રોબિન્સવિલે, ન્યુ જર્સીઃ ઉનાળા પછી નોર્થ અમેરિકાના કુલ 110 કિશોર-કિશોરીઓએ ભારત યાત્રા 2025 સાથે તેમના જીવનની મહત્ત્વપૂર્ણ યાત્રા કરી હતી. આ પ્રવાસનો વિષય ‘સંપ’ હતો, જે માત્ર વડીલો નહિ, પરંતુ સમગ્ર સત્સંગ કોમ્યુનિટીને આવરી લેતો હતો. કિશોર-કિશોરીઓ અબુ ધાબીના રણથી માંડી દક્ષિણ ભારતના ચોમાસાની વર્ષા અને ગુજરાતની સમૃદ્ધ હિન્દુ સંસ્કૃતિના પ્રવાસમાં મહિમા, મિલન, મદદ અને માફીના મૂલ્યો વિશે શીખ્યાં હતાં.
આ યાત્રાનો આરંભ ન્યુ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરથી થયો હતો. તેઓ પહેલા યુએઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે અબુ ધાબીના ‘રણમાં કમળ’ તરીકે ઓળખાતાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેઓ મંદિરની સ્થાપના સંદર્ભે સંવાદિતા અને એકતાના પાઠ શીખ્યા હતા. ભારતમાં તેમણે પ્રથમ નવી દિલ્હીસ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સહજાનંદ વોટર શોનો અનુભવ લેવા સાથે ‘સંસ્કૃતિ દર્શન’ બોટ રાઈડ થકી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓના ઈતિહાસ વિશે. જાણ્યું હતું. આ પછી, અયોધ્યામાં નવનિર્મિત રામમંદિર અને છપૈયામાં ભગવાન સ્વામિનારાયણના બાળપણ વિશે જાણ્યું હતું.
ઉત્તર ભારત પછી, તેમણે દક્ષિણ ભારતના પ્રવાસમાં શ્રીપેરુમ્બુદુરના પવિત્ર મંદિરો, રામેશ્વરમના સાગરતટો, કન્યાકુમારીની મુલાકાતો દરમિયાન સમૃદ્ધ વીરાસત, વિવિધ પરંપરાઓ અને આધ્યાત્મિક ઈતિહાસ વિશે જાણ્યું હતું. અહીંથી તેઓ ગુજરાતના સુરત પહોંચ્યા હતા. ગુરુપરંપરાના પવિત્ર સ્થળો માહેલાવ અને ચાણસદની મુલાકાતો લીધી હતી. સારંગપુર ખાતે તેઓ એક સપ્તાહની આધ્યાત્મિક શિબિરમાં જોડાયા હતા. શિબિર પછી તેઓ બોચાસણ પહોંચ્યા હતા અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ધર્મસભામાં સામેલ થઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ભારત યાત્રા 2025 કિશોર-કિશોરીઓ માટે ભારતના સૌંદર્ય અને વૈવિધ્ય નિહાળવા ઉપરાંત, આસ્થા, એકતા અને સમર્પણના અનુભવોનો ભંડાર બની રહી હતી.


