ગોંડલઃ બીએપીએસ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રાજસ્થાનમાં વિચરણ કર્યા બાદ 15 ઓક્ટોબરથી ગોંડલ પધારી રહ્યા છે. ગોંડલમાં તેઓ શ્રી અક્ષર મંદિર ખાતે મુકામ કરશે. પ્રતિ વર્ષ મહંત સ્વામી મહારાજના સાન્નિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી અને નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ હરિભકતોમાં અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર અક્ષર મંદિરનાં પરિસરને ખૂબ જ સુંદર રીતે રોશની તેમજ કમાન દ્વારા શણગારવામાં આવ્યું છે.
પ.પૂ. મહંતસ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી 07 નવેમ્બર સુધી શ્રી અક્ષર મંદિર ખાતે બિરાજી ભક્તોને વિવિધ ઉત્સવોમાં સત્સંગ લાભ આપનાર છે. પ.પૂ. મહંત સ્વામી અનુકૂળતા મુજબ સવારે 6:00 કલાકે ઠાકોરજીના પૂજા દર્શન કરશે અને સાંજે 5:30 કલાકે સત્સંગ સભામાં દર્શનનો લાભ આપશે.
મહંત સ્વામી મહારાજના પૂજા દર્શનપૂર્વે પૂ. આદર્શજીવન સ્વામી મહંત ચરિતમ આધારિત કથામૃતનું પાન કરાવશે. આ અવસરે દેશ-પરદેશથી હજારો હરિભક્તોનો પ્રવાહ અક્ષર મંદિર ખાતે પધારનાર છે.