બર શશીકાન્ત અદિતભાઈના નિધનથી સંસ્થાને પડેલી ખોટને યાદ કરવા સાથે શ્રાદ્ધપક્ષ અગાઉ ચિરવિદાય લીધેલા આત્માઓ તેમજ કૈલાસ-માનસરોવરની યાત્રા દરમિયાન વાપતા થયેલા યાત્રાળુઓ અને નેપાળની પૂર દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકો માટે શાંતિપ્રાર્થના કરી હતી. મુકુંદભાઈએ સોસાયટીઓના સંચાલન માટે યુવા વોલન્ટીઅર્સને આગળ આવવા અનુરોધ કર્યો હતો. સારા ઉદ્દેશ્યોને સપોર્ટ કરવાની DHASOLની ભાવનાને સુસંગત જાહેરાત કરાઈ હતી કે મેળાવડાના દિવસે પ્રાપ્ત દાનના પ્રતિ પાઉન્ડ સામે DHASOL દ્વારા પાઉન્ડ, મહત્તમ 5000 પાઉન્ડ આપવામાં આવશે, જે યોગ્ય પ્રોજેક્ટને ફાળવાશે.
સ્ટેનમોરસ્થિત આર્કિટેક્ટ, આર્ટિસ્ટ અને ઈન્ટિરિયર ડેકોરેટર કેતનાબહેન પટેલનો પરિચય કરાવાયો હતો. તેઓ ધર્મજ હેરિટેજ કોલબોરેટિવ (DHC) સાથે કામ કરે છે અને ગામોમાં વિરાસતની જાળવણીમાં વિશેષ પ્રેમ સાથે પ્રતિબદ્ધતા ધરાવે છે. કેતનાબહેનનો જન્મ અને ઉછેર કેન્યામાં થયો હતો અને તેમના માતાપિતા ત્યાંજ નિવૃત્તિનો આનંદ માણે છે. તેમણે સ્ટેનમોર આવતાં પહેલા સિંગાપોરમાં કામ કર્યું છે. તેમનું મોસાળ ધર્મજમાં હોવાથી તેઓ અવારનવાર ત્યાંની મુલાકાત લેતાં રહે છે. તેમને ધર્મજના લાકડાના પ્રાચીન કોતરણીવાળાં સ્થાપત્યો ઘણાં ગમે છે અને તેના સમારકામની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે, સ્થાનિક લોકો દ્વારા આ પ્રાચીન સ્થાપત્યોની ઉપેક્ષા કરાતી હોવાં વિશે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. અગાઉ, DHASOL ના પૂર્વ ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિલકુમાર અને ધર્મજના પૂર્વ રહેવાસી અને ડેન્ટિસ્ટ જયભાઈ પટેલે વારસાના જતન અને ક્ષતિગ્રસ્ત સ્થાપત્યોનો જીર્ણોદ્ધાર કરવા તરફ ધ્યાન આપવા જણાવ્યું હતું. હાલ, આથમણી ખડકી નજીક 1907માં બાંધવામાં આવેલું વિશાળ બિલ્ડિંગ મુખી નું ડેલુ આવશ્યક સમારકામ હેઠળ મૂકાયું છે. DHC સાથે કાર્યરત પ્રોફેશનલ ટીમમાં અલ્પિતા પટેલ (યુએસ), કેતના પટેલ (યુકે), પ્રોફેસર જિજ્ઞા દેસાઈ (અમદાવાદ, ભારત), આશના પટેલ (વડોદરા, ભારત) અને મીતા પટેલ (ભારત)નો સમાવેશ થાય છે.
હિન્દુ ફોરમ ગ્રેટ બ્રિટનના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે કોમ્યુનિટી સંસ્થાઓ સરકારી વિભાગો દ્વારા શરૂ કરાયેલી કોમ્યુનિટી હેલ્થ, ધર્મ અને લાઈફસ્ટાઈલ સંબંધિત પરામર્શ પ્રક્રિયાઓમાં સક્રિયપણે સંકળાય તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે તમામ ધર્મજવાસીઓને ધર્મજ પુનરુદ્ધાર ઈનિશિયેટિવને સંપૂર્ણ સાથ-સહકાર આપવાનો પણ અનુરોધ કર્યો હતો. CGNMના ચેરમેન જયરાજભાઈ ભાદરણવાળાએ ગત વર્ષના કાર્યક્રમો વિશે જણાવી કોમ્યુનિટીમાં એકતા રહે અને સાથે મળીને પ્રગતિના માર્ગે આગળ વધે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે તમામ છ ગામના લોકોને સાંકળતી તેમજને આગામી કાર્યક્રમો અને કોમ્યુનિટીને સંબંધિત જાહેરાતો પોસ્ટ કરવા નવી વેબસાઈટ www.chhagam.com શરૂ કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. કોમ્યુનિટીના સભ્યો માટે લગ્નવિષયક જરૂરિયાતો સંદર્ભે CGMI પણ હાલ કાર્યરત છે.


