નીસડન મંદિર એકતા, સામુદાયિક સેવા અને ઈન્ટરફેઈથ સંવાદિતાનું પ્રતીક

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રેરણાદાયી કોમ્યુનિટી ડેની ઉજવણી

Tuesday 30th May 2023 10:39 EDT
 
 

લંડનઃ નીસડન ટેમ્પલના હુલામણા નામથી ઓળખાતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે હાલ યુકેની મુલાકાતે આવેલા આદરણીય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બુધવાર 24 મેએ પ્રેરણાદાયી કોમ્યુનિટી દિવસની ઉજવણી કરાઈ હતી. બ્રિટિશ એરવેઝ, ફેલિક્સ તેમજ યુકે અને વિશ્વભરના નામાંકિત મહાનુભાવો અને સંસ્થાઓ આ ઉજવણીમાં જોડાયા હતા. એકતા, સામુદાયિક સેવા અને ઈન્ટરફેઈથ સંવાદિતાના પ્રતીક સમાન આ ઈવેન્ટમાં 1400થી વધુ મહેમાનો, મિત્રો અને શુભેચ્છકો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પરિચય કેળવવા અને તેમનું સમર્થન જાહેર કરવા એકત્ર થયા હતા. સલૂણી સાંજે આસ્થા, સેવા અને સુસંવાદિતાના હાર્દરૂપ મૂલ્યોને જીવંત પરફોર્મન્સીસ, વીડિયોઝ તેમજ વિશ્વભરના વક્તાઓના સંબોધનો થકી રજૂ કરાયા હતા.
બ્રિટિશ એરવેઝ (BA)માં ડાયરેક્ટર ઓફ ફ્લાઈંગ કેપ્ટન જેમ્સ બાસ્નેટે ઓડિયન્સ સમક્ષ વિવિધ માનવતાવાદી પ્રયાસોને મદદ કરવા BAPS સાથે દીર્ઘકાલીન પાર્ટનરશિપ તેમજ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના સૂત્ર ‘અન્યોની ખુશીમાં જ તમારી ખુશી સમાયેલી છે’ તથા BAના મુદ્રાલેખ ‘ફ્લાય ટુ સર્વ’ વચ્ચેના સંબંધ વિશે મનન રજૂ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘કોમ્યુનિટી સાથે તમામ સ્તરે સંપર્ક શક્ય રહે છે. તે પ્રેરણા આપે છે, માહિતી આપે છે અને તે આપણી સંસ્થાઓમાં માનવીય ભાવનાને જગાડે છે અને બધાને સાથે લાવે છે.’
ધ ફેલિક્સ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ શાર્લોટ હિલે આ ઈવેન્ટ અને નીસડન મંદિર સાથે કામગીરીની તેમની વિધેયાત્મક ઈમ્પ્રેશન્સ દર્શાવી હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના ઈવેન્ટમાં હાજર રહેવું તે જ્યારે કોમ્યુનિટીઓ એક સાથે આવીને ખડી રહે ત્યારે શું હાંસલ કરી શકાય તેનું વિનમ્ર સ્મરણ કરાવે છે. નીસડન મંદિર સાથે ધ ફેલિક્સ પ્રોજેક્ટની પાર્ટનરશિપ અમને ઘણી ગમી છે.’
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ ખાતે પ્રોફેસર ઓફ પ્રાઈમરી કેરના પ્રોફેસર જેવા પ્રતિષ્ઠિત વક્તાએ કોવિડ દરમિયાન તેમજ કટોકટીના સમયે સમગ્ર દેશની સેવામાં મંદિર અને BAPS દ્વારા મહત્ત્વપૂર્ણ યોગદાન વિશે જણાવ્યું હતું. કોમ્યુનિટી હેલ્થના મહત્ત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, ‘અન્યોની ખુશીમાં જ તમારી ખુશી સમાયેલી છે પરંતુ, આપણી ભાગીદારી અને સહકારના બળે હું તેમાં ઉમેરો કરવા ચાહીશ કે, ‘અન્યોના આરોગ્યમાં તમારું આરોગ્ય સમાયેલું છે.’’
