લંડનઃ બ્રહ્મા કુમારીઝ યુકે દ્વારા સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાની જાન્યુઆરીમાં ચિરવિદાયની વર્ષગાંઠ નિમિત્તે લંડનમાં ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ ખાતે ‘ધ લાઈટ રિટર્ન્સ’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મા કુમારીઝ યુકે યુટ્યૂબ ચેનલ મારફત તેનું જીવંત પ્રસારણ કરાયું હતું જેનો લાભ ઓનલાઈન ઓડિયન્સે લીધો હતો.
ઈવેન્ટના મહેમાનોમાં બ્રહ્મા કુમારીઝના પ્રથમ મુલાકાતીઓઅને દીર્ઘકાલીન સમર્થકોની નોંધપાત્ર હાજરી હતી. સેંકડો લોકો ઓનલાઈન જોડાયા હતા. બીકે રાચેલ પ્રિસ્ટમેને મહેમાનોનું સ્વાગત કરવા સાથે 1930ના દાયકામાં ભારતમાં સ્થાપના અને 90 વર્ષના ઈતિહાસ તેમજ 120થી વધુ દેશમાં તેની વર્તમાન હાજરીનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમનો વિષય ‘મારા જીવનમાં પ્રકાશના પરત ફરવા સાથે શું થાય છે?’ પ્રશ્ન સંદર્ભે હતો. ઈવેન્ટમાં પીસ રિસર્ચના પ્રોફેસર અને ગ્લોબલ હ્યુમનિટી ફોર પીસ ઈન્સિટિટ્યૂટના ડાયરેક્ટર પ્રોફેસર સ્કેરટો ગિલ, બ્રહ્મા કુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ વડા અને યુએમાં લાંબા સમયના પ્રતિનિધિ સિસ્ટર જયંતી તેમજ આધ્યાત્મિક પ્રેક્ટિશનર તથા ઈન્ટરફેઈથ અને યુથ ઈનિશિયેટિવ્ઝ સાથે ગાઢપણે સંકળાયેલા માર્કેટિંગ પ્રોફેશનલ જીન ડી સિલ્વા વચ્ચે મનનીય વાર્તાલાપ સર્જાયો હતો.
સિસ્ટર જયંતી દ્વારા માર્ગદર્શિત ધ્યાન સાથે સાંજનો આરંભ કરાયો હતો. સિસ્ટર જયંતીએ પાર્ટિસિપેન્ટ્સને અંતરમાં ઝાંખવા, શાંતિ સ્વરુપે આત્માનો અનુભવ કરવા તેમજ સુરક્ષા, ઉષ્મા અને આંતરિક પ્રકાશના વાતાવરણ સાથે સંયોજાવા આમંત્રિત કર્યા હતા. આનાથી નતિ અને રિસેપ્ટિવિટીના વાતાવરણ સાથે સંવાદનો માહોલ રચાયો હતો.
પ્રોફેસર સ્કેરટો ગિલે આંતરિક સ્થિરતાની ક્ષણો અને દૈનિક જીવનના દબાણો વચ્ચે વિરોધાભાસના સ્વીકાર સાથે સંવાદનો આરંભ કર્યો હતો. વૈશ્વિક અચોક્કસતા, વર્કપ્લેસના દબાણો તથા સામાજિક અને પર્યાવરણીય પડકારો મધ્યે આશા અને પ્રકાશને કેવી રીતે જાળવી શકાય તે વિશે ચિંતન રજૂ કર્યું હતું. જીન ડી સિલ્વાએ ગતિશીલ કોર્પોરેટ વાતાવરણમાં કામ કરવાની ઈનસાઈટ્સ પૂરી પાડી હતી તેમજ આધ્યાત્મિક જાગૃતિથી દબાણમાંથી પાર ઉતરવામાં કેવી મદદ મળતી હતી તેના વિશે તથા પ્રાર્થના, ઈરાદાઓ અને સેવાની દૈનિક પ્રેક્ટિસથી દિવ્યતા સાથે સંકળાવા વિશે પણ જણાવ્યું હતું.
સિસ્ટર જયંતીએ માનવજાત અંધકાર અને પ્રકાશના સમયગાળામાંથી પસાર થવા વિશે જણાવી વર્તમાન ઉથલપાથલ હોવાં છતાં વિશ્વ પ્રકાશના નવા તબક્કા તરફ પ્રયાણ કરી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુવર્ણયુગ અથવા સુસંવાદિતાકાળ વિશે જણાવતી સાર્વત્રિક આધ્યાત્મિક પરંપરાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આવા સહભાગી નેરેટિવ્ઝ માનવચેતનામાં ઊંડે સુધી ધરબાયેલા ઊંડા સત્ય તરફ અંગૂલિનિર્દેશ કરે છે. સિસ્ટર જયંતીએ રિએક્ટિવિટી ઘટાડવા, ધીરજ અને અનુકંપા કેળવવા તેમજ ભાવાત્મક નહિ પરંતુ ચેતનાત્મક પ્રતિભાવ આપવા પર ભાર મૂક્યો હતો.


