લંડનઃ બેસ્ટવે ગ્રૂપની 50મી વર્ષગાંઠે ગુરુવાર 10 જુલાઈએ રોયલ આલ્બર્ટ હોલમાં 800થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગ્રૂપના સ્થાપક સર અનવર પરવેઝ OBE, H Pkને આદરપૂર્વક સન્માનિત કરાયા હતા. ડેરમોટ ઓ’ લીએરીના યજમાનપદે પાર્લામેન્ટેરિયન્સ અને પરિવારના મિત્રો સહિત મહાનુભાવોએ બ્રિટનમાં સૌથી પ્રેરણાદાયક એન્ટ્રેપ્રીન્યોર્સમાં એક સર પરવેઝની નોંધપાત્ર સાહસયાત્રાને બિરદાવી હતી.
સર અનવર પરવેઝે નિર્ણાયકતા સાથે યુકેના સૌથી સફળ અને સામાજિક રીતે જવાબદાર બિઝનેસ સામ્રાજ્યની સ્થાપના કરી હતી જેમાં આજે વિશ્વભરમાં 50,000થી વધુ લોકો રોજગારી મેળવે છે.
બેસ્ટવે ગ્રૂપના ચેરમેન અને સર અનવરના ભત્રીજા લોર્ડ ઝમીર ચૌધરી CBE SI (Pk)એ સ્વાગત પ્રવચનમાં 1956માં પાકિસ્તાનથી આવેલા સર અનવર દ્વારા યુકેમાં સફળ બિઝનેસ સામ્રાજ્યની સ્થાપનાની યાત્રા જણાવી હતી. સર અનવરે 1963માં પ્રથમ રિટેઈલ સ્ટોર ખોલ્યો હતો અને તે પછી બેસ્ટવે ગ્રૂપ અને બેસ્ટવે ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર લોર્ડ ડેવિડ કેમરને પણ સર અનવરના સાહસ, ઉદારતા અને સેવાના આજીવન મૂલ્યોને આદરાંજલિ આપવા સાથે કોમ્યુનિટીમાં માન્યતા અને મૂલ્યોને હાઈલાઈટ કર્યા હતા.
આ પ્રસંગે કેથેરાઈન જેન્કિન્સ OBE, ખાસ પાકિસ્તાનથી આવેલા જાણીતા ગાયક રાહત ફતેહ અલી ખાન તેમજ ડેવિડ મેહોનેના બેટન હેઠળ નોવેલો ઓરક્રેસ્ટા સાથે સ્ટ્રીંગ ક્વાર્ટેટ એસ્કાલાના પરફોર્મન્સીસે રંગત જમાવી હતી.