BAPS ના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેવા પેરિસના પૂર્વીય ઉપનગર બસ્સી-સેઈન્ટ-જ્યોર્જેસના મેયર યાન દુબોસ્ક સહિતના મહેમાનોએ ઈવેન્ટમાં વિશ્વભરની પ્રેરણાદાયી કથાઓ પર પ્રકાશ પાડ્યો હતો. મેયર યાન દુબોસ્કે જણાવ્યું હતું કે, ‘BAPS દ્વારા મને હિંદુઈઝમના વય કે જાતિને ધ્યાનમાં રાખ્યા વિના આપસી સન્માન જેવાં મૂલ્યો અને ડહાપણ તથા અને કોવિડ દરમિયાન અને યુક્રેન યુદ્ધની શરૂઆતમાં તમારી પ્રશંસાપાત્ર અને ઉદાહરણરૂપ કામગીરીથી સમાજને સેવા વિશે જાણવા મળ્યું છે.’ તેમણે વિસ્તારમાં સંવાદિતા જા—નવી રાખવા અને પ્રોત્સાહિત કરવા અન્ય કોમ્યુનિટીઓ સાથે BAPS દ્વારા સંવાદને પણ બિરદાવ્યો હતો.
રોયલ મેઈલ ખાતે એક્સટર્નલ એફેર્સ અને પબ્લિક પોલિસીના ડાયરેક્ટર ડેવિડ ગોલ્ડે નીસડન મંદિરની વૈશ્વિક સ્થાપત્ય પ્રતીક તથા વૈવિધ્યતા અને નિખાલસતાની દીવાદાંડી તરીકે પ્રશંસા કરી હતી. તેમમે કહ્યું હતું કે, ‘આ એવું સ્થળ છે જે આપણી આસ્થા વિશે અથવા આપણી કોઈ આસ્થા કે ધર્મ છે કે નહિ તેની દરકાર રાખ્યા વિના તેના પ્રવેશદ્વાર અને તેનું હૃદય આપણા સહું માટે ખુલ્લું રાખે છે.’
રોયલ મેઈલના નીસડન ટેમ્પલને દર્શાવતા ‘ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પ પાછળના આર્ટિસ્ટ એન્ડ્રયુ ડેવિડસને આ સ્ટેમ્પના ડિઝાઈનિંગ વેળાએ અંગત અનુભવને વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘તમે કલ્પના કરી શકો છો તેમ ડાઈવર્સિટી સ્ટેમ્પની ડિઝાઈન કરવી સૌથી મુશ્કેલ અને સૌથી સંવેદનશીલ હતી કારણકે આ નાનકડા ટાપુ પરના તમામ ધર્મોને વાજબીપણે અને આદરપૂર્વક રજૂ કરવાના રહે છે. મારા અંગત મત અનુસાર તમારી આસ્થાને પ્રતિબિંબિત કરવામાં આ મંદિર મને સૌથી પરફેક્ટ જણાયું હતું.’ ઈન્ટરફેઈથ નેટવર્ક ફોર ધ યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેરિયેટ ક્રેબટ્રીએ આ ઈવેન્ટના મહત્ત્વ વિશે જણાવ્યું હતું કે, ‘ જ્યારે તમે પવિત્ર અને લોકોને એકસાથે લાવવા અને એકતાની શક્તિશાળી પ્રતિબદ્ધતા ધરાવતા વ્યક્તિ (પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ) ની સન્મુખ હો ત્યારે તે અનુભવ ઘણો વિલક્ષણ હોય છે.’
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એકતા, શાંતિ અને સેવાના મૂલ્યોનું મહત્ત્વ સમજાવતા પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશો વિશે જણાવતા કહ્યું હતું કે, ‘તેઓ માત્ર આમ કહેતા ન હતા, તેઓ આને જીવતા હતા, તેમના જીવનની પ્રત્યેક ક્ષણમાં આ જીવતા હતા.’
BAPS UK અને યુરોપના મુખ્ય સ્વામી યોગવિવેકદાસ સ્વામીએ સમાપન કરતા કહ્યું હતું કે, ‘આપણે સાથે મળીને સેતુઓનું નિર્માણ કરી શકીએ, આપણે સારી સમજણ વિકસાવી શકીએ, આપણે વૈશ્વિક સુસંવાદિતાના બહેતર અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી શકીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter