બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો શુભારંભ થયો છે. પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે યોજાયેલા ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ કલ્ચરના અવસરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ શનિવારે બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે આવી પહોંચતા વરિષ્ઠ સંતો અને હરિભક્તોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં સાકાર થયેલા પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં છ સપ્ટેમ્બર - રવિવારે લોકાર્પણ થવાનું છે તેના ભાગરૂપે ફેસ્ટિવલ ઓફ કલ્ચર દરમિયાન 2 થી 14 સપ્ટેમ્બર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજનું પેરિસ આગમન આ મંદિરના સંકલ્પથી લઈને નિર્માણની આજ સુધીની યાત્રાનું અનોખું સીમાચિહ્ન છે. મહંત સ્વામી મહારાજે નવનિર્મિત મંદિરનું પ્રથમ વખત અવલોકન કર્યું હતું. સાથે-સાથે તેમણે 10 એકરમાં પથરાયેલા મહોત્સવ પરિસર ‘સ્વામિનારાયણ નગર’ની પણ મુલાકાત લીધી હતી, જે મહોત્સવ દરમિયાન અપેક્ષિત હજારો મુલાકાતીઓના સ્વાગત માટે નિર્માણ કરાયું છે. યુરોપ તથા વિશ્વભરમાંથી આવેલા સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવા એકત્ર થયા હતા. મંદિર ખાતે યુરોપના વિવિધ દેશોમાંથી આવેલા ભક્તોએ માર્ગની બંને બાજુ ઊભા રહી તેમનું સ્વાગત કર્યું હતું. પારંપરિક નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા મહંત સ્વામી મહારાજના સ્વાગત સમયે અનોખો આનંદમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
મંદિરે ખાતે બીએપીએસ-યુકે અને યુરોપ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો, બીએપીએસ-પેરિસ મંદિરના નિર્માણમાં તેમજ 13 દિવસીય મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર પ્રતિનિધિઓએ વિધિવત્ રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું.
પેરિસ મંદિર એટલે દીર્ઘકાલીન સંકલ્પ અને
સમર્પિત પ્રયાસોની પરિપૂર્ણતાનું પ્રતીક
આ મંદિર એ દીર્ઘકાલીન સંકલ્પ તથા હજારો ભક્તો, સ્વયંસેવકો અને સહયોગીઓના વર્ષોના સમર્પિત પ્રયાસોની પરિપૂર્ણતાનું પ્રતીક છે. ભારતમાં નિર્મિત અને ફ્રાન્સમાં એસેમ્બલ કરાયેલું આ મંદિર ઉપાસના, શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાના સ્થાન તરીકે સાકાર થયું છે, જે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકોનું સ્વાગત કરે છે.
ફેસ્ટિવલ ઓફ કલ્ચરના ઉપક્રમે શ્રદ્ધા, વારસો, સેવા અને બંધુત્વ પર કેન્દ્રીત ભક્તિમય, સાંસ્કૃતિક અને પારિવારિક પ્રવૃત્તિઓના કાર્યક્રમોમાં વિશ્વભરમાંથી 10 હજારથી વધુ લોકો સામેલ થશે.
મહોત્સવના મુખ્ય જાહેર આકર્ષણોમાં 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી નગરયાત્રાનો સમાવેશ થાય છે. જે એફિલ ટાવરથી શરૂ થઈ મધ્ય પેરિસમાંથી પસાર થશે. આ ભવ્ય સાંસ્કૃતિક અને ભક્તિમય શોભાયાત્રામાં 5000 કરતાં વધુ સહભાગીઓ અને કલાકારો, પારંપરિક સંગીત અને નૃત્ય તેમજ ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરતાં 14 સુશોભિત રથો સામેલ હશે.
આ ઉપરાંત 3 સપ્ટેમ્બરના રોજ વિશિષ્ટ જલયાત્રા યોજાશે, જેમાં 11 સુશોભિત નૌકાઓનો એક ભક્તિમય કાફલો સેન નદી પર હિન્દુ પરંપરા તથા ભારત-ફ્રાન્સ વચ્ચેની ચિરસ્થાયી મૈત્રીનું દર્શન કરાવશે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થતિમાં અને તેમના અધ્યક્ષસ્થાને પેરિસ મંદિર મહોત્સવની વિવિધ પારંપરિક વિધિઓ અને અન્ય કાર્યક્રમો યોજાશે. તેમનું પેરિસ આગમન બીએપીએસ અને ફ્રાન્સમાં હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો તથા બીએપીએસ પેરિસ મંદિરના એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાન તરીકેના નવા યુગનો શુભારંભ છે.


