અમદાવાદ: તાજેતરમાં નેપાળમાં આવેલા અત્યંત ભયાનક અને વિનાશક પૂરે ચારેય તરફ ભારે તારાજી સર્જી છે. આ હોનારતમાં હજારો લોકો બેઘર બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તથા મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. અબજો રૂપિયાના થયેલા આર્થિક નુકસાન અને માનવસર્જિત સમાન કુદરતી આપદા વચ્ચે પીડિતોની સહાય અને મૃતકોની આત્માની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે એક વિશેષ પ્રાર્થના યજ્ઞનું આયોજન કરાયું હતું.
સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં SGVP ના ઋષિકુમારો તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સાથે મળીને ગાયત્રી યજ્ઞ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે સવા લાખ (1,25,000) આહુતિઓ યજ્ઞનારાયણને અર્પણ કરી નેપાળના અસરગ્રસ્તો માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
યજ્ઞના પાવન પ્રસંગે પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીએ સભાને સંબોધતા એક ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે: આ માત્ર એક કુદરતી કોપ નથી, પરંતુ મનુષ્યના સ્વાર્થ અને પ્રકૃતિ સાથેના અનિયંત્રિત ખિલવાડનું પરિણામ છે. વ્યક્તિગત કે નાની-મોટી સ્વાર્થી પ્રવૃત્તિઓના કારણે આવી ભયાનક હોનારતો સર્જાતી હોય છે, તેથી માનવજાતે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
પ્રાર્થના અને યજ્ઞની સાથે SGVP સંસ્થાએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. પૂજ્ય સ્વામીજીએ જાહેરાત કરી હતી કે નેપાળના આ પૂરથી પ્રભાવિત થયેલા પરિવારના બાળકોના અભ્યાસ માટે SGVP ગુરુકુલ દ્વારા ‘વિદ્યા સહાય’ પૂરી પડાશે.


