બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 6 દિવસ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Tuesday 15th September 2026 15:15 EDT
 
 

લંડનઃ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સુદેશ દીદી અને સિસ્ટર જયંતી સાથે ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, લંડન ખાતે બુધવાર 26 ઓગસ્ટથી સોમવાર 31 ઓગસ્ટ 2026 સુધી 6 દિવસ સત્ય, રક્ષા, પ્રેમ અને આઝાદીની ઉજવણી કરતા રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરોડો લોકો દ્વારા ઓગસ્ટ મહિનામાં ઉજવાતો સ્મરણીય ઉત્સવ રક્ષાબંધન વ્યક્તિઓ વચ્ચે દિવ્ય બંધન, આપણને સહુને સાંકળતા, રક્ષા કરતા અને એકતા દર્શાવતા બંધુત્વની ભાવનાનું મહામૂલુ પ્રતીક છે. 6 દિવસના આ શાંત અને ધ્યાનાત્મક રક્ષાબંધન પર્વમાં દિવ્યતા સાથે આત્માના જોડાણના પ્રતીક સ્વરૂપે જમણા હાથ પર 2200થી વધુ રાખી બાંધવામાં આવી હતી. આ એવું બંધન છે જે આપણને અન્ય બંધનોમાંથી મુક્ત કરે છે. આ માત્ર તહેવાર કે દોરો બાંધવાની વિધિ નથી, આ પવિત્રતાના બંધન તેમજ આત્મસન્માન અને આધ્યાત્મિક શક્તિ સાથે જીવવાની પ્રતિબદ્ધતા છે.

સુવર્ણ યુગના એક રાજ્યની કલ્પના સાથે સુંદર રીતે શણગારાયેલા સ્ટેજ પર જળધોધો અને હંસોથી ઘેરાયેલા સ્વર્ગને દર્શાવતા મહેલની રચના કરાઈ હતી જે પવિત્રતા, એકતા અને નવા વિશ્વના વિશ્વાસ પર કેન્દ્રિત ઉજવણીને બંધબેસતી કલ્પના હતી.

સમગ્ર ઉત્સવ દરમિયાન, ઘણા મહેમાનો યુરોપ અને દૂરના સ્થળોએથી અહીં રહેવા તેમજ વિવિધ ધર્મોના અને સ્થાનિક કોમ્યુનિટી અગ્રણીઓ, મુલાકાતે આવ્યા હતા, જેમાં ઋષિકેશથી હિમાલયના યોગી, તિબેટના બૌદ્ધ સાધુ, લંડન બરોઝના કાઉન્સિલરો અને પૂર્વ મેયરો, ઈન્ટરફેઈથ કોમ્યુનિટીના સભ્યો, ધ ભવનના ટ્રસ્ટી, રોયલ એર ફોર્સના સભ્ય અને અન્ય કોમ્યુનિટી અગ્રણીઓનો સમાવેશ થયો હતો.

ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ ખાતે ઉજવણીના દિવસો ઉપરાંત, બ્રહ્માકુમારી બહેનોએ રક્ષાબંધન પર્વનો અનુભવ કરાવવાં વિવિધ સ્થળોએ મુલાકાતો યોજી હતી. વોન્ડ્ઝવર્થ પ્રિઝન ખાતે બ્રહ્માકુમારી બહેનો દ્વારા રચાયેલા શાંત અને પવિત્ર વાતાવરણથી અનેક કેદીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. તેઓએ પણ રક્ષાબંધનની વિધિ માણી હતી. નેહરુ સેન્ટર ખાતે સેન્ટરના સ્ટાફ અને ડાયરેક્ટર નાઓરેમ સિંહ અને તેમના પરિવાર ઉપરાંત, 60થી વધુ લોકો રક્ષાબંધન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય હાઈ કમિશનમાં ઈન્ડિયા હાઉસ ખાતે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર પાન્ડે અને વિવિધ વિભાગોના કર્મચારીઓ રક્ષાબંધનમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ટ્સમીઅર બરો કાઉન્સિલ ખાતે 40થી વધુ લોકોએ ઉત્સવના અનુભવ અને આધ્યાત્મિક મહત્ત્વને માણ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter