લંડનઃ નીસડન ટેમ્પલમાં સોમવાર 20મી ઓક્ટોબરે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક અંધકાર પર પ્રકાશના વિજયના દિવાળી ઉત્સવની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી, જેમાં દર્શન, પ્રાર્થના અને સેવાનો લહાવો લેવા હજારો ભક્તો અને વિવિધ ધર્મોના લોકો ઉમટી પડ્યા હતા. બુધવાર 22 ઓક્ટોબરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઈશ્વર પ્રત્યે આભાર પ્રગટ કરવા અન્નકૂટ યોજાયો હતો જેમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ સેંકડો શાકાહારી સ્વાદિષ્ટ વાનગીઓ, મીઠાઈઓ અને ફળોને સુંદર રીતે સજાવીને ગોઠવાયા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને યુકેના હેલ્થ અને સોશિયલ કેર માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ વેસ સ્ટ્રીટિંગ MP સહિત અનેક મહાનુભાવ દિવાળીની ઊજવણીમાં સામેલ થયા હતા.
સ્વામિનારાયણ મંદિર રંગબેરંગી રંગોળી, ઝગારા મારતા દીવડા અને બારીક સજાવટથી દર્શનીય બન્યું હતું. ભાવિક પરિવારોએ આકાશમાં પ્રકાશ પાથરતી આતશબાજી નિહાળવા ઉપરાંત, વિવિધ પ્રકારના શાકાહારી સ્ટ્રીટ ફૂડ અને રસભરી મીઠાઈઓનો લહાવો લીધો હતો. વિનમ્રતા અને અનુકંપા સાથે અન્યોની સેવા કરવાના પરમપૂજ્ય મહંત સ્વામીના ઉપદેશને અનુસરી સ્વયંસેવકોએ સ્થાનિક ફૂડ બેન્ક્સ અને ચેરિટીઝને પણ સપોર્ટ કર્યો હતો.
સભાને સંબોધન કરતા મિ. સ્ટ્રીટિંગે ભવ્ય ઈવેન્ટને શક્ય બનાવવા મંદિરના આયોજકો અને સેંકડો વોલન્ટીઅર્સનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ આ કોમ્યુનિટીમાં નજરે પડતી ઉષ્મા, બંધુત્વની લાગણી, જોશીલી સંસ્કૃતિ અને વિપુલ ઉદારતાથી હું ભારે પ્રભાવિત થયો છું. આ મંદિર વ્યાપક સમુદાય માટે શું કરે છે તે મેં નિહાળ્યું છે. આ અદ્ભૂત અને ઐતિહાસિક સ્થળની લાક્ષણિકતા દર્શાવતી ઉદારતાની અનુપમ ભાવના જોવા મળી છે. આ ઉત્સવ આપણને યુકે અને ભારત વચ્ચે ઊંડી, ટકાઉ અને મજબૂત ભાગીદારી વિશે ચિંતન કરવાની તક આપે છે. યુકેની સ્ટોરીમાં તમારી ભૂમિકા આપણા સહુના કલ્યાણ અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે. NHS પર બ્રિટિશ ભારતીયોની પેઢીઓનું ઋણ છે જેમણે તેના નિર્માણ, આકાર આપવામાં અને જાળવણીમાં મદદ કરી છે. તેમની નિષ્ઠા, કૌશલ્ય અને કરુણા આપણી આરોગ્યસેવાની કરોડરજ્જુ છે અને આપણી દરેક હોસ્પિટલો, આપણી સર્જરીઝ અને આપણા ક્લિનિક્સમાં દરરોજ તેમના યોગદાનની અસરો જોવા મળે છે.’
બોલીવૂડના જાણીતા અભિનેતા અને પરોપકારી અક્ષયકુમાર, તેમની પત્ની ચ્વિન્કલ ખન્ના અને તેમના બાળકો પણ નીસડન ટેમ્પલની દિવાળી ઊજવણીઓમાં સામેલ થયાં હતાં.


