બ્રિટિશ ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટી દ્વારા કાનૂની સંવાદમાં મૂલ્યોની સમાનતા છવાઈ

Wednesday 28th October 2026 08:39 EDT
 
ડાબેથી- BIJAના કો-ચેર પીટર ચઢ્ઢા, બ્લેકસ્ટોન ચેમ્બર્સ ખાતે બેરિસ્ટર લોર્ડ ડેવિડ પાન્નિક KC, વન એસેક્સ કોર્ટમાં બેરિસ્ટર મિશેલ મેનાશી KC, ઓલ્ડ બેઈલીમાં 2017માં નિયુક્ત સૌપ્રથમ બિનગોરા જજ અનુજા ધીર KC અને BIJAના કો-ચેર ઝાકી કૂપર
 

લંડનઃ બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશન યુકે (BIJA) દ્વારા લંડનમાં વિન્સ્ટન ટે્લર ખાતે આયોજિત ઈવેન્ટ ધ લો એન્ડ કોમ્યુનિટીમાં ન્યાય, ભેદભાવ અને બદલાતા કાનૂની વ્યચવસાય વિશે પ્રખ્યાત લોયર લોર્ડ પાન્નિક KC અને જજ અનુજા ધીર KC એ ઊંડી સમજ પુરી પાડી હતી. આ સંવાદના મોડરેટરની કામગીરી વન એસેક્સ કોર્ટમાં બેરિસ્ટર મિશેલ મેનાશી KCએ સંભાળી હતી. બ્રિટનના ભારતીય અને જ્યુઈશ સમુદાયના સભ્યો કાયદો, અને સમાજના ઘડતરમાં તેની ભૂમિકા વિશે ગહન ચર્ચા કરવા એકત્ર થયા તેમાં પરિવાર, સખત મહેનત, શિક્ષણ અને સમાજની સેવાના સહભાગી મૂલ્યો કેન્દ્રસ્થાને રહ્યાં હતાં.

BIJAના કો-ચેર ઝાકી કૂપરે આરંભે જણાવ્યું હતું કે થોડા સપ્તાહ અગાઉ આપણી બંને કોમ્યુનિટીઓને શું સાંકળે છે તેનું અદ્ભૂત ઉદાહરણ જોવાં મળ્યું હતું. દુબઈથી તેલ અવીવની ફ્લાઈટમાં કોકપિટમાં જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના જાનની પરવા કર્યા વિના ઈઝરાયેલ જતા પ્રવાસીઓની રક્ષા કરી હતી.

લંડનમાં સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ (ઓલ્ડ બેઈલી)ના સૌપ્રથમ ભારતવંશી પૂર્ણકાલીન સર્કિટ જજ તરીકે નિયુક્ત અનુજા ધીર KC અને લોર્ડ પાન્નિક KC એ કાયદાશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા ક્યાંથી મળી તેના વિશે જણાવ્યું હતું. અનુજા ધીર KC એ જણાવ્યું હતું કે તફાવત સર્જવાના નિર્ધાર થકી તેમની યાત્રાને આકાર મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે અન્યાયને પડકાર અને લોકોનું જીવન સુધારવાની તક કાયદા દ્વારા પ્રાપ્ત થાય છે. તેમનો સંદેશો સ્પષ્ટ હતો કે દરેક લોયર તેમના કાર્યમાં માનવતાને સ્થાન આપી શકે છે, જેમનો અવાજ નથી તેમનો અવાજ બની શકે છે. વ્યવસાયની જવાબદારીઓ કોર્ટરૂમની બહાર પણ વિસ્તરે છે. જજ હોવાના સૌથી પડકારજનક પાસામાં અંગત લાગણીઓ બાજુએ રાખી કાયદાને વાજબી રીતે લાગુ કરવાનો સમાવેશ થાય છે. લોર્ડ પાન્નિક KC એ જણાવ્યું હતું કે કાયદા તરફનાં આકર્ષણનાં મૂળ દલીલોના પ્રેમ અને બૌદ્ધિક પડકારમાં રહ્યા છે. આ વ્યવસાય સામસામી દલીલોને તપાસવા, સૌથી વધુ મજબૂત દલીલો કઈ છે તેનો નિર્ણય કરવા અને ક્લાયન્ટ્સનાં જીવનમાં મહત્ત્વનો તફાવત સર્જવાની તક પુરી પાડે છે.

બંને વક્તાએ સ્વીકાર્યું હતું કે તેમના કાર્યમાં મહત્ત્વની જવાબદારીઓ રહેલી છે. તેમણે કાનૂની વ્યવસાય પોતાની મૂળભૂત જવાબદારીઓ ઉપરાંત, સમાજને યોગદાન આપવાની તક વિશે પણ જણાવ્યું હતું. આધુનિક કાનૂની વ્યવસાયની ચર્ચા AIનો વિચાર કર્યા વિના પૂર્ણ હોઈ શકે નહિ. લોર્ડ પાન્નિકે કહ્યું હતું કે લોયર્સના કામકાજમાં ટેકનોલોજીનો પ્રભાવ હંમેશાંથી રહેલો છે. જજ ધીરે પણ જણાવ્યું હતું કે સારું સંશોધન અસરકારક એડવોકસીનું માત્ર એક ઘટક જ છે.

આ વાતચીતમાં બ્રિટનની જ્યુઈશ અને ભારતીય કોમ્યુનિટીઓ સમક્ષ ભેદભાવ, પૂર્વગ્રહ તેમજ વિવિધ જૂથો વચ્ચે સમજ પ્રસરાવવાના મહત્ત્વ સહિતના પડકારોનો પણ ઉલ્લેખ થયો હતો. ધર્મ, શિક્ષણ અને એકીકરણ વચ્ચેના સંબંધની પણ વાત નીકળી હતી. વિન્સ્ટન ટેલરના પાર્ટનર શિલ્પા વાસવાની, સોલિસિટર એલિશેવા જોશુઆ, વાયમાન સોલિસિટર્સ ખાતે લિટિગેશન એન્ડ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન ડાયરેક્ટર અનિલ રાજાણી, બિઝનેસમેન અને BIJA કમિટી મેમ્બર અમ્રિતસિંહ માન, ભારતની સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારા લોયર અનિરુદ્ધ રાજપૂત, પીઢ BIJA મેમ્બર પીટર ચઢ્ઢા સહિતના વક્તાઓએ પણ બંને કોમ્યુનિટીઓ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાની હાકલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter