અબુ ધાબીઃ કેથોલિક ક્રિશ્ચિયન કોમ્યુનિટીના ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિલસોજી અને પ્રાર્થના વ્યક્ત કરતો શોકસંદેશ પાઠવ્યો હતો.મહંત સ્વામી મહારાજના દિલસોજીના પત્ર ઉપરાંત, અબુ ધાબીમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને BAPS હિન્દુ મંદિર દ્વારા પણ પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે હાર્દિક દિલસોજી વ્યક્ત કરવામાં આવી હતી
રોમન કેથોલિક ચર્ચના સભ્યોને પાઠવેલા શોકસંદેશામાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, ‘વિશ્વવ્યાપી BAPS સ્વામિનારાયણ હિન્દુ ફેલોશિપ વતી અમે નામદાર પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે અમારી ઊંડી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. તેમની ચિરવિદાય કેથોલિક કોમ્યુનિટી અને વિશ્વભરના ક્રિશ્ચિયન્સ માટે ભારે ખોટ છે.’
‘પોપ ફ્રાન્સિસને આશા, અનુકંપા અને એકતાના પ્રતીક તરીકે યાદ રાખવામાં આવશે. સામાજિક ન્યાય, પર્યાવરણીય અગ્રતા અને શાંતિનિર્માણને આગળ વધારવાના તેમના પ્રયાસોએ અમીટ છાપ મૂકી છે. હાંસિયામાં રહેલા લોકો તરફ પ્રતિબદ્દતા અને વૈશ્વિક એકતાની તેમની હાકલ અમે અમારી પરંપરામાં હૃદયે રાખીએ છીએ તે મૂલ્યો સાથે સુસંગત હતા. હિન્દુ સમુદાય અને અન્ય ધાર્મિક પરંપરાઓ પ્રત્યે આદરને ઉત્તેજન સહિત વિવિધ ધર્મો વચ્ચે સેતુઓ બાંધવાના તેમના પ્રયાસોની અમે કદર કરીએ છીએ.
શોકના આ મુશષ્કેલ સમયમાં અમે આપ સહુની પડખે ઉભા છીએ. તમારા દુઃખમાં અમે સહભાગી છીએ તેમજ ઈશ્વર અને અન્ય સર્વ દિવ્ય ઊર્જાઓને પ્રાર્થના કરીએ છીએ કે પોપ ફ્રાન્સિસ આગળ વધારવા તત્પર હતા તે સાદગી અને કરુણાના વારસામાં તમને સાંત્વના મળે.
બહેતર ન્યાયી અને સંવાદપૂર્ણ વિશ્વની તેમની કલ્પના આપણને સહુને પ્રેરણા આપતી રહે.
સાધુ કેશવજીવનદાસ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ ’
મહંત સ્વામી મહારાજના દિલસોજીના પત્ર ઉપરાંત, અબુ ધાબીમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને BAPS હિન્દુ મંદિર દ્વારા પણ પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે હાર્દિક દિલસોજી વ્યક્ત કરવામાં આવી હતી. બ્રહ્મવિહારી સ્વામીએ પોપ ફ્રાન્સિસની નમ્રતા અને માનવ ગૌરવ પ્રતિ કટિબદ્ધતા,ભારતીય અને હિન્દુ કોમ્યુનિટીઓ સહિત તમામ ધર્મો પરત્વે ઊંડા આદર અને શ્રદ્ધાને યાદ કર્યા હતા. આ ઉપરાંત, અબુ ધાબીમાં 4 ફેબ્રુઆરી 2019ના દિવસે હ્યુમન ફ્રેટરનિટી ડોક્યુમેન્ટ પર ઐતિહાસિક હસ્તાક્ષર વિધિ વેળાએ પોપ ફ્રાન્સિસની ઉપસ્થિતિનું સ્મરણ કર્યું હતું.