મુંબઇઃ આજકાલ એઆઈના જમાનામાં ચેટજીપીટી, ગ્રોક સહિતનાં એઆઈ પ્લેટફોર્મ પર લોકો વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. એ જ રીતે ધર્મ અને ચિંતન સહિતના અનેકાનેક વિષયો પર સવાલો પૂછતાં જ મહાન આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ જાણે તેનો જવાબ આપતા હોય તેવાં અનોખાં ઈન્ટરેક્ટિવ પ્લેટફોર્મની શરૂઆત થઈ છે. મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા તેને 100વર્ષ પૂર્ણ થયા છે પરંતુ હવે આ ડિજિટલ પ્લેટફોર્મ થકી મહારાજ સાહેબ ડિજિટલ સ્વરૂપે ભાવિકો અને જિજ્ઞાસુઓની શંકાનું સમાધાન કરવા જાણે ફરી ઉપસ્થિત થયા છે. મહારાજ સાહેબનાં અનેક ગ્રંથો તો ઉપલબ્ધ છે જ પણ www.askbuddhisagarji.com પ્લેટફોર્મ પરથી મહારાજ સાહેબને જાણે સવાલ કરો કે તરત જ રેફરન્સ સાથે તેનો વિગતવાર જવાબ મળે છે. મહુડી જૈન તીર્થના સ્થાપક યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજાની 100મી પૂણ્યતિથિ અને દોઢસોમી જન્મજયંતી નિમિત્તે તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં ‘આસ્કબુદ્ધિસાગરજી’ વેબસાઈટ લોન્ચ કરાઇ હતી. ગુરુસ્મૃતિચાંદીના સિક્કા તેમજ પોસ્ટલ ટિકિટ કવરબહાર પાડવામાં આવ્યું હતું.