અમદાવાદઃ શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘સરસ્વતી સન્માન 2024’ એવોર્ડ એનાયત કરાયો હતો.
વર્ષ 2022માં પ્રકાશિત તેમના સંસ્કૃત ગ્રંથ ‘સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા’ માટે તેમને આ પ્રતિષ્ઠિત સન્માન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત ભાષામાં કોઈ કૃતિ માટે આ એવોર્ડ 22 વર્ષ બાદ અપાયો છે. સાહિત્ય, કલા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સ્થાપિત કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા ભારતીય બંધારણ દ્વારા સૂચિબદ્ધ 22 ભાષાઓમાંથી કોઈપણ એક ભાષામાં શ્રેષ્ઠત્તમ કૃતિ માટે આ એવોર્ડ અપાય છે.
આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના ગવર્નર આચાર્ય દેવવ્રતજી; સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ તથા એવોર્ડની સિલેક્શન કમિટીના ચેરમેન અર્જુનકુમાર સિકરી, કે.કે. બિરલા ફાઉન્ડેશનના ડિરેક્ટર ડો. સુરેશભાઈ ઋતુપર્ણા, લાલબહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મુરલીમનોહર પાઠક, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને બીએપીએસના વરિષ્ઠ સંત અને ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીજી અને બીએપીએસ હિન્દુ મંદિર-અબુધાબીના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીજી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં અર્જુનકુમાર સિકરીના હસ્તે પૂ. ભદ્રેશદાસ સ્વામીજીને સરસ્વતી સન્માન એવોર્ડ એનાયત કરાયો હતો.
આ પ્રસંગે કે.કે. બિરલા ફાઉન્ડેશનના ડિરેક્ટર સુરેશભાઈ ઋતુપર્ણાજીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘સરસ્વતી સન્માન એ સાહિત્ય ક્ષેત્રનું દેશનું સર્વોચ્ચ સન્માન છે. મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી લીખીત સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા પુસ્તકને 34મા સરસ્વતી સન્માન માટે પુરસ્કૃત કરવામાં આવ્યું છે. મા સરસ્વતી તેઓને સદાય આવું લખતા રહેવાની પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના. આજે સાહિત્ય ક્ષેત્રનું સર્વોચ્ચ સમ્માન એક સંતને અપાઇ રહ્યું છે અને મને એ સમજાતું નથી કે આ સન્માન આપીને આપણે એમનું સન્માન કરીએ છીએ કે સંત દ્વારા આ એવોર્ડનું સન્માન કરી રહ્યા છીએ!’
તેમણે કહ્યું હતું કે ખૂબ જ ઊંડાણપૂર્વકના મનોમંથન બાદ 22 ભાષાઓના પુસ્તકોનું વિશ્લેષણ કર્યા બાદ આ પુસ્તકની પસંદગી કરવામાં આવી છે, કારણ કે તમામ પુસ્તકો કરતાં આ પુસ્તક સર્વોચ્ચ તેમજ અનન્ય હતું. ભદ્રેશદાસ સ્વામીની કૃતિને સન્માનવાનો અમે જે નિર્ણય લીધો તે સર્વથા યોગ્ય છે એવું મને પ્રતીત થઈ રહ્યું છે. આજે આ સન્માન આપીને અમે ગર્વ અનુભવીએ છીએ કારણકે તમે માનવતા માટે ઉત્તમ કાર્ય કર્યું છે.
પૂ. ડો. ભદ્રેશદાસ સ્વામીજીએ આ સન્માન ગુરુવર્યો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણે સમર્પિત કરતાં જણાવ્યું, ‘એક ચંચળ બાળકને એક સંતનું મિલન થાય છે અને સંતે તે બાળકને સંસ્કૃત ભણવાની પ્રેરણા આપી, તેને સંસ્કૃત ભણાવવાનું ચાલુ કર્યું પણ તે બાળકની ચંચળતા પણ ચાલુ હતી. તે સંત પાસે તે બાળકની ઘણી ફરિયાદો પણ જતી અને તે સંત પુણ્યપ્રકોપ પણ કરતા હતા. તે સંતે એ બાળકને ભણાવ્યો અને સંતે તે બાળકને ભાષ્ય લખવાની પ્રેરણા આપી અને આજે એ જ બાળકનું સન્માન કરવા ભારત સરકારના રાજ્યપાલ તેમજ સુપ્રીમ કોર્ટના નિવૃત વકીલ હાજર રહ્યા છે. તે સંત એટલે આપણા પ્રમુખ સ્વામી મહારાજ હતા અને આ સન્માન પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના પુરુષાર્થ ને મળી રહ્યું છે. આ સન્માન ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું અને ભારતની દાર્શનિક પરંપરાનું છે. આ સન્માન એક પવિત્ર જવાબદારી છે.’
