નિસ્ડન ટેમ્પલમાં તપોમૂર્તિ નીલકંઠ વર્ણી મહારાજને મહા અન્નકૂટ ધરાવાયો

Wednesday 14th October 2026 07:56 EDT
 
 

લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસ્ડન ટેમ્પલ)માં શનિવાર, 10 ઓક્ટોબરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી મહારાજને મહા અન્નકૂટ ધરાવાયો તે ઐતિહાસિક પ્રસંગે હજારો હરિભક્તો સમર્પણભાવ સાથે એકત્ર થયા હતા. તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી મહારાજને સર્વપ્રથમ મહા અન્નકૂટમાં 1000થી વધુ વાનગીઓ ધરાવાઈ હતી.

ભગવાન સ્વામિનારાયણના યુવા સંત સ્વરૂપ તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 42 ફૂટ ઊંચાઈની મૂર્તિને ધરાવેલા અન્નકૂટની વાનગીઓ આ પ્રસંગને આધ્યાત્મિક ભાવના સાથે વિસ્મરણીય બનાવવા એકત્ર થયેલા હરિભક્તોની નિષ્ઠા, સમર્પણ અને આસ્થાનું મહામુલું પ્રતીક બની રહી હતી.

પ.પૂ. મહંત સ્વામી મહારાજે આરતી ઉતારી ત્યારે મંદિરની ગગનચુંબી મૂર્તિનું આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ ગયું હતું. આ પ્રસંગને ‘દિવ્ય,ભવ્ય અને અસાધારણ’ ગણાવી મહંત સ્વામી મહારાજે આ ઐતિહાસિક ઉજવણીનું મહત્ત્વ સમજાવવા સાથે હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

સ્ત્રીઓ અને બાળાઓને બિરદાવતો મહિલા દિન

આ જ દિવસે નિસ્ડન મંદિરમાં મહિલા દિનની પણ ઉજવણી કરાઈ હતી. હિન્દુ તહેવારો અને પરંપરાઓને ઉજવતા આનંદપૂર્ણ કાર્યક્રમ માટે મહિલાઓ અને બાળાઓ એકત્ર થઈ હતી. ભક્તિપૂર્ણ સંગીત, પ્રાર્થનાઓ અને નૃત્ય પરફોર્મન્સીસ દ્વારા વિવિધ ઉત્સવોના આધ્ાયાત્મિક મહત્ત્વ અને હિન્દુ સંસ્કૃતિની સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી મહિલાઓ અને બાળાઓને તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણો મજબૂત કરવાની અને ભક્તિને પ્રદર્શિત કરવાની અનોખી તક સાંપડી હતી.

અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશેષ થાળ અર્પણ કરવા સાથે ઉજવણીનું સમાપન થયું હતું. આખરી ઉત્સાહપૂર્ણ નૃત્યની સાથે કાર્યક્રમનો આનંદપૂર્ણ અંત આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter