બુસી-સેંટ-જ્યોર્જેસ / પેરિસઃ યુરોપ અને વિશ્વના વિવિધ દેશોમાંથી હજારો લોકો રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ઉમટી પડ્યા હતા અને બીએપીએસના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતી (અંગ્રેજી તારીખ પ્રમાણે)ની રંગેચંગે ઉજવણી કરી હતા. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજના જીવન, કાર્ય તથા સંપ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના સંદેશને સમર્પિત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે યોજાયેલી આ ઉજવણી વિશેષ ઐતિહાસિક બની હતી, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યુરોપમાં તેમની જન્મજયંતીની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી. ‘Mahant Swami Maharaj: The Guru That Gives’ નામના કાર્યક્રમમાં તેઓના જીવન અને પ્રભાવની ઝાંખી રજૂ કરાઇ હતી. સાથે સાથે જ સ્વાનુભાવો, વીડિયો પ્રસ્તુતિઓ, વક્તવ્યો, સંગીત અને નૃત્ય દ્વારા તેમની જીવનશૈલી અને ઉપદેશોમાં પ્રતિબિંબિત થતી ચાર શાશ્વત ‘ભેટ’ રજૂ કરવામાં આવી: આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતા, સંપ અને સુમેળ, નિઃસ્વાર્થ પ્રેમ તથા ભગવાનની અનુભૂતિ તરફ દોરી જતો માર્ગ.
કાર્યક્રમના પ્રથમ ભાગમાં આધ્યાત્મિક જ્ઞાનની ભેટ તથા મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી અન્ય લોકોના જીવનમાં આવેલી સ્પષ્ટતા અને દિશાનું નિરુપણ કરાયું હતું. બીએપીએસના જ્ઞાનવત્સલદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતાની જીવન પર પડતી પ્રભાવક અસર અંગે વિશેષ વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ આદર્શજીવનદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજના ‘સંપ’ના ઉપદેશો તથા વિવિધ દેશો, સંસ્કૃતિઓ અને સમાજના વિવિધ વર્ગોમાં સુમેળ સ્થાપવા માટેના તેમના સતત પ્રયત્નો અંગે વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનો ત્રીજો વિષય નિઃસ્વાર્થ પ્રેમ હતો. બીએપીએસના વરિષ્ઠ સંત પ.પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા પ્રેમ અંગે વાત કરી હતી. વરિષ્ઠ સંતો પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. નારાયણમુનિ સ્વામીએ મહંત સ્વામી મહારાજના પ્રેમ અને કાળજીની જીવનપરિવર્તક શક્તિને દર્શાવતા અનુભવો રજૂ કર્યા હતા. જ્યારે વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજ લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા તરફ કેવી રીતે દોરી જાય છે તે અંગે વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ બાળકો, કિશોરો, યુવાનો, વડીલોએ એકત્રિત થઈને મહંત સ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પેરિસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને પણ આ આદર્શોની ચિરંજીવ અભિવ્યક્તિ તરીકે રજૂ કરાયું હતું. કાર્યક્રમના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.


