લંડનઃ નિસડન ટેમ્પલમાં બાળકો અને યુવાનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઊજવણી કરવામાં આવી હતી. નિસડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 150થી વધુ બાળકો અને યુવાનોએ શનિવાર 5 એપ્રિલ 2025ના દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય અવતરણની આનંદપૂર્વક ઊજવણી કરી હતી.
40 યુવા સ્વયંસેવકોની સમર્પિત ટીમના માર્ગદર્શન હેઠળ મંદિરમાં બે બેઠકો દરમિયાન પરફોર્મન્સીસ રજૂ કરાયા હતા જેના થકી ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રજી તમામ ગુણોથી ભરપૂર અને તમામ દોષોથી રહિત અને સર્વોચ્ચ આશીર્વાદના સ્રોત હતા તેને સમજવાની તક હજારો લોકોને પ્રાપ્ત થઈ હતી. વસ્ત્રસજ્જા, સુંદર નૃત્યો, મહિમાગાન કરતા ભજનો અને ઈતિહાસના પ્રસંગો-ઘટનાઓની પળોની વિલક્ષણ રજૂઆતોથી મહાપુરુષોના લક્ષણો જીવંત બનાવાયા હતા. વિવિધ વિષયવસ્તુ સાથેના પરફોર્મન્સીસમાં દરેક મારફત ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રજીના જીવન અને ઉપદેશોના વિવિધ પાસા રજૂ કરાયા હતા. ભગવાન પ્રત્યે નિષ્ઠા અને સમર્પણથી પ્રાપ્ત થતા આનંદ અને આશીર્વાદનું ચિત્રણ કરતા નૃત્ય સાથે ઊજવણીઓનું સમાપન કરાયું હતું અને તેના થકી ઓડિયન્સને પણ આધ્યાત્મિક આનંદનો અનુભવ થયો હતો.
સાંજના પરફોર્મન્સમાં ઉપસ્થિત પલક પટેલે જણાવ્યું હતું કે,‘ કેવી અતુલનીય રજૂઆત હતી! સંગીત, નાટક અને નૃત્યના અભૂતપૂર્વ સંમિશ્રણે મારાં બે નાના બાળકોને મંત્રમુગ્ધ કરી દીધાં અને મહાન અસર સાથે મજબૂત સંદેશા પાઠવ્યા હતા. હું આવતાં વર્ષે ચોક્કસપણે મારાં મિત્રોને તેમના પરિવારોને લાવવા પ્રોત્સાહિત કરીશ. આટલા ભરપૂર વિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે પરફોર્મ કરનારાં નાના બાળકોને મારાં સલામ.’
અગ્રણી સ્વયંસેવક દીપ રાવે ઉમેર્યું હતું કે,‘બે મહિના કરતાં વધુ સમયથી અથાક મહેનત કરી રહેલા વોલન્ટીઅર્સના સમર્પણ તેમજ કળાકારો અને કસબીઓની પ્રતિબદ્ધતા અતુલનીય હતી. ઊજવણીઓમાં હાજર રહેલા લોકોના આનંદપૂર્ણ અનુભવોના સાક્ષી બની રહેવાનું પણ સુંદર રહ્યું.’
હિન્દુ ચાંદ્રિય પંચાંગ અનુસાર ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રજીએ પૃથ્વી પર દિવ્ય અવતરણ કર્યું હતું તે નવમીના દિવસ રવિવાર, 6 એપ્રિલ 2025ના રોજ મંદિરમાં વિવિધ ભક્તિમય આનંદોત્સવ સાથે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઊજવણી કરવામાં આવી હતી.
શ્રી રામચંદ્રજી ભગવાનની જન્મોત્સવ આરતી તેમના જન્મના સમયને અનુરુપ બપોરના 12 વાગ્યે કરવામાં આવી હતી. આરતી પછી યોગવિવેકદાસ સ્વામીએ તેમના દિવ્ય ગુણો-લક્ષણો વિશે પ્રેરણાદાયી ઉપદેશ કર્યો હતો. મંદિરના સ્વામીઓ અને યુવાનો દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવને ઉજવતા ભજનકીર્તન કાર્યક્રમ અને રાત્રિના 10.10ના સમયે તેમની જન્મોત્સવ આરતી સાથે ઉત્સવનું સમાપન કરાયું હતું.