લંડનઃ નવનાત વણિક ભગિની સમાજ દ્વારા શનિવા, 8 નવેમ્બર 2025ના રોજ નવનાત સેન્ટર ખાતે મનોરંજક બોલીવૂડ મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સંસ્થાના સભ્યો, પરિવારો અને મિત્રોએ સાથે મળીને મનોરંજન, સ્વાદિષ્ટ વાનગીઓ, મ્યુઝિક અને સામુદાયિક ભાવનાની રંગત માણી હતી.
આ સલૂણી સંધ્યાનું આયોજન સુષ્માબહેન શાહ અને કીર્તિબહેન સાંગાણી દ્વારા કરાયું હતું, જેમના સમર્પિત પ્રયાસોએ ઈવેન્ટને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હોલને બોલીવૂડના થીમ સાથે સુંદર રીતે શણાગારાયો હતો, દીવાલોને બોલીવૂડના પોસ્ટર્સથી સજાવાઈ હતી તેમજ વ્યક્તિગત ટેબલ્સને પ્રસિદ્ધ બોલીવૂડ ફિલ્મ્સથી પ્રેરિત નામ અપાયા હતા. દરેક ટેબલ્સ પર મિક્સ્ડ નટ્સ, ચોકલેટ્સ અને ડ્રિન્ક્સ મૂકાયાં હતાં. ભગિની સમાજના કમિટી સભ્યોએ યાદગાર, સિનેમેટિક અને ઉત્સવપૂર્ણ વાતાવરણ ખડું કર્યું હતું. મહેમાનોનું સ્વાગત મીઠાઈ સાથે કરવામાં આવ્યું હતું. ડિનરમાં છોલે ભટુરા, મારુ ભજિયા, કોકટેલ સમોસા, મોગો, બિરિયાની, રાઈતા, સલાડ, મુખવાસનો સમાવેશ કરાયો હતો.
સંસ્થાના પ્રેસિડેન્ટ સરોજબહેન વારીઆ અને સેક્રેટરી ભારતીબહેન શાહ દ્વારા કન્વીનરોના પરિચય સાથે પ્રોગ્રામનો આરંભ કરાયો હતો. આ પછી, કીર્તિબહેન સાંગાણીએ સ્વાગત સંબોધન કરી આનંદપૂર્ણ સાંજનો માહોલ ઉભો કર્યો હતો. આ મ્યુઝિકલ ઈવેન્ટમાં RKB એન્ટરટેઈન્મેન્ટના પ્રતિભાવંત ગાયકો અને સંગીતકારોએ બોલીવૂડના યાદગાર સુમધુર ગીતો અને જીવંત નૃત્ય પરફોર્મન્સીસ સાથે ઓડિયન્સને જકડી રાખ્યું હતું. મધ્યાંતર વેળાએ દરેક ટેબલ પર ચાહ અને ગૃહબનાવટના બિસ્કિટ્સ પીરસાયાં હતાં.
ઉદાર અને કિંમતી ઈનામો સાથે રોમાંચક રેફલ ડ્રો ઈવેન્ટની જોરદાર હાઈલાઈટ બની રહ્યો હતો. વધુ સંગીતમય યાત્રા અને ઉત્સાહપ્રેરક ડોન્સિંગ પછી રાત્રે 11.45 કલાકે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. મહેમાનોએ કાર્યક્રમ તેમજ ભગિની સમાજ કમિટીની મહેનતને બિરદાવી હતી. તેમના સામૂહિક પ્રયાસો અને સુગઠિત આયોજનથી કાર્યક્રમની વ્યવસ્થા સુંદર રહી હતી.


