પ.પૂ.મહંત સ્વામી મહારાજની 93મી વર્ષગાંઠ ઉજવવા હજારો લોકો વેમ્બલી એરેનામાં ઉમટ્યા

Wednesday 07th October 2026 05:49 EDT
 
 

લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી વર્ષગાંઠને ઉજવવા સમગ્ર યુકે અને વિશ્વભરમાંથી 10,500થી વધુ હરિભક્તો અને શુભેચ્છકો રવિવાર 4 ઓક્ટોબરે OVO એરેના વેમ્બલી ખાતે એકત્ર થયા હતા અને વિશ્વના હજારો લોકો લાઈવ વેબકાસ્ટ થકી ભવ્ય ઉજવણીમાં સામેલ થયા હતા. લંડનમાં હરિભક્તોએ ગુરુની ઉપસ્થિતિમાં તેમનો જન્મદિવસ ઉજવ્યો હોય તેવી 56 વર્ષમાં આ પ્રથમ ઘટના હતી.
નાના બાળકો અને યુવાનોએ આ ઉજવણીમાં અગ્ર ભૂમિકા ભજવી હતી અને એક નાના બાળકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓડિયન્સ માટે મુખ્ય ઉદ્ઘોષક તરીકે સેવા આપી હતી. 300થી વધુ યુવા પ્રેઝન્ટર્સ અને પરફોર્મરોએ જોશપૂર્ણ નૃત્યો, ભક્તિસંગીતના ગીતો અને સાંસ્કૃતિક પરફોર્મન્સીસ થકી વેમ્બલીના સ્ટેજને ગજાવ્યું હતું, જ્યારે 500થી વધુ અન્ય સ્વયંસેવકોએ બેકસ્ટેજ અને એરેનાની આસપાસ સેવા આપી હતી. ‘પ્રત્યક્ષઃ બીફોર અવર આઈઝ’ ટાઈટલ સાથેના મલ્ટિમીડિયા પ્રોડક્શન મારફત આ પરફોર્મન્સીસમાં મહંત સ્વામી મહારાજના બાળપણથી માંડી સ્વામી તરીકેના પ્રારંભિક વર્ષો અને BAPS ના ગુરુ તરીકે તેમના પ્રથમ દાયકાને આવરી લેતા પર્સનલ ટેસ્ટિમોનીઝ, ઐતિહાસિક ફૂટેજ, હસ્તલિખિત પત્રો અને ઊંડી સમજ સાથેના ચિંતનોનો સમાવેશ કરાયો હતો. તમામ વયના લોકો દ્વારા હૃદયસ્પર્શી અંગત વર્ણનોએ તેઓની મહેચ્છાઓ અનવે સિદ્ધિઓ તેમજ પ્રચંડ મુશ્કેલીઓ અને દુઃખના સમયમાં ગુરુના પ્રભાવને વ્યક્ત કર્યો હતો, જ્યારે કાર્યક્રમમાં ગુરુપદે તેમના પ્રથમ દસ વર્ષમાં સઘન વૈશ્વિક પ્રવાસો, આધ્યાત્મિક નેતૃત્વ અને માનવતાવાદી સેવાને પણ દર્શાવાઈ હતી. આ યાદગાર ઉજવણીની સાંજે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની સીમાચિહ્ન જાહેરાતમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 13 ગ્રંથોમાં જીવનચરિત્રને સત્તાવાર માન્યતા અપાઈ હતી. સાધુ આદર્શજીવનદાસ દ્વારા લિખિત આ જીવનચરિત્રને ‘ માત્ર એક લેખક દ્વારા લખાયેલા સૌથી લાંબા જીવનચરિત્ર’ તરીકે માન્ય રખાયું હતું,. આ વિક્રમસર્જક કામગીરીમાં 8,848 પાનાઓમાં 2,146,447 શબ્દોનું આલેખન કરાયું છે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજે વેમ્બલી ખાતે એકત્રિત અને વિશ્વભરમાં કાર્યક્રમને નિહાળી રહેલા હજારો લોકોને આશીર્વાદ પાઠવતા પહેલા આ વિક્રમી સ્વીકૃતિને ‘પ્રમુખ સ્વામી મહારાજને સુંદર આદરાંજલિ’ ગણાવી આવકારી હતી. પ્રાર્થના, સંગીત અને નૃત્ય સાથે આ ઉજવણીનું સમાપન થયું હતું, જેમાં અનેક પેઢીઓ પૂજ્ય મહંત સ્વામી મહારાજને તેમના 93મા જન્મદિવસે સ્મરણીય આદરાંજલિ અર્પવા એકત્ર થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter