પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ OBEને RCGP દ્વારા ઓનરરી ફેલોશિપ એનાયત

Wednesday 02nd July 2025 05:46 EDT
 
 

લંડનઃ ધ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) દ્વારા પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ OBEને હેલ્થકેર, સંશોધનોમાં સમાનતા અને પ્રોફેશનલ લીડરશિપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાનની કદર કરીને ઓનરરી ફેલોશિપ એનાયત કરી છે. આ બહુમાન નોન-જીપીસ માટે RCGPનું સર્વોચ્ચ સન્માન છે.

મહેન્દ્ર પટેલ RPS (રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી)ના ફેલો છે, RPS ઈંગ્લિશ ફાર્મસી બોર્ડના પૂર્વ સભ્ય હોવા ઉપરાંત, RPS ના પૂર્વ ટ્રેઝરર છે. તેઓ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં ન્યુફિલ્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાઈમરી કેર હેલ્થ સાયન્સીસના સેન્ટર ફોર રિસર્ચ ઈક્વિટીના સ્થાપક ડાયરેક્ટર છે. તેઓ રાષ્ટ્રીય રિસર્ચ પોલિસીને ઘડવા, RCGP સાથે સહકાર અને યુકેમાં વ્યૂહાત્મક પાર્ટનરશિપ રચવાની કામગીરીમાં સંકળાયેલા છે. NIHRના સપોર્ટ સાથેના રેસ ઈક્વિટી ઈનક્યુબેટરના સહનેતા તરીકે તેઓ અશ્વેત અને વંશીય લઘુમતી હેલ્થકેર પ્રોફેશનલ્સની કારકિર્દીમાં સમાન પ્રગતિની સાથોસાથ સંશોધન ક્ષમતા અને મજબૂત બનાવવાના ગતિશીલ પરિબળ રહ્યા છે.

યુકે ફાર્મસી પ્રોફ્શનલ લીડરશિપ એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે મહેન્દ્ર પટેલ RPS રોયલ કોલેજ ઓફ ફાર્મસી બને તેના પ્રખર હિમાયતી રહ્યા છે. તેઓ BMJ NHS કમિશનર છે તેમજ ઈંગ્લેન્ડના ચીફ ફાર્માસ્યુટિકલ ઓફિસરના સલાહકાર છે. HSJએ તેમને વર્તમાન યુકે હેલ્થકેરમાં સૌથી પ્રભાવશાળી 50 BAME વ્યક્તિત્વોમાં એક ગણાવ્યા છે.

પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ OBEએ જણાવ્યું હતું કે, ‘RPS હવે રોયલ કોલેજ ઓફ ફાર્મસી બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે મારી કારકિર્દી અને હું પ્રતિનિધિત્વ કરું છું તે ફાર્મસી પ્રોફેશન માટે આ સૌથી ગૌરવપ્રદ પળોમાં એક છે. હું આશા રાખું છું કે આ કદર ગાઢ સહકાર, સહભાગી નેતૃત્વ અને આપણા બંને પ્રોફેશન્સના પ્રેરણાદાયી સભ્યોને તેમની કારકિર્દીના પ્રત્યેક તબક્કે પરંપરાગત સીમાઓથી આગળ વિચારવા ઉદ્દીપક બની રહેશે. જનરલ પ્રેક્ટિસ અને ફાર્મસી સામે અસાધારણ દબાણોના સમયમાં આપણા વ્યવસાયમાં સંયુક્ત વિચાર અને એકીકૃત નેતાગીરી અગાઉ કદી આટલી તાકીદની ન હતી. મારા માટે આ ફેલોશિપ લાંબી યાત્રાનું અંતિમ સ્થાન નથી, પરંતુ નવી પ્રતિબદ્ધતાનો આરંભ છે.’

RPSના પ્રેસિડેન્ટ પ્રોફેસર ક્લેર એન્ડરસને જણાવ્યું હતું કે, ‘ પ્રોફેશન અને હેલ્થકેરમાં વ્યાપક યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત ફેલોશિપ હાંસલ કરવામાં હું મહેન્દ્રને મારાં ઉષ્માસભર અભિનંદન પાઠવું છું. તેમનું કાર્ય નવી પેઢીના ફાર્માસિસ્ટ્સ અને સંશોધકોને ઈક્વિટી, ઈનોવેશન અને સહકારી નેતૃત્વ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter