પૂ.મહંતસ્વામીએ શ્રીરામજન્મભૂમિ મંદિર માટે શ્રીરામયંત્રનું પૂજન કર્યું ...

Wednesday 05th August 2020 06:17 EDT
 
 

નેનપુર ખાતે બિરાજમાન BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીએ રક્ષાબંધનના પવિત્ર પર્વે શ્રી રામ જન્મભૂમિ પર થનારા શિલાન્યાસ વિધિ માટે શ્રીરામયંત્રનું વૈદિક પૂજન કર્યું હતું. તેમણે વહેલામાં વહેલી તકે આ મંદિર સાકાર થાય તેવી શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું,‘અનેક મહાત્માઓ-સંતો-ભક્તોના તપ, સમર્પણ, બલિદાન અને પ્રાર્થનાની વેદી પર આ રામમંદિરના નિર્માણનો આરંભ થાય છે ત્યારે, તેમાં જોડાયેલા સૌ કાર્યવાહકો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને ભારતીય ન્યાયતંત્ર સહિત સૌને અભિનંદન સાથે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.’

પૂ. મહંત સ્વામીને શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ પ્રસંગે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે પૂ.બ્રહ્મવિહારી સ્વામી તથા પૂ. અક્ષરવત્સલ સ્વામી શ્રીરામયંત્ર લઈને,અયોધ્યા ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦ વર્ષ પહેલાં, શ્રી રામ જન્મભૂમિના આ મંદિરના નિર્માણ માટે શ્રીરામશિલાના પૂજનનું રાષ્ટ્રીય આંદોલન આરંભાયું ત્યારે ૧૬ ઓગષ્ટ,૧૯૮૯ના રોજ, ગુજરાતમાં પ્રથમ રામશિલાનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન પૂ. પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ જણાવ્યું ‘અમારા ગુરુ પ. પૂ. યોગીજી મહારાજ અને પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે શ્રી રામમંદિર માટે વર્ષો સુધી સતત પ્રાર્થના કરીને લાખો ભક્તોને તેમાં જોડાવાની પ્રેરણા આપી હતી. તેમણે સૌમાં વિશ્વાસ પ્રગટાવ્યો હતો કે રામ જન્મભૂમિ પર જરૂર રામમંદિર બનશે જ.’ રક્ષાબંધન પર્વે પૂ. મહંત સ્વામીએ દેશની રક્ષા માટે પ્રાર્થના કરીને કોરોના મહામારી અંગે વિશેષ સાવધાન રહેવા માટે પણ અનુરોધ કર્યો હતો.

BAPSસંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું લાઇવ વેબકાસ્ટ sabha.baps.org પર કરાઈ રહ્યું છે. તમામ હરિભક્તો લંડનના સમય અનુસાર સોમવારથી શનિવારે બપોરે ૩.૩૦ કલાકે અને રવિવારે બપોરે એક વાગ્યે તેનો ઓનલાઇન લાભ લઇ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter