કાઠમંડુઃ વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંમેલન દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃત વિદ્વાનો પોતાના સંશોધનપત્રો રજૂ કરે છે અને ચર્ચા કરે છે. આ વર્ષે 19મું પંચદિવસીય વિશ્વ સંસ્કૃત સંમેલન 26થી 30 જૂન દરમિયાન નેપાળના કાઠમંડુ શહેરમાં યોજાયું હતું.
આ સંમેલનમાં પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનના ઉપલક્ષ્યમાં આયોજકો દ્વારા એક વિશિષ્ટ સત્રનું આયોજન કરાયું હતું. નેપાળની ધરતી ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ભૂમિ છે. તેમણે અહીં ત્રણ વર્ષ સુધી વિચરણ કરીને અનેક જીવોનું કલ્યાણ કર્યું અને તપ તથા યોગાભ્યાસની પ્રેરણા આપી. તેઓએ આ સમય દરમિયાન પોતાના વિશિષ્ટ સિદ્ધાંતનો ઉપદેશ પણ આપ્યો, જે અક્ષરપુરુષોત્તમ દર્શન તરીકે પ્રસિદ્ધ થયો. ભગવાન સ્વામિનારાયણ અને તેમના તત્ત્વજ્ઞાનના નેપાળ સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને આ વિશિષ્ટ સત્ર યોજાયું હતું
28 જૂને યોજાયેલા આ સત્રમાં નેપાળ ઉપરાંત ભારત, અમેરિકા, ચીન, જાપાન અને યુરોપ જેવા અનેક દેશોના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા. અક્ષરપુરુષોત્તમ દર્શનના ‘પ્રસ્થાનત્રયી’ ભાષ્યના રચયિતા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ આ સત્રની અધ્યક્ષતા કરી હતી.
આ સત્રમાં હાજર રહેલા મુખ્ય વિદ્વાનોમાં કાશીનાથ ન્યોપાને (નેપાળના સંસ્કૃત વિદ્વાન અને સંમેલનના રાષ્ટ્રીય સંયોજક), પ્રો. શ્રીનિવાસ વરખેડી (કુલપતિ, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્હી), પ્રો. મુરલીમનોહર પાઠક (કુલપતિ, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી), પ્રો. ગુલ્લપલ્લી શ્રીરામકૃષ્ણમૂર્તિ (કુલપતિ, તિરુપતિ કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી), પ્રો. ભાગ્યેશ ઝા (વિશિષ્ટ સંસ્કૃતવિદ્ અને પૂર્વ IAS), પ્રો. સુકાંત સેનાપતિ (કુલપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગુજરાત), પ્રો. રાણિ સદાશિવ મૂર્તિ (કુલપતિ, તિરુપતિ વૈદિક યુનિવર્સિટી), પ્રો. હરેરામ ત્રિપાઠી (કુલપતિ, કવિકુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી, નાગપુર), પ્રો. રામસેવક દુબે (કુલપતિ, જગદગુરુ રામાનંદાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી, રાજસ્થાન), પ્રો. વિજયકુમાર સી.જી. (કુલપતિ, મહર્ષિ પાણિનિ સંસ્કૃત તથા વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન), પ્રો. રામનારાયણ દ્વિવેદી (મહામંત્રી, કાશી વિદ્વત્ પરિષદ), ડો. સચ્ચિદાનંદ મિશ્ર (મેમ્બર સેક્રેટરી, ઇંડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ) વગેરેનો સમાવેશ થતો હતો.
આ સત્રની વિશેષતા એ હતી કે નેપાળમાં પ્રથમ વખત વિદ્વાન વર્ગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરપુરુષોત્તમ દર્શન અંગે ચર્ચા થઈ રહી હતી. તેથી પ.પૂ. મહંતસ્વામી મહારાજે વીડિયો સંદેશ દ્વારા આશીર્વાદ આપ્યા અને સમગ્ર સંમેલનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
સત્ર દરમિયાન વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનનાં વિવિધ તત્ત્વો વિષે સંશોધનપત્રો રજૂ કરાયાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ અક્ષરપુરુષોત્તમ દર્શનનું અભિવાદન કર્યું હતું. જેમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું કે અક્ષરપુરુષોત્તમ દર્શન એક સ્વતંત્ર મૌલિક વૈદિક દર્શન છે, તેથી કેન્દ્રિય સંસ્કૃત યુનિવર્સિટીમાં આ જ વર્ષથી તેને અભ્યાસક્રમમાં મુખ્ય વિષય (Major Subject) તરીકે ઉમેરવામાં આવ્યું છે.
અધ્યક્ષીય ભાષણમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના વિચરણ દ્વારા આ નેપાળભૂમિને પાવન કરી છે. તેમણે જ પોતાના જ્ઞાનોપદેશમાં અક્ષરપુરુષોત્તમ દર્શનને અહીંના મુમુક્ષુઓ સમક્ષ પ્રકાશિત કર્યો હતો. તેથી તેમના દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને સમર્પિત આ સત્ર અત્યંત પ્રાસંગિક છે. આજના સમયમાં દેશ-વિદેશના લાખો સાધકો આ દર્શનને જીવનમાં આત્મસાત કરવાની સાધના કરી રહ્યા છે.
આ સત્રમાં નેપાળના પ્રસિદ્ધ વિદ્વાન અને વિશ્વ સંસ્કૃત સંમેલનના રાષ્ટ્રીય સંયોજક કાશીનાથ ન્યોપાનેએ એક વિશિષ્ટ ઘોષણા કરતા કહ્યું કે, આજે નેપાળમાં અમે અક્ષરપુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સન્માન અને સ્થાપન કરીએ છીએ. વિશ્વ સંસ્કૃત સંમેલનમાં વેદાંત દર્શનના એક વિશિષ્ટ ઉત્સવ તરીકે આ સત્ર સંપન્ન થયું હતું.