અમદાવાદ: શહેરમાં બીજી ડિસેમ્બરે પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિક્ર્મ સંવત્સરની તિથિ અનુસાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના 101મા જન્મજયંતી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં સંતો - હરિભક્તો ઉપસ્થિત હતાં. મહંતસ્વામી મહારાજની પ્રાતઃ પૂજામાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પૂ. પ્રમુખસ્વામીના ગુણાનુવાદ ગાઇને તેમના જીવનસંદેશને સૌના હૈયે દ્રઢાવ્યો હતો.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક પત્ર પાઠવીને તેમની લાગણી રજૂ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના અવસરે અનેક સ્મરણો મારી આંખ સામે તરી આવે છે. તેમની કરુણામય આંખો, શિશુસહજ હાસ્યથી સદાય શોભતો ચહેરો, તપોબળથી સમૃદ્ધ એવી સરળ સહજ ભાષા સદૈવ યાદ આવે છે. પ્રમુખસ્વામી મહારાજે સમાજના છેવાડાના વર્ગ સુધી એવા અને સાંસ્કૃતિક સંદેશને પહોંચાડવાનું કાર્ય કર્યું. વ્યસનમુક્તિ, શિક્ષણપ્રસાર, આરોગ્યસેવા જેવા સમાજ સુધારના કાર્યો દ્વારા વંચિત વર્ગના લોકોના જીવનને તેમણે નવી દિશા આપી, આત્મસન્માન બક્ષ્યું. વિશ્વભરમાં માનવમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના તેઓ અગ્રીમ વાહક રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજનો મુખ્ય જન્મશતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. મહોત્સવ પૂર્વે પહેલી ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજનો 101મો જન્મદિન બીએપીએસ સંસ્થાના સમગ્ર વિશ્વમાં વસેલા અનુયાયીઓ દ્વારા ‘ઘેર ઘેર જન્મોત્સવ’ સ્વરૂપે ઉજવાયો હતો. આ પ્રસંગે હરિભક્તોએ પોતાનાં ઘરોને શણગાર્યા હતા અને ઘરના પ્રાંગણમાં રંગોળીઓનું સુશોભન કરીને દિપમાળાઓ પ્રજવલિત કરી પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પી હતી.
શતાબ્દી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે 30 નવેમ્બરે અમદાવાદમાં મહંત સ્વામી મહારાજના દર્શને આવ્યા હતાં. વ્યક્તિગત મુલાકાત બાદ પ્રમુખસ્વામી મહારાજના જન્મજંયતી પર્વે પાઠવેલા શુભેચ્છા પત્રમાં તેમણે જણાવ્યું હતુંઃ ‘પૂ. પ્રમુખસ્વામી મહારાજનું (1921-2016) સમગ્ર જીવન માનવતા અને અન્યોની સેવા માટે સમર્પિત રહ્યું. પ્રમુખસ્વામી મહારાજ પાસે કોઇ ભૌતિક સંપત્તિ નહોતી. તેમણે કંઇ પણ માંગ્યું ન હતું તે છતાં તેમણે જીવનની અંતિમ ક્ષણો સુધી નમ્રતા અને કાળજી સાથે શાંતિ અને વિશ્વાસની અમૂલ્ય ભેટ આપી.’
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લખ્યું હતું કે, સાદું જીવન જીવવાના આગ્રહી એવા પૂ. પ્રમુખસ્વામી પ્રેમ, શાંતિ, સૌહાર્દ, સચ્ચાઇ અને વિશ્વાસના સંદેશ સાથે લાખોના જીવનમાં પ્રેરણાદાયી બની રહ્યા હતા.