બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર - પેરિસનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ બીએપીએસના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયો હતો. રવિવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે મહંત સ્વામી મહારાજે મંદિરમાં સનાતન ધર્મના વિવિધ અવતાર સ્વરૂપોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ત્યારબાદ પ્રથમ આરતી ઉતારી હતી.
વેદોક્ત વિધિપૂર્વક - શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ (ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી), ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન શ્રી સીતા-રામ, શ્રી હનુમાનજી અને લક્ષ્મણજી, ભગવાન શંકર અને પાર્વતીજી, શ્રી ગણેશજી - શ્રી કાર્તિકેયજી, સ્વામી શ્રી અયપ્પાજી, ભગવાન શ્રી પદ્માવતી-વેંકટેશ્વરજી સ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મંદિરના લોકાર્પણ પૂર્વે 2 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આ મહાયજ્ઞ 14 સપ્ટેમ્બર એટલે કે મહોત્સવના સમાપન સુધી ચાલશે.
અડધી સદી પૂર્વેનો સંકલ્પ સાકાર
આ પ્રાણપ્રતિષ્ઠા સાથે અડધી સદીથી પણ વધુ સમય પહેલાં સેવાયેલો સંકલ્પ સાકાર થયો છે. 1970માં પ.પૂ. યોગીજી મહારાજે પેરિસમાં મંદિર નિર્માણ માટે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ તેમના આધ્યાત્મિક અનુગામી પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આ સંકલ્પને પોષ્યો અને પ.પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ તે સાકાર થયો છે. આ યાત્રાનું સ્મરણ કરતાં મહંત સ્વામી મહારાજે યોગીજી મહારાજને સંબોધીને લખેલો વ્યક્તિગત પત્ર વાંચ્યો હતો અને પેરિસમાં મંદિર નિર્માણ થાય તે માટે તેમના સંકલ્પને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે પોતાને અને પ્રમુખસ્વામી મહારાજને ગુરુની ઇચ્છા પૂર્ણ કરવાના નિમિત્તરૂપ ગણાવ્યા અને મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર સૌની સેવાને યોગીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી.
વિશ્વની સુખાકારી - શાંતિ માટે પ્રાર્થના
મૂર્તિપ્રતિષ્ઠા બાદ મહંત સ્વામી મહારાજે ફ્રાન્સ અને સમગ્ર વિશ્વની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પોતાના આશીર્વચનમાં તેમણે મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, મંદિરને સાકાર કરવા પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કર્યું હતું અને સૌને મંદિરનો લાભ લેવા તથા શ્રદ્ધા અને ભક્તિથી સેવા કરવાની પ્રેરણા આપી હતી. બુસી-સેંટ-જ્યોર્જેસ અને પેરિસમાં 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ) અંતર્ગત ભક્તિમય, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મંદિરના લોકાર્પણની ઉજવણી થઈ રહી છે.
મહોત્સવ પ્રસંગે વૈદિક મહાયજ્ઞ
મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પૂર્વે 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આ મહાયજ્ઞ 14 સપ્ટેમ્બર એટલે કે મહોત્સવના સમાપન સુધી ચાલશે. જેમાં વિવિધ દેશોના પરિવારો ભાગ લઈ પ્રાર્થના, ભક્તિ અને સેવાના ભાવ સાથે ફ્રાન્સમાં હિન્દુ ધર્મના આ ઐતિહાસિક નવા અધ્યાયમાં સહભાગી બનશે. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞમાં વિશ્વભરમાંથી આવેલા યજમાનો અને ભક્તોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી. યજ્ઞવિધિ દ્વારા વિશ્વશાંતિ અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.


