પ્રમુખ સ્વામી મહારાજ (સ્વામીશ્રી)ની જીવન ઝરમર – ૧૯૬૧થી ૧૯૭૧

- નીતિનભાઈ અને કમુબેન પલાણ Wednesday 11th August 2021 06:22 EDT
 
 

પ્રમુખ સ્વામી મહારાજ (સ્વામીશ્રી) ના જીવનના વધુ એક પ્રકરણ વિશે જાણીશું. આ લેખમાં તેમના જીવનની ૧૯૬૧થી ૧૯૭૧ સુધીની મુખ્ય વાતોને અત્રે રજૂ કરી છે.

ગઢડા કળશ મહોત્સવ – મે ૧૯૬૧

ગઢડામાં આરસનું સુંદર અક્ષર પુરુષોત્તમ મંદિર તૈયાર થયું હતું અને તેના શિખરની ટોચ પર કળશ મૂકવાના હતા. શાસ્ત્રો મુજબ જે લોકો આ કળશ જુએ તેમને ભગવાનની કૃપા મળે અને અક્ષરધામમાં અનંત સ્થાન મળે છે. ઉજવણી દરમિયાન ૪૦,૦૦૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ૫૧ શિક્ષિત યુવાનોને યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કારણ કે તેઓ સાધુ સમુદાયમાં જોડાવાના હતા. તેમાં સાધુ કેશવજીવનદાસનો (પાછળથી પૂ. મહંત સ્વામી મહારાજ ) પણ સમાવેશ થતો હતો.

મુંબઈના નવા મંદિરની શરૂઆત ૧૯૬૧

યોગીજી મહારાજને મુંબઈમાં દાદર રેલ્વે સ્ટેશન સામેની જે જમીન પસંદ આવી હતી તે પ્રોપર્ટી સંસ્થાએ સત્તાવાર મેળવી લીધી હતી. આમ મુંબઈમાં દાદર ખાતે મંદિરનો પાયો નંખાયો હતો.

માળા ખોવાઈ છતાં ગુરુઆજ્ઞા

સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજે એક માળા ભેટ આપી હતી. તે માળા ભગવાન સ્વામીનારાયણે જાતે જ પવિત્ર કરી હતી. એક વખત એક વ્યક્તિ થોડી મિનિટ માટે માળા જોઈએ છે તેમ કહીને આ માળા તેમની પાસેથી લઈ ગઈ. અમદાવાદમાં એક વખત સ્વામીશ્રી પૂજા કરતા હતા ત્યારે યોગીજી મહારાજ તે વ્યક્તિને હાથ પકડીને લઈ આવ્યા અને કહ્યું હવેથી પવિત્ર કરેલી માળા પાછી લેવાનું વિચારશો નહીં. આશીર્વાદ મેળવો. સ્વામીશ્રીએ તરત જ જવાબ આપ્યો,' ખૂબ સરસ. મેં તમારી ઈચ્છા મુજબ મેળવી લીધાં. હવે આપની તે જ ઈચ્છા હોય તો તે માળા ભલે તે વ્યક્તિ પાસે રહેતી. '

માત્ર એક જ ગુરુ છે - ૧૯૬૫

એક સવારે સ્વામીશ્રી નિત્ય પૂજા કરી રહેલા સેવક પાસેથી પસાર થયા. સ્વામીશ્રીએ જોયું કે તે સાધુ પાસે પૂજામાં તેમની (સ્વામીશ્રી)ની મૂર્તિ હતી. સ્વામીશ્રી તરત જ આગળ વધ્યા. ફોટો લઈ લીધો, ફાડી નાંખ્યો અને ફેંકી દીધો. તેમણે સમજાવ્યું જ્યાં સુધી યોગીજી મહારાજ છે ત્યાં સુધી તમે બીજા કોઈનો ફોટો રાખી શકો નહીં. એક જ વ્યક્તિને તમારા ગુરુ તરીકે માનો.

યોગીજી મહારાજ અમૃત મહોત્સવ - ૧૯૬૭

પ્રમુખ સ્વામીના સક્ષમ નેતૃત્વ હેઠળ BAPS સંસ્થાએ ગોંડલમાં ગુરુ યોગીજી મહારાજની ૭૫મી જન્મજયંતી ઉજવી. ઘણાં પડકારો વચ્ચે પણ સ્વામીશ્રીએ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા હજારો ભાવિકોને પાણીનો પૂરતો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરીને મહોત્સવની સફળતાની આડે કોઈ પણ વિઘ્ન ન આવે તેની તકેદારી રાખી હતી.

મુંબઈમાં સ્વામીશ્રીના જન્મદિનની પ્રથમ ઉજવણી - ૧૯૬૮

પ્રમુખ સ્વામી ૪૮ વર્ષના થયા ત્યારે મુંબઈમાં તેમના જન્મદિવસની પ્રથમ ઉજવણી કરાઈ હતી. તેમણે તેનો ખૂબ વિરોધ કર્યો હોવા છતાં સાંજના મહોત્સવની ઉજવણી માટે સ્વામીશ્રી મુંબઈમાં રોકાઈ જાય તેવો યોગીજી મહારાજે આગ્રહ રાખ્યો હતો. આ પ્રસંગે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામીના મહત્ત્વ વિશે સમજ આપી હતી અને તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેઓ ભવિષ્યમાં ૭૦૦ સાધુઓ બનાવશે.

