પેરન્ટિંગના પ્રશ્નો અને તેના પ્રેક્ટિકલ ઉકેલઃ ચિન્મય મિશન દ્વારા ટોક સિરીઝ

Saturday 12th June 2021 05:14 EDT
 

માતાપિતા માટે બાળકના જન્મનો આનંદ અનેરો હોય પણ પછી માતાપિતા તરીકેની જવાબદારી નિભાવવાનું ખૂબ અઘરું બની જાય, ખાસ તો એવા સમયમાં જ્યારે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યાં છે. માતાપિતા બંને નોકરી કરતાં હોય ત્યારે એકલા હાથે બાળકો મોટાં કરવાં, બાળકો પર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસર વગેરે જેવા પેરેન્ટિંગને લગતા અનેક પ્રશ્નોને આવરી લેતી ઑનલાઇન ટોક સિરીઝ ચિન્મય મિશન દ્વારા તૈયાર કરાઇ છે. આ સિરીઝમાં ચિન્મય મિશન સંસ્થાના વિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજી માતાપિતાના પ્રશ્નો અને તેમની મૂંઝવણો અંગે ખૂબ સરળ અને પ્રેક્ટિકલ ટિપ્સ આપીને માર્ગદર્શન આપે છે. બાળકના જન્મ પહેલાંથી જ માતાપિતાની જવાબદારી કઈ રીતે શરૂ થઈ જાય છે અને બાળકના વિકાસના દરેક તબક્કે તેનો સમજપૂર્વક ઉછેર કઈ રીતે કરવો તે વિશે રસપ્રદ ઉદાહરણો સાથેની આ સિરીઝ નવી પેઢીનાં પેરેન્ટ્સ માટે ખૂબ ઉપયોગી બની છે. માતાના ગર્ભમાં રહેલું શિશુ, નવજાત બાળક, પ્રિ-સ્કૂલમાં ભણતું બાળક, પછી ટીનેજર એમ બધી જ ઉંમરનાં બાળકોને લગતા મહત્ત્વનાં પાસાં આ સિરીઝમાં આવરી લેવાયાં છે. તે સાથે જ માતાપિતા પણ પોતાની નબળાઈઓ, અપરાધભાવ કે રંજને કઈ રીતે દૂર કરી શકે અને સાર્થક રીતે પોતાની જવાબદારી નિભાવી શકે તે વિશે પણ અસરકારક ટિપ્સ આપવામાં આવી છે. ૭૦ વર્ષથી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક ઉત્થાનનું કાર્ય કરતી ચિન્મય મિશન સંસ્થાની યુ-ટ્યૂબ ચેનલ ChinmayaChannel આ સિરીઝના બધા જ વીડિયો ઉપલબ્ધ છે જેથી મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter