નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે.ના સહયોગથી ૨૫૦ મહિલાઓ માટેની વોકેશનલ ટ્રેનિંગનું ઉદ્ઘાટન

- જ્યોત્સના શાહ Tuesday 21st December 2021 12:26 EST
 
 

નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે. અને લાઇફ ગ્લોબલ યુ.કે. ના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા.૨૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ અમદાવાદના મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ખાતે સવારના ૧૦.૩૦ વાગે ગરીબી રેખા હેઠળની ૨૫૦ મહિલાઓને રોજગારી ઉપલબ્ધ કરાવવા વોકેશનલ ટ્રેનિંગનું ઉદ્ઘાટન ભારતના ૭૫મા આઝાદી દિનના ઐતિહાસિક પ્રસંગે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અતિથિ વિશેષોમાં લંડનથી નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે.ના પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ અને શ્રીમતી તરૂણાબેન મીઠાણી, અજયકુમાર ચૌધરી, અમદાવાદના જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ, ડો.મુકેશ બાવીશી, ગાયનેક, કેન્સર સર્જન, અમદાવાદ, ડો. શૈલેષ ઠાકર, ગ્લોબલ મેનેજમેન્ટ થીન્કર, અમદાવાદ, શ્રી પ્રકાશ બરમોરા, FIAના પૂર્વ પ્રેસિડેન્ટ, ચેરમેન-એમીરેટ્સ વર્મન ગૃપ અને માલતીબેન તેમજ અંશુ બુચ ઉપસ્થિત રહ્યાં હતાં. એ વેળા ૨૫૦ વોકેશ્નલ ટ્રેનિંગ મેળવનારી મહિલાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. મહિલા સશક્તિકરણના આ પ્રોજેક્ટને સૌએ આવકાર્યો.

“પ્રોજેક્ટ લાઇફ", રાજકોટ, ગુજરાતના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ઋષિકેશ પંડ્યાએ એમના ઉદ્બોધનમાં જણાવ્યું કે,

કોવીદ-૧૯ દરમિયાન વર્ચ્યુઅલ વોકેશ્નલ ટ્રેનિંગનો શુભારંભ થયો હતો. પેનેડેમીકના એ સમયમાં ૧૦૦૦થી વધુ મહિલાઓને

આર્થિક અને સામાજિક એમ્પાવર કરી સધ્ધરતા બક્ષવામાં આવી. મહિલા સશક્તિકરણના ઇતિહાસમાં પ્રથમવાર "વર્ચ્યુઅલ ટ્રેનિંગ" દ્વારા રોજગારી ઉપલબ્ધ કરી શકાઇ.શ્રી દિલિપભાઇ મીઠાણીએ સભાને સંબોધતા જણાવ્યું કે, “નવનાત વણિક એસોસિએશન "પ્રોજેક્ટ લાઇફ"ની સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓને સહકાર આપતું આવ્યું છે, આપતું રહેશે. ભવિષ્યમાં પણ મહિલા સશક્તિકરણ માટે નવનાત વણિક એસોસિએશનનો સાથ મળતો રહેશે. મહિલાઓને સખત મહેનત કરી આગળ આવવા પ્રોત્સાહન આપ્યું પરંતુ સાથે સાથે એ પણ જણાવ્યું કે તમારા આરોગ્ય અને કુટુંબની દરકારના ભોગે નહિ!

શ્રીમતી તરૂણાબેન મીઠાણીએ નવકારમંત્રનું ગાન કરી બહેનોને શુભેચ્છા પાઠવી.

અન્ય અતિથિ વક્તાઓએ પણ આ પ્રોજેક્ટને પુષ્ટિ આપતાં, પ્રતિકૂળ સંજોગો સામે સામનો કરવાની પ્રતિબધ્ધતા, બહેનોમાં છૂપાયેલી બુધ્ધિ-પ્રતિભાને પોરસાવી.

"પ્રોજેક્ટ લાઇફ"ના સ્થાપક અને જોઇન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી શ્રી કિરિટ વસાએ જણાવ્યું કે, અમે મહિલાઓના સશક્તિકરણ માટેના અથાક્ પ્રયાસો કર્યા છે અને એને સફળતા મળી છે એના ઉદાહરણો આપતા ઉમેર્યું કે, પગભર થયેલ મહિલાઓ એની સાક્ષી છે.

 ઋષિકેશ પંડ્યાએ સંક્ષિપ્તમાં પછાત વિસ્તારની મહિલાઓના સશક્તિકરણની જરૂરિયાત અને મહત્તામાં "પ્રોજેક્ટ લાઇફ"ની ભૂમિકા વિષે સમજ આપી. “સમાજની સાચી શીલ્પીઓ મહિલાઓ છે.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter