બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન પ્રમુખ અને ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મહેસાણા ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું હતું. મહિલા ભક્તોએ ફૂલોની ભવ્ય રંગોળી કરીને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. પૂ. મહંત સ્વામીને વિશેષ ભક્તિથી વધાવવા માટે 500થી વધુ પુરુષ, મહિલા, યુવક-યુવતીઓ સહિતના હરિભક્તોએ 45 દિવસથી વિશેષ વ્રત તપ ઉપવાસ કરી ગુરુભક્તિ અદા કરી હતી. જેમાં 10 હરિભક્તોએ તો 92 કલાકના માત્ર પ્રવાહી પીને ઉપવાસ કરી ગુરુહરિનો વિશેષ રાજીપો પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રીના આગમને યુવકો દ્વારા બેન્ડ વગાડીને તેમનું સ્વાગત થયું હતું. બાળકો અને યુવાનો દ્વારા સ્વાગત નૃત્ય દ્વારા તેમને આગમનને વધાવવામાં આવ્યું હતું. મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લા ઉપરાંત વિદેશમાં રહેતા ભક્તોએ પણ દર્શનનો લાભ લીધો હતો.