લંડનઃ ધ ઈન્ડિયન એસોસિયેશન ઓલ્ડહામ ડાન્સિંગ દિયાઝ સપ્ટેમ્બર મહિનામાં મહત્ત્વપૂર્ણ સ્ટ્રીટ આર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા બાર્સેલોના જઈ રહ્યું છે. ઓલ્ડહામ ડાન્સિંગ દિયાઝના નર્તકો સેડલવર્થ વિમેન્સ મોરિસ એન્ડ ક્લોગ સાથે હાથ મિલાવી તેમની વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓને પ્રદર્શિત કરવાં તદ્દન નવા જ નૃત્યને પ્રસ્તુત કરશે. 20-60 વયજૂથના આ પરફોર્મર્સ ઉત્તર સ્પેનમાં કેટાલોનિઅન રાજધાનીનો પ્રવાસ ખેડી આ વિસ્તારના સૌથી મોટા અને લા મર્સી નામે ઓળખાતા વાર્ષિક સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ભાગ લેશે.
મોસલેસ્થિત આંતરરાષ્ટ્રીય કાર્નિવલ આર્ટ્સ સંસ્થા ગ્લોબલ ગ્રૂવ્ઝ દ્વારા આ બંને નૃત્ય જૂથોને સાથે લવાયા છે. તેઓ બે મહિનાના સમયગાળામાં બંને નૃત્યજૂથોની નૃત્યશૈલીઓને ચમકવાની તક સાંપડે તેવા અનોખા ટુંકા નૃત્યના સર્જન અને પ્રસ્તુત કરવા બ્રાઝિલિયન કોરિઓગ્રાફર એડ્રિઆન્ના રોસો સાથે કામ કરશે. નર્તકોની સાથે જ સંગીતકારો જેક ટિન્કર અને એમા માર્શ પરફોર્મન્સ માટે નવી જ સંગીતધૂન પર કામ કરી રહ્યા છે, જે ભારતીય અને બ્રિટિશ લોકબોલીઓના તત્વોનું અન્ય વૈશ્વિક પ્રભાવોની સાથોસાથ મિશ્રણ કરશે. એકબીજાના પરફોર્મન્સીસને નિહાળતા ડાન્સરોએ તેમના નૃત્યોમાં છડી કે લાકડીના ઉપયોગ સહિત અનેક સમાનતા જોવાં મળતાં ભારે રોમાંચ અનુભવ્યો હતો.
ગ્લોબલ ગ્રૂવ્ઝના પ્રોડ્યુસર ફ્રેયા બેનેટ- નિલ્સને જણાવ્યું હતું કે,‘બંને નૃત્યજૂથ સાથે મળીને તેમની આગવી સાંસ્કૃતિક પદ્ધતિઓ, વ્યવહારો તેમજ કથાઓની આપ-લે થકી સામાન્યતા શોધી રહ્યા છે. શૈલીઓના મિશ્રણના બદલે તેઓ એવી કોરિઓગ્રાફી વિકસાવી રહ્યા છે જે બંનેની વિશિષ્ટ ઓળખ અને સહભાગી મૂલ્યોને પ્રતિબિંબિત કરે. અમે હજુ પ્રાથમિક તબક્કાઓમાં છીએ, પરંતુ બંને જૂથો એકબીજાની નૃત્ય પરંપરાઓને સન્માન આપે છે અને બંનેનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તેવા નૃત્યનું સર્જન કરવા સાથે કામ કરી રહ્યા છે જે નિહાળવાનું ખરેખર સરસ છે.’
2020થી પરફોર્મ કરી રહેલાં ભારતીય નૃત્યજૂથ ડાન્સિંગ દિયાઝના મુખ્ય કોરિઓગ્રાફર કરુણા મોહનદાસે જણાવ્યું હતું કે,‘ મોરિસ ડાન્સિંગ વિશે વધુ જાણવાનું રસપ્રદ છે. નોર્થ વેસ્ટમાં ઉછરી હોવાથી મે પહેલા તેને નિહાળ્યું જ છે, પરંતુ મોરિસ સાઈડની તમામ નૃત્યાંગનાઓ સાથે નિકટતાથી કામ કરવું તે અનોખો અનુભવ છે. ભારતીય લોકનૃત્યો અને મોરિસ વચ્ચે અનોખી સમાનતાઓ તેમજ રસપ્રદ તફાવતો પણ અમને જોવાં મળ્યાં છે. ડાન્સિંગ દિયાઝે અગાઉ ઈલ્યુમિનેટ અને ફેસ્ટિવલ ઓલ્ડહામ જેવા ઈવેન્ટ્સમાં પરફોર્મ કર્યું છે.’
જાન્યુઆરી 2024માં સ્થપાયેલી સેડલવર્થ વિમેન્સ મોરિસ એન્ડ ક્લોગ સંસ્થાની અગ્રેસર લૌરા કેમ્પ-સ્મિથે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. ઓલ્ડહામ કાઉન્સિલમાં કેબિનેટ મેમ્બર ફોર કલ્ચર એન્ડ લેઈઝર કાઉન્સિલર પીટર ડીને ઓલ્ધામના નર્તકો અને સાંસ્કૃતિક સંસ્થાઓ વૈશ્વિક તખતા પર પ્રતિનિધિત્વ કરે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટને માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ અને XTRAXનો સહયોગ હોવા સાથે ગ્રેટર માન્ચેસ્ટર કમ્બાઈન્ડ ઓથોરિટી, જીએમ આર્ટ્સ, ઓલ્ડહામ કાઉન્સિલ અને ટેમસાઈડ મેટ્રોપોલીટન બરો કાઉન્સિલ દ્વારા ભંડોળ પ્રાપ્ત થયું છે.