પેરિસ મંદિર મહોત્સવના આરંભે પાલખી યાત્રામાં સેંકડો મહિલાઓ અને યુવતીઓ ઉલ્લાસભેર જોડાઈ

Thursday 10th September 2026 06:14 EDT
 
 

બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત બુધવાર, બીજી સપ્ટેમ્બરના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી ભક્તિમય પાલખી યાત્રામાં 2,500થી વધુ લોકો જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના વિધિવત્ આરંભ સાથે આ યાત્રામાં વિવિધ વયની મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી. આ આનંદમય યાત્રાએ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સામુદાયિક એકતાની ઉજવણી સાથે સ્થાનિક પરિવારો, રહેવાસીઓ અને વિશ્વભરમાંથી આવેલા મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું.
પરંપરાગત સંગીત, ભક્તિમય ગાન અને નૃત્ય સાથે સુંદર રીતે સુશોભિત પાલખીઓ બુસી-સેંટ-જ્યોર્જેસના માર્ગો પરથી પસાર થઈ હતી અને સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો ભાવ પ્રસરાવ્યો હતો. રંગબેરંગી પ્રસ્તુતિઓ, પરંપરાગત વસ્ત્રો અને ભારતના વિવિધ પ્રદેશોથી પ્રેરિત સર્જનાત્મક ઝાંખીઓ દ્વારા આ યાત્રામાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું દર્શન થયું હતું. યાત્રાના માર્ગ પર ઉપસ્થિત દર્શકોએ આ પાલખી યાત્રાને હર્ષપૂર્વક નિહાળી હતી. નવ સુશોભિત પાલખીઓ, એક પરંપરાગત રથ અને આશરે 250 કલાકારો સાથેની આ યાત્રાએ ભક્તિ, કૃતજ્ઞતા અને સૌહાર્દના શાશ્વત મૂલ્યોને ઉજાગર કર્યા હતા. યાત્રા દરમિયાન એક ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ યોજાઈ હતી, ત્યારબાદ યાત્રા એસપ્લેનેડ ઓફ રિલિજિયન એન્ડ કલ્ચર્સ ખાતે આવેલા નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર તરફ આગળ વધી હતી.
ઈલ-દ-ફ્રાન્સ પ્રદેશના પ્રમુખ વેલેરી પેક્રેસ, ભારતના ફ્રાંસ ખાતેના ડેપ્યુટી ચીફ ઓફ મિશન ઈનમ ગંભીર અને બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક ફેસ્ટિવલ ઓફ કલ્ચરના ઉદ્ઘાટન સમારોહ અને યાત્રાના પ્રારંભિક ભાગમાં જોડાયા હતા.
ઈલ-દ-ફ્રાન્સ પ્રદેશના પ્રમુખ વેલેરી પેક્રેસે પોતાના સ્વાગત સંબોધનમાં જણાવ્યું, ‘ફ્રાન્સમાં પથ્થરમાંથી નિર્મિત પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના મહોત્સવના આ ઐતિહાસિક અવસરે આજે બુસી-સેંટ-જ્યોર્જેસમાં આપ સૌની સાથે ઉપસ્થિત રહેવાનો મને ખૂબ આનંદ છે. આ મંદિર માત્ર એક ઇમારત નથી; તે પાંચ દાયકાથી વધુ સમયના સંકલ્પ, ધીરજ અને સમર્પણની પરિપૂર્ણતાનું પ્રતીક છે. તે અસાધારણ કૌશલ્યના સંગમનું પરિણામ છે – એક તરફ પ્રાચીન પરંપરાના સંવાહક ભારતીય શિલ્પકારો અને ડિઝાઇનરોનું કૌશલ્ય, અને બીજી તરફ ફ્રાન્સના પથ્થર-કારીગરો અને કંપનીઓનું કૌશલ્ય, જેમાંથી કેટલાકે નોત્ર-દામ [કેથેડ્રલ]ના પુનઃસ્થાપન કાર્યમાં પણ યોગદાન આપ્યું છે. આ સંગમના પરિણામે એક એવું સ્મારક સાકાર થયું છે, જે ભારત અને ફ્રાન્સ બંને માટે ગૌરવ સમાન છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter