નવી ઊર્જાનો સંચાર અને એકતાનો સંદેશઃ યુકે વણસોલ 27 પાટીદાર સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

Wednesday 30th September 2026 08:59 EDT
 
 

લંડનઃ યુકે વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર ભવ્ય ‘UK VSPS પ્રિ-નવરાત્રી મહોત્સવ’ની તૈયારીઓને આખરી ઓપ આપવા રતનપુરા ગામના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ગામો અને સમાજના અગ્રણીઓનું ઉત્સાહસભર અને આત્મીય સ્નેહ સંમેલન યોજાયું હતું. બરહામ પાર્કમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભોજન, સ્નેહમિલન અને સમાજની આગામી પ્રવૃત્તિઓ અંગે સકારાત્મક ચર્ચા સાથે 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ભવ્ય પ્રિ-નવરાત્રી મહોત્સવને સફળ અને યાદગાર બનાવવાનો સંકલ્પ કરાયો હતો.
રતનપુરા ગામનું પ્રતિનિધિત્વ કરતા પીનલભાઈ પટેલ અને ગૌરાંગભાઈ પટેલના ઉષ્માભર્યા સંબોધનથી રતનપુરા ગામની સમાજ પ્રત્યેની લાગણી, એકતા અને સહકારની ભાવના ઉજાગર થઈ હતી. રતનપુરા ગામ તરફથી મળેલા આ મજબૂત સહયોગને યુકે વણસોલ 27 પાટીદાર સમાજની સામાજિક પ્રવૃત્તિઓને નવી દિશા અને ઊર્જા આપનાર પગલું ગણાવાયું હતું. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગામડાં અને સમાજના વિવિધ પરિવારો વચ્ચેનો આવો સ્નેહ અને સહકાર યુકેમાં વસતાં સમાજની એકતા, સંગઠન અને આગામી પેઢીને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સમાજના ‘સાઇલેન્ટ વર્કર્સ’નું વિશેષ સન્માન
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વર્ષોથી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં પડદા પાછળ રહીને નિષ્ઠાપૂર્વક નિસ્વાર્થ સેવા આપતા સમાજના ‘સાઇલેન્ટ વર્કર્સ’નું સન્માન હતું. આ કાર્યકરોની સેવા, સમય, ઉદારતા અને સામાજિક યોગદાનને બિરદાવવા માટે તેમને સ્ટેન્ડીંગ ઓવેશનથી સન્માનિત કરાયા હતા. સમાજના યુવાનો અને અન્ય સાથીઓએ પણ કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો રજૂ કરી સામાજિક સેવા માટે નવી પેઢીને પ્રેરિત કરવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સમાજહિત માટે સતત કાર્યરત અને દીર્ઘદ્રષ્ટા એવા પ્રતીકભાઈ પટેલનું ચાંદીના ગણેશજીની મૂર્તિ અર્પણ કરાયું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગામડીના અમિતભાઈ પટેલ અને તેમના પુત્રી ખુશીબેન પટેલ દ્વારા વિશેષ આભાર સંદેશ રજૂ કરાયો હતો. જેમાં તેમણે પ્રતીકભાઈના નિષ્પક્ષ અને નિયમ આધારિત નિર્ણય લેવાના અભિગમની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રતીકભાઈ કોઈ એક વ્યક્તિ, પરિવાર કે જૂથ પૂરતું વિચારવાને બદલે સમાજના સમગ્રતયા ભાવિને ધ્યાનમાં રાખીને - સૌને સાથે લઈ આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહે છે એ તેમનો આગવો ગુણ છે.

સ્નેહ સંમેલનમાં વિવિધ સમાજ અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રફુલ્લભાઈ પટેલ, હરીશભાઈ - આશીપુરા, મનુભાઈ ત્રિભુવનદાસ પટેલ – આશીપુરા, ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટેલ – રતનપુરા વગેરેનો સમાવેશ થતો હતો. રતનપુરા ગામ તરફથી ગૌરાંગભાઈ સીતારામભાઈ પટેલ અને પીનલભાઈ પટેલ દ્વારા ફૂલહાર અર્પણ કરી આભારવિધિ કરાઇ હતી.
આ પ્રસંગે અમિતભાઈ પટેલ – ગામડી, પ્રતીકભાઈ પટેલ – રાસનોલ તેમજ બીમલભાઈ પટેલ તથા રવિ પટેલ દ્વારા નવરાત્રી આયોજન અંગે માહિતી અપાઇ હતી. કાર્યક્રમનું સંચાલન રવિ પટેલ – ભરોડા દ્વારા જ્યારે આભારવિધિ વિતુલભાઈ પટેલ – ગામડી દ્વારા કરાઇ હતી.
આ પ્રસંગે સહુકોઇએ એક અવાજે એવી લાગણી વ્યક્ત કરી હતી કે રતનપુરા ગામ તરફથી મળેલો આ મજબૂત સહકાર આવનારા સમયમાં સમગ્ર યુકે વણસોલ 27 પાટીદાર સમાજની એકતા, સંગઠન અને સામાજિક પ્રવૃત્તિઓને નવી ઊંચાઈએ લઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter