લંડનઃ નિસડન મંદિર તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનમાં ગુરુવાર 1 ઓક્ટોબર 2026ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દેશના જીવનમાં બ્રિટિશ હિન્દુઓના મહત્ત્વપૂર્ણ અને ટકાઉ યોગદાનને બિરદાવાયું હતું. આ ઈવેન્ટમાં સમગ્ર યુકેના 200થી વધુ હિન્દુ સંસ્થા/ સંગઠનો અને સમૂહોનાં 1200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ‘સેલિબ્રેટિંગ બ્રિટિશ હિન્દુ કન્ટ્રિબ્યુશન્સ’ ટાઈટલ સાથેની સાંજે સેવા (નિઃસ્વાર્થ સેવા), સંસ્કાર (મૂલ્યો) અને શ્રદ્ધા (આસ્થા)ના ત્રણ ટકાઉ સિદ્ધાંતો પર કેન્દ્રિત શાશ્વત હિન્દુ મૂલ્યો કેવી રીતે આધુનિક બ્રિટિશ સમાજને સમૃદ્ધ કરતા રહ્યા છે તેનું મનન કરવામાં આવ્યું હતું.
હિન્દુ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે ઉજવણીનો આરંભ કરાયા પછી અભિ પંડ્યા દ્વારા ગણેશ સ્તુતિ અને ચિન્મય મિસનના સભ્યો દ્વારા હનુમાન ચાલીસા સહિત ભક્તિસંગીતની પ્રસ્તુતિ કરાઈ હતી. યુકે અને યુરોપમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા સાધુ યોગવિવેકદાસ સ્વામીએ સહુને આવકાર્યા હતા અને સંબંધો મજબૂત બનાવવા અને સાથે મળી કામ કરવા સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યું હતું. ‘સંવાદિતાના વર્તુળને વિસ્તારવા’ મહંત સ્વામી મહારાજના પ્રોત્સાહનોનું સ્મરણ કરતા તેમણે ઉપસ્થિતોને પોતાના સમુદાયોથી પણ આગળ વધી મિત્રતાના નિર્માણ અને સેવા કરવા આમંત્રણ આપ્યું હતું.
‘સેવા’ વિષયમાં બદલાની આશા રાખ્યા વિના અન્યોની સેવા કરવાની હિન્દુ પરંપરા પર પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. ISKCON ભક્તિવેદાંત મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ વિશાખા માતા, હિન્દુ સપોર્ટ નેટવર્કના ડાયરેક્ટર શિલ્પા છેડા, નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF)ના પ્રેસિડેન્ટ તુલસી દવે, સસેક્સ પોલીસમાં ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર સપના પટેલ, રિલિજિયસ સ્ટડીઝ સ્કૂલ શિક્ષિકા અને BAPS UK માટે નેશનલ યુથ કોઓર્ડિનેટર શ્રદ્ધા પટેલ સહિત સમાજના વિવિધ ક્ષેત્રોમાં બ્રિટિશ હિન્દુ સ્ત્રીઓનાં નોંધપાત્ર યોગદાનોને બિરદાવતી વિશેષ પ્રસ્તુતિ કરાઈ હતી.
NHSFના સ્ટ્રેટેજિક એડવાઈઝર રિતેશ ઠકરારે બ્રિટનમાં સેવામાં કાર્યરત હિન્દુ સંસ્થાઓના ઉદાહરણો આપ્યા હતા. તેમણે જરુરિયાતમંદોને ખોરાકના પુનઃવિતરણ દ્વારા અન્નના બગાડને ઓછો કરવાની સેવા આપતી સંસ્થાઓ ગો ધાર્મિક, સેવા યુકે, જલારામ મંદિર યુકે, ISKCON ફૂડ ફોર લાઈફ અને BAPS ના કાર્યો વિશે જણાવ્યું હતું. ‘સંસ્કાર’ વિષયે વેલિંગબરોના BAPS યુવાન ધ્યાન પટેલે બાળપણથી સ્થાનિક મંદિરમાં હાજરી આપવાથી પ્રાપ્ત થયેલા મૂલ્યોએ કેવી રીતે ધાર્મિક શિસ્તના પાલન અને આસ્થાને જાળવવા સાથે ઈટોન કોલેજમાં પ્રવેશ કરવામાં મદદ કરી તે જણાવ્યું હતું. ધર્મ એન્ડાઉમેન્ટ ફંડના સહસ્થાપક અને ટ્રસ્ટી નિતેશ ગોરે આવા મૂલ્યોના જતનમાં પરિવાર, શાળાઓ, મંદિરો અને વ્યાપક કોમ્યુનિટી કેવી રીતે મદદરૂપ બને છે તેના વિશે જણાવ્યું હતું.
‘શ્રદ્ધા’ વિષયમાં આસ્થાને પરિવર્તનશીલ વિશ્વમાં શક્તિ અને હેતુના સ્રોત તરીકે ગણાવાઈ હતી. ભદ્રેશદાસ સ્વામીએ વ્યક્તિગત અને સામૂહિક જીવન પર આસ્થાની ટકાઉ સુસંગતતા પર વિચારો વ્યક્ત કર્યા પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક નેતૃત્વ વિશે હિન્દુ આધ્યાત્મિક અગ્રણીઓએ વ્યક્ત કરેલા વિચારો વિશે ખાસ વિડિયો રજૂ કરવામાં આવ્યો હતો.
પ.પૂ. મહંત સ્વામી મહારાજનું પરંપરાગત મરાઠી ઢોલ બેન્ડના અવાજ સાથે સભામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી મહારાજે ઉપસ્થિતોને આશીર્વાદ આપ્યા હતા. BAPS ના ટ્રસ્ટીઓએ બ્રિટનમાં કોમ્યુનિટીની સેવા કરી રહેલી હિન્દુ સંસ્થાઓને સન્માની હતી. મેટ્રોપોલીટન પોલીસ કમિશનર સર માર્ક રાઉલીએ જાહેર સેવા, બિઝનેસ, એજ્યુકેશન અને કોમ્યુનિટી સલામતી માટે બ્રિટિશ હિન્દુઓના યોગદાનની પ્રસંશા કરી હતી.