BAPSની માનવતાવાદી પ્રવૃત્તિ - ૧૯૬૯

વર્ષ ૧૯૬૯માં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દુકાળ પડ્યો હતો. આ કુદરતી આપત્તિમાં રાહત કાર્યના ભાગરૂપે સંસ્થાએ છ મહિના સુધી ૭૦૦ ગાયોને આશરો આપવાની અને તેમને નિભાવવાની જવાબદારી લીધી હતી. તે પછીના વર્ષોમાં અને ઘણા માનવતાવાદી પ્રોજેક્ટ્સને લીધે વર્લ્ડ ક્લાસ ઈમરજન્સી રિલીફ પ્રોવાઈડર તરીકે BAPSની ખ્યાતિને સ્વીકૃતિ મળી હતી.

ભાદ્રા મંદિરનું ઉદઘાટન - ૧૯૬૯

પ્રમુખ સ્વામીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થળ ભાદ્રા ખાતે શિખર મંદિરનું નિર્માણ કરાયું હતું. સ્વામીશ્રીએ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જાતે બે મહિના સુધી કૂવા ખોદવાની અને પાઈપલાઈન નાખવાની કામગીરી કરી હતી.

યોગીજી મહારાજની છેલ્લી આફ્રિકા મુલાકાત ૧૯૭૦

ફેબ્રુઆરી ૧૯૭૦માં યોગીજી મહારાજ, સ્વામીશ્રી અને સાધુઓ મુંબઈથી નાઈરોબી જવા રવાના થયા હતા. યોગીજી મહારાજે નાઈરોબીમાં નવા મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. પૂર્વ આફ્રિકામાં તેમના ૧૦૮ દિવસના રોકાણમાં સાધુઓએ યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યામાં વિચરણ કર્યું હતું. ૧૯૬૦માં તેમની છેલ્લી મુલાકાત પછી પૂર્વ આફ્રિકામાં સત્સંગનો વ્યાપ વધ્યો હતો અને સૌ સત્સંગ પ્રત્યે સમર્પિત હતા. આ ટ્રીપના અંતે મોમ્બાસામાં યોગીજી મહારાજને વિશિષ્ટ ભેટ અપાઈ હતી, જેમાં ૨૦ યુવાનોએ સાધુ થવાની તૈયારી દર્શાવી હતી.

યુરોપમાં સત્સંગની સ્થાપના ૧૯૭૦

યોગીજી મહારાજની ઈચ્છા લંડન જવાની હતી. પરંતુ, ત્યાંના ઠંડા વાતાવરણને લીધે તેઓ જતાં ખચકાતા હતા. જોકે, તેમણે ત્યાં નાનું મંદિર બનાવવાનું વચન લંડનના ભાવિકો પાસેથી મેળવી લીધું. કોઈપણ સ્વામીનારાયણ સાધુઓ દ્વારા યુકેની આ પહેલી મુલાકાત હતી. તે સમયે ભારતીયોની ખૂબ નાની કોમ્યુનિટી હતી અને તે અલગ અલગ શહેરોમાં રહેતા હતા. યોગીજી મહારાજે પશ્ચિમની ભૂમિમાં લંડનના મુખ્ય વિસ્તાર એવા ઈસ્લિંગ્ટનમાં પ્રથમ બીએપીએસ મંદિર ખૂલ્લું મૂક્યું. યોગીજી મહારાજ યુકેમાં ૪૬ દિવસ રહ્યા અને તે દરમિયાન તેમણે આગાહી પણ કરી કે યુરોપમાં હજુ ઘણાં મંદિરો બનશે. તે પછી થોડા સાધુઓનું ગ્રૂપ અમેરિકા જવા રવાના થયું. યોગીજી મહારાજે બીજી આગાહી એ પણ કરી કે બેથી ચાર વર્ષમાં ન્યૂયોર્કમાં મંદિરનું નિર્માણ થશે અને પ્રમુખ સ્વામી તેના ઉદઘાટન માટે જશે. જુલાઈ ૧૯૭૦માં સાધુઓ ભારત પાછા ફર્યા હતા.

યોગીજી મહારાજનું અક્ષરધામગમન ૧૯૭૧

હવે યોગીજી મહારાજની તબિયત ઝડપથી કથળી રહી હતી. એક તબક્કે તો તેમણે તેમની પૂજા સ્વામીશ્રીને આપી દીધી. ગોંડલમાં તેમની તબિયત વધારે કથળી ત્યારે ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવા સૂચન કર્યું. કમનસીબે ૨૩ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ તેઓ ધામમાં ગયા. તેઓ સુગઠિત તેમજ કોમ્યુનિટીમાં ખૂબ ઉંડા મૂળ ધરાવતા સત્સંગનું સુકાન પ્રમુખ સ્વામીના સક્ષમ હાથોમાં છોડી ગયા હતા. તે પછી સ્વામીશ્રીએ આધ્યાત્મિક વડા તેમજ BAPS સ્વામીનારાયણ સંસ્થાના વહીવટી વડાનો હોદ્દો સંભાળી લીધો. તે વખતે BAPSના ૭૦ મંદિર હતા અને ભારત તથા પૂર્વ આફ્રિકામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ અને લગભગ ૧૫૦ સાધુ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter