બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ વિશ્વભરમાંથી આવેલા 5,500થી વધુ લોકો ત્રીજી સપ્ટેમ્બરના રોજ પેરિસમાં સેન નદી પર યોજાયેલી ઐતિહાસિક ‘જળયાત્રા’ - સાંસ્કૃતિક નૌકાયાત્રામાં જોડાયા હતા. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર - બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર-પેરિસના લોકાર્પણ પ્રસંગે આયોજિત 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ)ની આ જળયાત્રા સૌથી સ્મરણીય ઉજવણીઓમાંની એક બની રહી હતી.
ભારતીય સાંસ્કૃતિક સુશોભન, પુષ્પો તથા ભારત અને ફ્રાન્સના ધ્વજોથી શોભતી 11 સુંદર નૌકાઓની લગભગ એક કિલોમીટર લાંબી ભવ્ય શૃંખલા પેરિસના હૃદયમાંથી પસાર થઈ હતી અને બંધુત્વ, શાંતિ તથા સૌહાર્દનો શાશ્વત સંદેશ પ્રસરાવ્યો હતો. પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ પછી સેન નદી પર એકસાથે સંકલિત રીતે યોજાયેલી આ સૌથી મોટી નૌકાયાત્રા બની હતી. ફ્રાન્સની સત્તાવાર પ્રવાસન વિકાસ એજન્સી 'અતૂ ફ્રાન્સ’ના CEO અને ડિરેક્ટર જનરલ એડમ ઓબુઈહ એફિલ ટાવરના બાજુમાં સેન નદીના કાંઠે યોજાયેલા જળયાત્રાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું, ‘બીએપીએસ અને તેના સ્વયંસેવકોએ આ ઉજવણીને પેરિસ સુધી લાવવા માટે અદભુત કાર્ય કર્યું છે. ફ્રાન્સ અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો તથા શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના આપણા સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરતા આ અવસરમાં તેમની સાથે જોડાવું મારા માટે ગૌરવની વાત છે.’
અબુ ધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું, ‘સેન નદી ફ્રાન્સના ઇતિહાસ, પ્રેરણા અને આકાંક્ષાઓને વહન કરતું પ્રતીક છે. જળયાત્રા હિન્દુ ધર્મની પવિત્ર પ્રાર્થનાઓ અને પરંપરાઓની અભિવ્યક્તિ છે. જળયાત્રા શાંતિ અને ફ્રાન્સ તથા ભારત વચ્ચેની મિત્રતા માટેની સહિયારી આશાની અભિવ્યક્તિ છે.’ ભક્તિમય સંગીત અને આનંદમય ઉજવણી વચ્ચે આ યાત્રા એફિલ ટાવર, મ્યુઝે દ’ઓર્સે, નોત્ર-દામ કેથેડ્રલ અને લુવ્ર મ્યુઝિયમ સહિત પેરિસના અનેક વિશ્વવિખ્યાત સ્થળો પાસેથી પસાર થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓ નદીકાંઠા અને પુલો પર ઊભા રહી આ રંગબેરંગી યાત્રાને નિહાળતા, તસવીરો લેતા અને તેનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ સાથે ફેસ્ટિવલનો ઉત્સવભાવ ફ્રાન્સની રાજધાનીના હૃદય સુધી પ્રસરી ગયો હતો.
1997માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સેન નદી પર કરેલી ઐતિહાસિક યાત્રાથી પ્રેરિત આ જળયાત્રાએ ફ્રાન્સમાં બીએપીએસના ઇતિહાસના એક અમૂલ્ય અધ્યાયને ફરી જીવંત કર્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજની એ સ્મરણીય યાત્રાના લગભગ ત્રણ દાયકા બાદ, પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે હરિભક્તોએ એ જ યાત્રાને ફરી અનુસરી, નવી સ્મૃતિઓનું સર્જન કર્યું હતું.