બીએપીએસ હિન્દુ મંદિર-અબુ ધાબીના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, ‘છેલ્લા 33 વર્ષમાં ઘણા મહાનુભાવોને આ સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ પ્રથમ વખતે આ સન્માન એક સાધુને મળી રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને સતત બળ અને પ્રેરણા આપી છે અને મહંત સ્વામી મહારાજે તેઓનું પોષણ કર્યું છે. તમે આજે આ સન્માન આપીને સમગ્ર ભારત સાધુ સમાજનું સન્માન કર્યું છે. 1985 માં 40 વર્ષ પહેલા સપ્ટેમ્બર મહિનામાં આજ અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે - આપને કયો વિચાર વારે વારે આવે છે? ત્યારે તેઓએ કહ્યું કે મને કયો વિચાર ક્યારેય નથી આવ્યો તે કહું છું. ત્યારે તેઓએ કહ્યું કે મને ક્યારેય કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો નથી અને એ જ વિચારનું પ્રતિબિંબ પૂ. ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચિત અને સન્માનિત સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથના લેખનમાં જોવા મળે છે જેમાં કોઈની ટીકા કરવામાં આવી નથી. આ પુસ્તકનો પ્રભાવ civilizational – સભ્યતાગત છે.’
બીએપીએસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું, ‘ભદ્રેશદાસ સ્વામી જ્યારે દીક્ષા લેવા આવ્યા ત્યારે તેઓ ખૂબ ચંચળ હતા પરંતુ પ્રમુખ સ્વામીરૂપી સાચા માર્ગદર્શક મળ્યા તો આજે આપણે જોઈએ શકીએ છીએ કે તેઓને આજે કેવા સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડી દીધા છે. પ્રમુખ સ્વામી મહારાજે તેઓને પ્રસ્થાનત્રયી ગ્રંથ લખવા માટે પસંદગી કરેલી અને આજે તેઓનું સન્માન થઈ રહ્યું છે.’
ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું, ‘કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આજે આ સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે હું આજે ભદ્રેશદાસ સ્વામી અને આ ગ્રંથને વંદન કરું છું. ભદ્રેશદાસ સ્વામી દ્વારા દાર્શનિક પરંપરાનું વહન થઈ રહ્યું છે. પ્રસ્થાનત્રયી દ્વારા અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગીતામાં જે માર્ગદર્શન અપાયું છે તે આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જન સુલભ બનાવવામાં આવી રહ્યું છે. આપણો દેશ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે જે વસુધૈવ કુટુમ્બકમ તેમજ સર્વે ભવન્તિ સુખીનઃની ભાવના શીખવાડે છે. ભદ્રેશદાસ સ્વામી દ્વારા લખેલા દર્શન શાસ્ત્રનું ચિંતન એ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. આપણા શાસ્ત્રો મનુષ્યોના જીવનમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જાગ્રત કરે છે. આપણા જીવનનું પરમ લક્ષ્ય ધર્મ અર્થ કામ દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે. ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચિત આ ગ્રંથની રચના સમગ્ર માનવજાતની ભલાઈ માટે છે.’
આ સમારોહ સમાજમાં શાંતિ, સમાનતા અને વૈશ્વિક ધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપતા તત્વજ્ઞાન અને સંસ્કૃત સાહિત્યના યોગદાનને ઉજાગર કરતો બની રહ્યો હતો. રાષ્ટ્રગાન અને આરતી સાથે સમારોહનું સમાપન થયું હતું.


