બીએપીએસ નિસ્ડન મંદિરે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઉજવણી

Tuesday 04th April 2023 16:12 EDT
 
 

લંડનઃ વિશ્વભરના લાખો હિંદુઓ માટે ચૈત્ર શુક્લ નોમ (આ વર્ષે 30 માર્ચ)નું વિશેષ મહત્ત્વ છે. હજારો વર્ષો પહેલા આ તિથિએ ભગવાન શ્રી રામ અવતર્યા હોવાથી આ દિવસ રામનવમી તરીકે ઉજવવામાં આવે છે તો 1781માં આ જ તિથિએ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ પર્વે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-લંડન ખાતે વિવિધ સમારંભો અને ઉત્સવો યોજાયા હતા. આખો દિવસ મંદિરે ભક્તજનોનો પ્રવાહ વહેતો રહ્યો હતો. આ પ્રસંગે ભક્તિસંગીત અને પ્રવચન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. બપોરે ભક્તજનોએ ભગવાન શ્રી રામના દિવ્ય જન્મ પ્રસંગે ધરાવાયેલા અન્નકુટ અને આરતીનો લાભ લીધો હતો. જ્યારે સાંજે યુવાનો અને સ્વામીઓએ ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રજીના જીવન-કાર્યોને આવરી લેતા ભક્તિ ગીતો અને પ્રવચનો થકી તેમના પ્રભાવશાળી જીવન અને આધ્યાત્મિક વારસાની રજૂઆત કરી હતી.  રાત્રે 10.10 કલાકે ભગવાનશ્રી સ્વામિનારાયણની વિશેષ આરતી સાથે દિવસભરના ધાર્મિક આયોજનોની પૂર્ણાહૂતિ થઇ હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉત્તર ભારતના નાનકડા છપૈયા ગામમાં ભક્તિમાતાની કૂખે આ સમયે જન્મ લીધો હતો. (ફોટોઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા-લંડન)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter