નિલકંઠ વર્ણીની આ મૂર્તિ વિશ્વભરમાં શાંતિનો પ્રસાર કરશેઃ મહંત સ્વામી

દિલ્હી અક્ષરધામમાં નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Wednesday 01st April 2026 06:27 EDT
 
 

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળસ્વરૂપે ચાર માસ સુધી નિર્જળ અને નિરન્ન રહીને પુલહાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર 11 વર્ષની ઉંમરે શરૂ થયેલી ભારતભરની તેમની સાત વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે.
બે દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ.પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પાવન સાન્નિધ્યમાં અતિશય શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાયો હતો. વૈદિક વિધિઓ અને અનુષ્ઠાનોમાં વિશ્વભરમાંથી આવેલા હજારો હરિભક્તોએ ભાગ લીધો હતો. પ્રાતઃ કાળથી જ અક્ષરધામ પરિસરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. પુરુષો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં, શ્રદ્ધા અને ઉત્સાહથી ઓતપ્રોત હતા. સમગ્ર પરિસર ભજન, વૈદિક મંત્રોચ્ચાર અને સામૂહિક પ્રાર્થનાઓથી ગુંજી ઉઠ્યું હતું.
ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠાના પવિત્ર વિધિનો શુભારંભ થયો. આ વિધિઓ પ્રાચીન વૈદિક પરંપરાઓ અનુસાર પૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતા સાથે સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક અવસરે યુકે, ફ્રાન્સ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડ સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી સંસ્થાના 300થી વધુ સંતો પધાર્યા હતા. ઉપરાંત લંડન, ન્યૂયોર્ક, દુબઈ, સિડની, કેપ ટાઉન અને હોંગકોંગ જેવા શહેરોમાંથી હજારો હરિભક્તોએ ઉપસ્થિત રહી આ મહોત્સવને વૈશ્વિક ભવ્યતા પ્રદાન કરી હતી. સમગ્ર વાતાવરણમાં ફૂલ અને ધૂપની સુગંધ વ્યાપ્ત હતી, જે દરેક ક્ષણને આધ્યાત્મિક અનુભૂતિથી પરિપૂર્ણ કરતી હતી.
શ્રદ્ધા - સંયમ - સાધનાનું પ્રતીક
108 ફૂટ ઊંચી આ મૂર્તિ શ્રદ્ધા, સંયમ અને આધ્યાત્મિક સાધનાનું શક્તિશાળી સ્વરૂપ છે. નીલકંઠ વર્ણીની બાલ્યાવસ્થામાં સમગ્ર ભારતભરમાં કરેલી તપસ્વી યાત્રા આજે પણ લાખો લોકોને ત્યાગ, નિર્ભયતા અને ભક્તિના આદર્શો માટે પ્રેરણા આપે છે. આ મૂર્તિ આ શાશ્વત મૂલ્યોનું જીવંત પ્રતીક છે.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં યજ્ઞ, સભાઓ અને મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ મુખ્ય રહ્યા. 25 માર્ચે પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વૈશ્વિક શાંતિ યજ્ઞ યોજાયો, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. શ્વેત કબૂતરોને આકાશમાં મુક્ત કરીને વર્તમાન ખાડી યુદ્ધના વિરામ માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી. બીજા દિવસે મુખ્ય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ, જેમાં મહંત સ્વામી મહારાજ દ્વારા 108 ફૂટની ઊંચાઈએ વૈદિક વિધિ કરાઇ હતી. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને દિવ્યતાથી ઓતપ્રોત બનાવી દીધો.
પ્રતિષ્ઠા બાદ પોતાના આશીર્વચનમાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું: ‘આ સૌથી સુંદર મૂર્તિ છે. તે સમગ્ર વિશ્વમાં શાંતિનો પ્રસાર કરશે. જે કોઈ અહીં નીલકંઠ વર્ણીના દર્શન કરવા આવશે, તે સદગુણોની પ્રેરણા મેળવી કલ્યાણને પામશે. આ મૂર્તિ ભક્તોની ભાવનાઓ અને શુભ મનકામનાઓને પણ પૂર્ણ કરશે.’
સમગ્ર કાર્યક્રમ સંતો, સેવકો અને ભક્તોના નિઃસ્વાર્થી સેવાભાવથી સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો. વિશાળ જનસમૂહના સંચાલનથી લઈને અનુષ્ઠાનો અને આતિથ્ય વ્યવસ્થા સુધી, હજારો સેવકોએ સમર્પિત ભાવથી યોગદાન આપ્યું હતું.
એક નવું આધ્યાત્મિક ધામ
આ પ્રતિષ્ઠા સાથે નવી દિલ્હીસ્થિત સ્વામિનારાયણ અક્ષરધામે વૈશ્વિક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને નૈતિક કેન્દ્ર તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવી છે. નીલકંઠ વર્ણીની આ મૂર્તિ આવનારી પેઢીઓને શાંતિ, અનુશાસન, ભક્તિ અને ઉચ્ચ જીવન મૂલ્યો માટે પ્રેરિત કરતી રહેશે.

તપોમૂર્તિની આગવી વિશેષતા
• ‘એક પગ પર અડગ’ સ્વરૂપે ઉભેલી 108 ફૂટ ઊંચી આ પ્રતિમાને 8 ફૂટ ઊંચા પૃષ્ઠતળ પર સ્થાપિત કરાઇ છે

• આશરે એક વર્ષના અવિરત પ્રયત્નોથી આ પ્રતિમાનું નિર્માણ

• પંચધાતુમાંથી બનેલી આ કૃતિમાં કાંસ્ય ધાતુનો સવિશેષ ઉપયોગ થયો છે, જે તેને દૃઢતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે

• અદ્વિતીય શિલ્પનિર્માણમાં અક્ષરધામના શિલ્પી સંતો, આશરે 50 જેટલા કુશળ કારીગરો તેમજ અનેક નિષ્ઠાવાન સ્વયંસેવકોનો પુરુષાર્થ

• પુલહાશ્રમ (મુક્તિનાથ) ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી સ્વરૂપે ચાર મહિના સુધી એક પગ પર અડગ રહી જે કઠોર તપસ્યા સાધી હતી, તેની પ્રતિમામાં જીવંત અને મૂર્ત અભિવ્યક્તિ

• પ્રતિમા નિર્માણનો મુખ્ય ઉદ્દેશ સમાજના પ્રત્યેક વર્ગમાં તપ, ત્યાગ, મૈત્રી, કરુણા, સુહૃદભાવ, માનવ સેવા, ભક્તિ અને ઉપાસના જેવા વૈશ્વિક અને શાશ્વત મૂલ્યોના પ્રસારનો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter