નીસડન ટેમ્પલને ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ

Wednesday 29th July 2026 06:56 EDT
 
 

લંડનઃ નીસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ફરી એક વખત પ્રતિષ્ઠિત ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ એનાયત કરાયો છે. તાજેતરના વર્ષોમાં આ નવમો ટ્રિપએડવાઈઝર એવોર્ડ વોલન્ટીઅર્સ દ્વારા મુલાકાતી પ્રવાસીઓને સેવાની સાતત્યપૂર્ણ ગુણવત્તા પ્રદર્શિત કરે છે. ટ્રિપએડવાઈઝરના જણાવ્યા મુજબ આ ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ 2026નો અર્થ એ છે કે મંદિરે સતત રીતે સારા રિવ્યૂઓ મેળવ્યા છે અને ઉત્કૃષ્ટ હોસ્પિટાલિટીની પ્રતિબદ્ધતા દર્શાવતા સ્થળોમાં તેનું સ્થાન છે.

ટ્રિપએડવાઈઝરની યાદી હેઠળનાં વિશ્વના 8.7 મિલિયનથી વધુ આકર્ષણો, અનુભવો, હોટેલ્સ, રેસ્ટોરાં અને અન્ય સ્થળોમાં મોખરાની કરવાને લાયક 10ટકા બાબતોમાં મંદિરનો સમાવેશ થાય છે. એવોર્ડના વિજેતાઓનો નિર્ણય ગત 12 મહિનામાં પ્રવાસીઓ દ્વારા અપાયેલા રિવ્યૂઝ અને રેટિંગ્સની સાતત્યતા અને ગુણવત્તાના આધારે કરવામાં આવે છે.

મંદિરમાં વોલન્ટીઅર ગાઈડ સોનલબહેન પટેલે જણાવ્યું હતું કે,‘ અમને ભારે આનંદ છે કે વિશ્વભરના પ્રવાસીઓએ મંદિરમાં તેમના સમયને માણ્યો છે અને તેમના રચનાત્મક અનુભવોને અન્યો સાથે શેર કરવાનો સમય લીધો છે. અમે હંમેશાં અમારી સેવાને સુધારવા પ્રયાસશીલ રહીએ છે. વધુ અને વધુ લોકો મંદિરના સ્થાપત્ય સૌંદર્ય પાછળના આધ્યાત્મિક મહત્ત્વ વિશે જાણે અને મુલાકાતને માણે તેમ ઈચ્છીએ છીએ. અહીં સમર્પણ, નિઃસ્વાર્થ સેવા અને દિવ્ય ઊર્જા જીવંત છે જે સ્થિરતા અને પરમ શાંતિની ભાવના જન્માવે છે.’

મંદિરમાં મુલાકાતીઓને નિયમિત માર્ગદર્શન આપતા અન્ય વોલન્ટીઅર અમિશ રઘવાણીએ જણાવ્યું હતું કે,‘ મંદિર અને અમારા મહેમાનોની કાળજી લેવા પોતાનો સમય ફાળવતા તમામ સ્વયંસેવકો વતી જણાવવાનું કે આ એવોર્ડ તમામ ધર્મો અને પશ્ચાદભૂ સાથેના મહેમાનોને આદર, નમ્રતા અને સાચી કાળજી સાથે આવકારવાના મૂલ્યોની પ્રેરણા મહંત સ્વામી મહારાજે અમારામાં સ્થાપિત કરી છે તેનું પ્રતિબિંબ છે.’

વિશ્વનાં સૌથી મોટા ટ્રાવેલ ગાઈડન્સ પ્લેટફોર્મ ટ્રિપએડવાઈઝર લાખો આકર્ષણો, રેસ્ટોરાં, અને રસના સ્થળોને આવરી લેતાં 1 બિલિયનથી વધુ રિવ્યૂઝ અને મંતવ્યો મેળવે છે. દર મહિને 450 મિલિયનથી વધુ પ્રવાસીઓ તેમની યાત્રાના આયોજનો માટે આ પ્લેટફોર્મની મદદ લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter