લંડનઃ હજારો લોકોને પ્રેરણા આપી ઉત્થાન કરનારી સીમાચિહ્ન આધ્યાત્મિક યાત્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) દ્વારા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પુજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની યુકેમાં આઠ દિવસની ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુદેવશ્રીની ધર્મયાત્રા 19થી 26 જૂન 2025 સુધી યોજાઈ હતી, જેમાં લંડન, માન્ચેસ્ટર અને લેસ્ટરને આવરી લેવાયા હતા. આંતરિક વિકાસ, શાંતિ અને લક્ષ્યની સહભાગી પરિપૂર્તિમાં અનેક કોમ્યુનિટીઓ એકજૂટ બની રહી હતી.
ધર્મયાત્રાનો આરંભ લંડનથી થયો હતો. હેરો લેઈઝર સેન્ટરના બાયરન હોલ ખાતે બે સાંજના ઉપદેશાત્મક વ્યાખ્યાનનો 2500થી વધુ આધ્યાત્મિક ઈચ્છુકોએ લાભ લીધો હતો. ભગવાન મહાવીરના શાશ્વત સિદ્ધાંતો અને 19મી સદીના વિઝનરી શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોને આવરી લઈ પુજ્ય ગુરુદેવશ્રીએ સરળ છતાં ગાઢ અસરકારક રસાળ શૈલીમાં વ્યવહારુ અને પ્રસ્તુત જ્ઞાનોપદેશ કર્યો હતો. તેમના ઉપદેશ ‘Add Salt to Your Devotion (તમારા સમર્પણમાં મીઠું ઉમેરો)’ માં તેમણે દરરોજ દિવ્ય સાથે વાત કરી આસ્થાને સ્વાદિષ્ટ બનાવવા સમજાવ્યું હતું. તેમણે ‘SALT’ નો દિવ્ય અર્થ પણ સમજાવ્યો હતો. ‘S’ આપણા અંતરમાં ઈશ્વર સાથે વાત કરવા પવિત્ર સ્થળના સર્જન માટે છે. ‘A’ અન્યોને જેવા છે તે રીતે સ્વીકારવા માટે છે. ‘L’ સાંભળવાના મહત્ત્વ પર ભાર રાખે છે, પ્રત્યાઘાત આપતા પહેલા સમજણ અને પસંદ કરવા વિશે છે. ‘T’ આપણને સમયના બાધ વિના દિવ્યતા સાથે અનંત સંપર્ક જાળવતા શીખવે છે. તેમના બીજા ઉપદેશ ‘Add Sugar to Your Relationships (તમારા સંબંધોમાં સાકર ઘોળો)’માં પરસ્પરના જીવનમાં આનંદ, સંબંધ અને સંવાદિતાને પોષણ આપવાના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો. તેમણે ‘SUGAR’ શબ્દ (S- સેવાની ભાવના), (U- અન્યો વિશે સમજ કેળવવી), (G- ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય રાખવું, (A - દયાભાવ સાથે કોમ્યુનિકેશનની કળા) અને (R- મતભેદોનો આદર)નું પણ સુંદર અર્થઘટન કર્યું હતું.
માન્ચેસ્ટરમાં જૈન કોમ્યુનિટી સેન્ટર ખાતે ગુપરુદેવશ્રીએ આંતરિક ઉત્ક્રાંતિ અને વિમુખતાનો ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે બાહ્ય વિશ્વ આપણા નિયંત્રણમાં નથી, પરંતુ આંતરિક વિશ્વ, આપણા વિચારો અને પરિસ્થિતિઓ પરત્વે પ્રત્યાઘાતો આપણા નિયંત્રણમાં રહી શકે છે.
ધર્મયાત્રાનું સમાપન લેસ્ટરમાં થયું હતું, જ્યાં ગુરુદેવશ્રીએ અંતરમાં ઝાંખવા, આધ્યાત્મિક વિકાસના અવરોધો અને અંગત પરિવર્તનને આત્મસાત કરવા અનુયાયીઓ-શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપ્યું હતું.
જાહેર ધર્મોપદેશોમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કરનારા મહાનુભાવોમાં લંડનના હેરો બરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ, હેરો કાઉન્સિલના લીડર પૌલ ઓસ્બોર્ન, હર્ટ્સમીઅરના મેયર કાઉન્સિલર આલ્ફા બર્ડ કોલિન્સ અને માન્ચેસ્ટરના લોર્ડ મેયર કાઉન્સિલર કાર્માઈન ગ્રીમશોનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, ગુરુદેવશ્રી રાકેશજીએ SRMD UK ના સ્વયંસેવકો અને યુવાનો સાથે વિચારવિમર્શ કરી તેમને માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા.