બીએપીએસની ચારમાંથી બે રવિ સભા હવે મંદિરમાં યોજવા નિર્ણય

Friday 05th June 2026 06:29 EDT
 
 

અમદાવાદઃ ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા પ્રતિબંધો બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની તંગી વચ્ચે હવે તેની અસર ધાર્મિક સંસ્થાઓમાં પણ જોવા મળી રહી છે. બીએપીએસ સંસ્થાએ ઇંધણ અને વીજળી બચત માટે 11 મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. સંસ્થાએ મોટાં શહેરોમાં દર મહિને યોજાતી ચાર રવિસભામાંથી હવે માત્ર બે જ મંદિરમાં યોજવાનો નિર્ણય લીધો છે, જ્યારે બાકીની બે સભા ઓનલાઈન કરાશે.ગુરુપૂર્ણિમા સહિત મોટા સમૈયા અને ઉત્સવોનું પણ ઓનલાઈન પ્રસારણ કરવામાં આવશે. સ્થાનિક જિલ્લા અને વિસ્તારના હરિભક્તોને જ ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. સંસ્થાએ યાત્રા-પ્રવાસ, કેમ્પ અને મોટા આયોજનો હાલ પૂરતા બંધ રાખ્યા છે. રવિસભા અને અન્ય કાર્યક્રમોમાં ખીચડી કે સાદું ભોજન જ મહાપ્રસાદ તરીકે આપવામાં આવશે. હરિભક્તોને કાર શેરિંગ, બિનજરૂરી પ્રવાસ ટાળવા, વીજળી બચાવવા અને ઘરે પણ સાદું ભોજન અપનાવવા અપીલ કરાઈ છે. મંદિરોના કોઠારી અને ભંડારી સંતોને પણ ખર્ચ અને સંસાધનો બચાવવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.સંસ્થાના આ નિર્ણયોને દેશની વર્તમાન પરિસ્થિતિમાં ‘ધાર્મિક સ્તરે સંયમ અભિયાન’ તરીકે જોવામાં આવી રહ્યા છે. હરિભક્તોમાં પણ આ નિર્ણયને લઈ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અનેક પરિવારો હવે મંદિરોની સાથે ઘરે પણ સાદગીપૂર્ણ જીવનશૈલી અને બચતના સંદેશને અમલમાં મૂકી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter