લંડનઃ બ્રહ્મા કુમારીઝ દ્વારા લંડનના ગ્લોબલ કોઓપરેશન હાઉસ ખાતે સંગીત, નૃત્ય અને આધ્યાત્મિક ઉપદેશો અને ‘મેજિક ફ્લ્યુટ ધેટ ચાર્મ્ડ ધ યુનિવર્સ- એ ડિવાઈન મેલડી’ થીમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.
ઈવેન્ટનો આરંભ મધુસુદાનન સત્ચિદાનંદન દ્વારા મંત્રમુગ્ધ કરનારા વાંસળીવાદન સાથે કરવામાં આવ્યો હતો. આ પછી, શ્રી કૃષ્ણાના જન્મના પ્રતીકરૂપે વિઝ્યુઅલ અને નૃત્યદૃશ્યાવલિ પ્રસ્તુત કરાઈ હતી. કવિતા ગુપ્તા અને તેમના ગ્રૂપ દ્વારા ચિત્તાકર્ષક નૃત્યે દર્શકોને શ્રીકૃષ્ણના સુવર્ણયુગની ઝાંખી કરાવી હતી. MC ઋત્વિકે વૈશ્વિક રૂપાંતરના સાધનો સ્વરૂપે પ્રેમ, શાંતિ અને આનંદના દિવ્ય ગુણો વિશે શ્રીકૃષ્ણના ઉપદેશ પર ચિંતનાત્મક રજૂઆત કરી હતી.
બ્રહ્મા કુમારીઝના સંયુક્ત વહિવટી વડા સુદેશ દીદીનું સંબોધન નોંધપાત્ર બની રહ્યું હતું. સુદેશ દીદીએ શ્રીકૃષ્ણની વાંસળી કેવી રીતે ગીતાનું શાશ્વત જ્ઞાનનું પ્રતીક છે, કર્મનો સિદ્ધાંત અને નિષ્કામ કર્મ વિશે સમજાવ્યું હતું. તેમણે ભગવદ્ ગીતાના ત્રણ મહત્ત્વના શ્ર્લોકો • આત્મા અવિનાશી છે – (અધ્યાય 2, શ્લોક 23) • પરમ, સર્વોચ્ચ આત્મા – (અધ્યાય 13, શ્લોક 18) અને • કર્મ અને નિઃસ્વાર્થ કાર્ય– (અધ્યાય 2, શ્લોક 47)ની સમજ આપી હતી. ધ્યાન અને અભિવ્યક્ત નૃત્ય થકી શ્લોકોને જીવંત બનાવાયા હતા.
સમાપન નૃત્ય અને તેની સાથે પ્રસરેલા મૌનથી મહેમાનોએ સ્વજાગૃતિ, દિવ્ય સંપર્ક તથા પ્રેમ, શાંતિ અને સત્યથી તરબોળ વિશ્વમાં આધ્યાત્મિક યાત્રા સ્વરુપે જન્માષ્ટમીનો અનોખો અનુભવ કર્યો હતો.